લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને INDIA ગઠબંધનના અન્ય અગ્રણી નેતાઓએ ચૂંટણી પંચની કાર્યપ્રણાલી સામે મોરચો માંડતા સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી દાખલ કરી છે. આ અરજી દ્વારા વિપક્ષે ‘સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન’ (SIR) દરમિયાન ચૂંટણી પંચની કામગીરી અંગે સોગંદનામા મારફતે 48 સવાલોના વિગતવાર જવાબ રજૂ કરવાની માંગણી કરી છે. અરજીમાં રાહુલ ગાંધી અને ગઠબંધનના નેતાઓએ પંચને સીધો સવાલ કર્યો છે કે સમગ્ર દેશમાં SIR લાગુ કરવાનો નિર્ણય કોનો હતો? આ ઉપરાંત SIR શરૂ કરવાના પંચના નિર્ણયની ચોક્કસ ફાઈલ અને તારીખ કઈ છે, તેમજ મતદાર નોંધણી માટેના ફોર્મ 6માં ફેરફાર કરવાનો નિર્ણય કોણે લીધો હતો તે અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે.
વિપક્ષી ગઠબંધનના નેતાઓએ સુપ્રીમ કોર્ટ પાસે ચૂંટણી પંચને આ પ્રશ્નાવલી મોકલવાની મંજૂરી માંગી છે. અરજીમાં જવાબી સોગંદનામાની મંજૂરી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા પૂછવામાં આવ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને બંને ચૂંટણી કમિશનરોએ 26 ઓક્ટોબરના જવાબી સોગંદનામાને ક્યારે અને કેવી રીતે મંજૂરી આપી હતી? શું કમિશનરોએ કોઈ સત્તાવાર બેઠકમાં, ફાઈલ પર કે પછી ઈલેક્ટ્રોનિક માધ્યમથી આ નિર્ણયોને મંજૂરી આપી હતી?
આ સાથે જ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો છે કે SIRની મંજૂરી, મતદાર યાદીમાંથી મોટા પાયે લોકોના નામ કમી કરવા અને ઓનલાઈન સિસ્ટમમાં કરાયેલા ફેરફારો અંગે નાયબ ચૂંટણી કમિશનર સહિતના અન્ય અધિકારીઓને શપથપત્ર દ્વારા જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવે. અરજીમાં બંને ચૂંટણી કમિશનરો વિવેક જોશી અને એસ.એસ. સંધુની ભૂમિકા અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે તેમણે કેટલી વખત લેખિત વાંધાઓ નોંધાવ્યા છે અને શું SIR સાથે જોડાયેલો કોઈ નિર્ણય બહુમતીથી લેવામાં આવ્યો હતો જેમાં કોઈએ અસંમતિ દર્શાવી હતી?
INDIA ગઠબંધનના નેતાઓએ ચૂંટણી પંચની ટેકનિકલ પારદર્શિતા અને ડેટા સુરક્ષા સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. અરજીમાં પંચને પૂછવામાં આવ્યું છે કે શું 24 જૂન 2025 પછી કોઈ ખાનગી વેન્ડર કે કોન્ટ્રાક્ટરના કર્મચારીને ઈલેક્ટોરલ રોલ ડેટાબેઝમાં ફેરફાર કરવાની પરવાનગી આપવામાં આવી હતી? આ ઉપરાંત, ERONET અને ECINET નું કેન્દ્રીયકરણ કરવાનો તથા મતદાર યાદીને કેન્દ્રીય નિયંત્રણ હેઠળ રાખવાનો નિર્ણય કોણે લીધો હતો તે અંગે પણ જવાબ માંગવામાં આવ્યો છે.
કોંગ્રેસે આ તમામ 48 સવાલોની યાદી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર શેર કરતા આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પંચે અગાઉ દાખલ કરેલા સોગંદનામામાં ‘વોટ ચોરી’ અંગે ઉઠી રહેલા સવાલોના કોઈ જવાબ આપ્યા નથી, અને SIRની ગંભીર ખામીઓએ જ વોટ ચોરીનો રસ્તો ખોલ્યો હતો. અરજીના અંતિમ ભાગમાં ચૂંટણી પંચની આંતરિક નિર્ણય પ્રક્રિયા પર સીધો પ્રહાર કરતા પૂછવામાં આવ્યું છે કે દેશભરમાં SIR સાથે જોડાયેલા નિર્ણયો ખરેખર ચૂંટણી પંચે એક સામૂહિક સંસ્થા તરીકે લીધા હતા, કે પછી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે અન્ય ચૂંટણી કમિશનરોની જાણકારી, મંજૂરી કે સંમતિ વિના જ પંચની સત્તાઓનો એકપક્ષીય ઉપયોગ કરી લીધો હતો?