ગાઝા પટ્ટીમાં સંઘર્ષ અને અસ્થિરતા વચ્ચે જીવી રહેલા લાખો સામાન્ય નાગરિકો માટે આગામી શિયાળાની ઋતુ એક નવી અને અત્યંત કપરી મુશ્કેલી લઈને આવી શકે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સહિત સંયુક્ત રાષ્ટ્રના કુલ 51 સભ્ય દેશો ગાઝાના લોકોની વહારે આવ્યા છે. આ તમામ દેશોએ એકમતે ઈઝરાયલમાં ચૂંટણી બાદ બનનારી નવી સરકારને સ્પષ્ટ અપીલ કરી છે કે ગાઝામાં માનવીય રાહત સામગ્રીનો પુરવઠો કોઈપણ સંજોગોમાં રોકવામાં ન આવે. આ દેશોએ ભારપૂર્વક જણાવ્યું છે કે કાતિલ ઠંડી શરૂ થાય તે પહેલા ગાઝાના અસરગ્રસ્ત લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે ખોરાક, શુદ્ધ પીવાનું પાણી, ઈંધણ, જીવનરક્ષક દવાઓ અને રહેવા માટે જરૂરી આશ્રય સામગ્રી પૂરતા પ્રમાણમાં મળવી જ જોઈએ. ખાસ કરીને ત્યાંના સંવેદનશીલ વર્ગ એટલે કે મહિલાઓ, નાના બાળકો અને ગંભીર રીતે બીમાર લોકોની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને આંતરરાષ્ટ્રીય સમુદાયે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
આ વૈશ્વિક માનવીય પહેલની આગેવાની જોર્ડન, કતાર અને બ્રિટન દ્વારા લેવામાં આવી હતી, જેને ભારતે પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર ખાતે યોજાયેલી એક મહત્વપૂર્ણ મીડિયા બ્રીફિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા ડેપ્યુટી પરમાનન્ટ રિપ્રેઝન્ટેટિવ એમ્બેસેડર યોજના પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ભારત સહિત 51 દેશોએ ‘ગાજામાં રાહત અને સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાની અપીલ’ પર સહમતિ દર્શાવી હતી. ત્યારબાદ શુક્રવારે ભારતના સંયુક્ત રાષ્ટ્ર મિશન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવાયું હતું કે, શિયાળાની શરૂઆત થવાની સાથે જ ગાઝાના સામાન્ય નાગરિકો સુધી સુરક્ષિત, સતત અને કોઈપણ અવરોધ વિના માનવીય મદદ પહોંચાડવી અત્યંત આવશ્યક છે. ભારતે ખાસ કરીને મહિલાઓ અને બાળકોની પાયાની જરૂરિયાતો પૂરી કરવા, સામાન્ય નાગરિકોની સુરક્ષા જાળવવા, આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનું પાલન કરવા અને સમગ્ર પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં સ્થાયી શાંતિ સ્થાપવાના પ્રયાસો નવા સિરેથી શરૂ કરવા પર ભાર મૂક્યો છે.
તમામ 51 દેશો વતી સંયુક્ત નિવેદન વાંચતા બ્રિટનના સંયુક્ત રાષ્ટ્ર ખાતેના કાયમી પ્રતિનિધિ સારા મેકઈન્ટોશે ઈઝરાયલની નવી સરકાર સમક્ષ કેટલીક મહત્વની માંગણીઓ મૂકી હતી. આ નિવેદનમાં ઈઝરાયલને અનુરોધ કરવામાં આવ્યો છે કે તે ગાઝામાં ઝડપથી રાહત સામગ્રી પહોંચાડવાની સુગમ વ્યવસ્થા ઊભી કરે. આ ઉપરાંત, માનવીય સહાયનો પ્રવાહ અવિરત ચાલુ રહે તે માટે ઈજિપ્ત અને જોર્ડનના સરહદી રસ્તાઓ ખોલવા અને ત્યાંથી મદદ પહોંચાડવાની મંજૂરી આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ દેશોએ સ્પષ્ટ કર્યું છે કે શિયાળામાં ઠંડીથી બચવા માટે રહેવાની સુવિધા, ઈંધણ, સ્વચ્છ પાણી, સેનિટેશન એટલે કે સ્વચ્છતા સંબંધિત સામગ્રી અને સ્વાસ્થ્ય સેવાઓ માટે જરૂરી તબીબી સાધનોની આપૂર્તિમાં તાત્કાલિક વધારો કરવો જરૂરી છે, જેથી ગાઝામાં જાહેર આરોગ્યની સ્થિતિ વધુ વણસતી અટકાવી શકાય અને રોગચાળા જેવી આફતને ટાળી શકાય.
ગાઝાની કથળેલી સ્વાસ્થ્ય વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સંયુક્ત નિવેદનમાં એવા ગંભીર દર્દીઓ અને ઈજાગ્રસ્તોનો મુદ્દો પણ પ્રમુખતાથી ઉઠાવવામાં આવ્યો છે, જેમની સારવાર હાલ ગાઝાની હોસ્પિટલોમાં શક્ય નથી. આ તમામ દેશોએ ઈઝરાયલ પાસે માંગ કરી છે કે આવા જરૂરિયાતમંદ દર્દીઓને તાત્કાલિક ધોરણે પૂર્વ યરુશાલેમ અને વેસ્ટ બેંકની અદ્યતન હોસ્પિટલો સુધી સારવાર માટે લઈ જવાની મેડિકલ રેફરલ વ્યવસ્થા ફરીથી શરૂ કરવામાં આવે. આ સાથે જ, યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત હોસ્પિટલો, ડોક્ટરો, સ્વાસ્થ્યકર્મીઓ અને એમ્બ્યુલન્સ જેવા મેડિકલ વાહનોની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવાની તાકીદ કરવામાં આવી છે. ભૂતકાળમાં સ્વાસ્થ્યકર્મીઓ અને માનવીય રાહતકર્મીઓ પર થયેલા હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરતા આ ઘટનાઓની નિષ્પક્ષ અને પારદર્શક ફોજદારી તપાસ શરૂ કરીને તેને વહેલી તકે પૂર્ણ કરવાની માંગ પણ કરવામાં આવી છે.
અંતમાં, ભારત સહિતના આ 51 દેશોએ શિયાળાની કપરી ઋતુ દરમિયાન ગાઝામાં ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યોમાં પોતાનો પૂર્ણ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સહયોગ હેઠળ વિસ્થાપિત અને અસરગ્રસ્ત લોકો સુધી રહેવાની યોગ્ય જગ્યા, પીવાનું પાણી, સ્વચ્છતાની કીટ અને જરૂરી તબીબી પુરવઠો પહોંચાડવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સમુદાયનું માનવું છે કે માત્ર તાત્કાલિક મદદ પૂરતી નથી, પરંતુ સમગ્ર મધ્ય-પૂર્વ ક્ષેત્રમાં લાંબા ગાળાની સ્થિરતા અને કાયમી શાંતિ જળવાઈ રહે તે માટે તમામ પક્ષોએ સાથે મળીને નવેસરથી રાજદ્વારી પ્રયાસો તેજ કરવાની અત્યંત જરૂરિયાત છે.