World

હસીનાની વાપસી માટે ભારતની બે શરતો: બાંગ્લાદેશ સેના તેમની સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરે

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની વાપસી અંગે ભારતે બે શરતો મૂકી છે. બીબીસી બાંગ્લાના અહેવાલ મુજબ ભારતીય અધિકારીઓ ઈચ્છે છે કે બાંગ્લાદેશ સેના ભારત આવે અને હસીનાને સુરક્ષિત રીતે પાછી લઈ જાય.

ભારતની બીજી શરત એ છે કે બાંગ્લાદેશ સરકારે ન્યાયી સુનાવણીની ખાતરી આપવી જોઈએ, ખાસ કરીને મૃત્યુદંડના સંદર્ભમાં જેથી ખાતરી કરી શકાય કે બાંગ્લાદેશ પરત ફર્યા બાદ તેમને કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવાની સંપૂર્ણ તક મળે. જોકે ભારત સરકારે હજુ સુધી આ શરતો અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. હસીનાએ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અહેવાલો સૂચવે છે કે ભારત છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની વાપસી અંગે બાંગ્લાદેશ સરકાર સાથે વાતચીત કરી રહ્યું છે.

શેખ હસીના 5 ઓગસ્ટ, 2024ના રોજ લશ્કરી વિમાન દ્વારા ભારત પહોંચ્યા હતા. ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર જો તેમને પાછા લઈ જવાના હોય તો બાંગ્લાદેશ સેનાએ આ પ્રક્રિયા સંભાળવી જોઈએ. કાં તો દિલ્હીમાં લશ્કરી વિમાન મોકલીને અથવા તેમને સરહદ સુધી પહોંચાડીને. ભારત આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવા તૈયાર છે.

નિષ્ણાતોના મતે આ શરતો પાછળ બે મુખ્ય કારણો છે:
સુરક્ષા: ભારત એ સુનિશ્ચિત કરવા માંગે છે કે શેખ હસીના સુરક્ષિત રીતે બાંગ્લાદેશ પહોંચે અને તેમની વાપસી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને. સામાન્ય સરકારી કે પોલીસ સત્તાવાળાઓને બદલે સેના દ્વારા તેમને લઈ જવાથી, તેમની સુરક્ષિત વાપસીની જવાબદારી સીધી લશ્કર પર રહે છે.

બીજી શરત: કાનૂની કાર્યવાહી પર આંતરરાષ્ટ્રીય દેખરેખ
બાંગ્લાદેશની એક અદાલતે હસીનાને મૃત્યુદંડની સજા સંભળાવી છે. ભારત એ સુનિશ્ચિત કરવા માંગે છે કે તેમને આ ચુકાદા સામે અપીલ કરવાની તક મળે. વધુમાં ભારત જુલાઈ 2024માં થયેલી હિંસા સાથે જોડાયેલા આરોપો અંગે નવી સુનાવણી ઈચ્છે છે.

ભારતીય વિદેશ મંત્રાલયના એક અધિકારીને ટાંકીને બીબીસી બાંગ્લાએ અહેવાલ આપ્યો છે કે ભારત હસીનાને એવી રીતે સોંપવા માંગતું નથી કે જેનાથી તેમને મૃત્યુદંડ આપવામાં આવે, તે પહેલાં એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે તેમને ન્યાયી સુનાવણી મળે. ભારત ઈચ્છે છે કે સમગ્ર કાનૂની પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય સમુદાય અને વૈશ્વિક મીડિયાની દેખરેખ હેઠળ રહે.

હસીનાએ પાસપોર્ટ માટે અરજી કરી
હસીનાએ ૯ નવેમ્બરે નવા પાસપોર્ટ અને મુસાફરી દસ્તાવેજો માટે અરજી કરી. ભારત આવ્યા પછી બાંગ્લાદેશ સરકાર સાથેનો આ તેમનો પ્રથમ સત્તાવાર સંપર્ક હતો.

જોકે ઢાકાએ જણાવ્યું હતું કે જો તેઓ ખરેખર પોતાના દેશમાં પાછા ફરવા માંગતા હોય, તો તેમણે ભારત સરકારનો સંપર્ક કરવો જોઈએ. તેમની વાપસીની પ્રક્રિયા બંને દેશો વચ્ચેની પ્રત્યાર્પણ સંધિ (extradition treaty) હેઠળ શરૂ થઈ શકે છે. બીબીસી બાંગ્લાના અહેવાલ મુજબ હસીનાએ ડિસેમ્બરમાં પાછા ફરવાની યોજના ત્યારે જ જાહેર કરી હતી જ્યારે ભારત સાથે તેમની વાપસી અંગે સમજૂતી થઈ ગઈ હતી.

ભારતીય હાઈ કમિશનરની આર્મી ચીફ સાથે મુલાકાત
અહેવાલો અનુસાર બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ ૬ ઓક્ટોબરે દિલ્હીમાં આર્મી ચીફ જનરલ ધીરજ સેઠ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત અંગેના નિવેદનમાં ભારતીય સેનાએ જણાવ્યું હતું કે ચર્ચાઓ ભારત-બાંગ્લાદેશ સહયોગ અને સંરક્ષણ સંબંધોને મજબૂત કરવા પર કેન્દ્રિત હતી. જોકે ભારતીય લશ્કરી અધિકારીને ટાંકીને બીબીસી બાંગ્લાએ દાવો કર્યો છે કે, આ મુલાકાતનો વાસ્તવિક ઉદ્દેશ્ય હસીનાની વાપસીમાં બાંગ્લાદેશી સેનાની ભૂમિકા નક્કી કરવાનો હતો.

ભારતે અહેવાલ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો
૧૩ નવેમ્બરે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને હસીનાની સંભવિત વાપસી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું ભારતે બાંગ્લાદેશને લશ્કરી વિમાન મોકલવા અને હસીનાને ન્યાયી સુનાવણી (fair trial) મળે તેની ખાતરી આપવા માટે વિનંતી કરી છે કે કેમ.

જવાબમાં જયસ્વાલે કહ્યું, “આ બાબતે મારે કંઈ કહેવું નથી.”
દરમિયાન બાંગ્લાદેશના વડા પ્રધાનના સહાયક પ્રેસ સેક્રેટરી કે.એમ. નઝમુલ હકે ફેસબુક પોસ્ટમાં દાવો કર્યો છે કે હાલમાં કોઈ પણ દેશ હસીનાને આશરો આપવા તૈયાર નથી. તેમણે ખાસ કરીને યુનાઇટેડ કિંગડમ, યુએઈ, સાઉદી અરેબિયા, ફિનલેન્ડ અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિતના કેટલાક દેશોનો ઉલ્લેખ કર્યો હતો.

Most Popular

To Top