સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મભૂમિ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે આજે બાપાની 227મી જન્મજયંતિની અત્યંત ભક્તિભાવ અને ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન અવસરે પોતાના આરાધ્ય દેવના દર્શન કરવા માટે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર વીરપુર ખાતે ઉમટી પડ્યું છે. વહેલી સવારની પ્રથમ આરતીનો લાભ લેવા તેમજ બાપાના દર્શન કરવા માટે ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે મોડી રાતથી જ મંદિરની બંને બાજુ અંદાજે એક-એક કિલોમીટર સુધી શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી ગઈ છે.
જન્મજયંતિના પર્વની શરૂઆત વહેલી સવારે પૂજ્ય જલારામ બાપાના પરિવારજનો દ્વારા બાપાની સમાધિ પર શાસ્ત્રોક્ત પૂજા-અર્ચના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ નિજ મંદિરમાં મંગળા અને પ્રથમ આરતી ઉતારીને ભક્તો માટે દર્શનના દ્વાર ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ ખાસ અવસરને લઈને સમગ્ર વીરપુર નગરીને નવોઢાની જેમ શણગારવામાં આવી છે. સ્થાનિક વીરપુરવાસીઓ દ્વારા દરેક ઘરના આંગણે આકર્ષક અને રંગબેરંગી રંગોળીઓ પૂરવામાં આવી છે, દરવાજે આસોપાલવના તોરણ બાંધવામાં આવ્યા છે તેમજ તમામ ઘરો, દુકાનો અને ગેસ્ટ હાઉસ પર ઝગમગતી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. સમગ્ર ગામનો નજારો જોતા જાણે વીરપુરમાં બીજી દિવાળીનો પર્વ ઉજવાઈ રહ્યો હોય તેવા અલૌકિક દૃશ્યો સર્જાયા છે.
ઉજવણીના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો અને અલગ-અલગ ચોકમાં પૂજ્ય જલારામ બાપાના પ્રેરણાદાયી જીવનચરિત્ર અને તેમના સેવાકાર્યોને દર્શાવતી આકર્ષક ઝાંખીઓ તેમજ કલાત્મક ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે, જે ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ઉપરાંત, નગરમાં જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા છે. બહારગામથી પગપાળા કે વાહનો દ્વારા વીરપુર પહોંચતા માર્ગો પર શ્રદ્ધાળુઓની સુવિધા અને સેવા માટે સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ અને ગ્રામજનો દ્વારા ઠેર-ઠેર ઠંડા પાણી, સરબત અને છાશના પરબ ઊભા કરવામાં આવ્યા છે, તેમજ વિવિધ સ્થળોએ પ્રસાદ વિતરણની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
227મી જન્મજયંતિના વિશેષ મહત્વને ધ્યાનમાં રાખીને ભક્તોને 227 કિલો બુંદીના પ્રસાદનું વિતરણ કરવાનું આયોજન કરાયું છે અને સાથે જ કેક કટિંગનો કાર્યક્રમ પણ યોજાશે. વીરપુર ધામની સૌથી મોટી અને વિશ્વવિખ્યાત વિશેષતા એ છે કે અહીં છેલ્લા 26 વર્ષથી મંદિર પરિસરમાં ભક્તો પાસેથી એક પણ રૂપિયાનું દાન કે કોઈપણ પ્રકારની ભેટ-સોગાત સ્વીકારવામાં આવતી નથી. આમ છતાં, બાપાના આશીર્વાદથી છેલ્લા 200 વર્ષ કરતાં પણ વધુ સમયથી અહીં અવિરતપણે અન્નક્ષેત્ર ધમધમી રહ્યું છે, જ્યાં આવનાર દરેક શ્રદ્ધાળુ પ્રેમપૂર્વક ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે. હાલ દેશ-વિદેશના લાખો ભક્તોના જય જલારામના નાદથી સમગ્ર વીરપુર પંથક ભક્તિમય રંગે રંગાઈ ગયો છે.