Entertainment

અક્ષય કુમારની પહેલી સાયન્સ ફિક્શન ફિલ્મ ‘સમુક’ની રિલીઝ ડેટ ફાઈનલ: 28 મે 2027ના રોજ થિયેટરોમાં મચાવશે ધમાલ

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર પોતાની કારકિર્દીમાં પ્રથમવાર સાયન્સ ફિક્શનની અદભુત દુનિયામાં કદમ મૂકવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ ફિલ્મ દ્વારા તેઓ લાંબા સમય બાદ પ્રખ્યાત ફિલ્મમેકર વિપુલ અમૃતલાલ શાહ સાથે ફરી એકવાર સહયોગ કરી રહ્યા છે. મેકર્સે ફિલ્મનું ધમાકેદાર મોશન પોસ્ટર રિલીઝ કરવાની સાથે જ તેની રિલીઝ ડેટનું પણ સત્તાવાર એલાન કરી દીધું છે. સર્વાઈવલ અને એક્શનથી ભરપૂર આ થ્રિલર ફિલ્મ સિનેમાઘરોમાં ધમાકો મચાવવા માટે સજ્જ છે.

‘સમુક’ના સામે આવેલા મોશન-પોસ્ટરમાં એક રહસ્યમય હાથ દેખાય છે અને બેકગ્રાઉન્ડમાં એક ડરામણો તથા ઉત્તેજક અવાજ સંભળાય છે. ત્યારબાદ અક્ષય કુમાર એકદમ દમદાર અને ખૂંખાર મિલિટ્રી લુકમાં નજરે પડે છે, જેના હાથમાં રાઈફલ જોવા મળે છે. આ પોસ્ટરની સૌથી મોટી ખાસિયત તેની ટેગલાઈન ‘ધ મિશન ઈઝ હ્યુમન બટ ધ એનિમી ઈઝન્ટ’ (The mission is human but the enemy isn’t) છે. આના પરથી સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મમાં મનુષ્યોએ પૃથ્વી પરના કોઈ અજાણ્યા અને ખતરનાક દુશ્મન સામે પોતાના અસ્તિત્વની લડાઈ લડવી પડશે.

મેકર્સે કન્ફર્મ કર્યું છે કે આ અત્યંત રાહ જોવાયેલી ફિલ્મ ‘સમુક’ દુનિયાભરના સિનેમાઘરોમાં 28 મે 2027ના રોજ ધમાકેદાર રીતે રિલીઝ થશે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી સ્ટારકાસ્ટ, પાત્રોની વિગતો અને વાર્તાના અન્ય રહસ્યો પરથી આગામી સમયમાં પડદો ઉઠાવવામાં આવશે. અક્ષય કુમાર અને વિપુલ અમૃતલાલ શાહની જોડી બોલિવૂડમાં હંમેશાં હિટ સાબિત થઈ છે. અગાઉ આ બંનેએ ‘આંખે’, ‘વક્ત: ધ રેસ અગેન્સ્ટ ટાઈમ’, ‘નમસ્તે લંડન’, ‘સિંહ ઈઝ કિંગ’ અને ‘એક્શન રિપ્લે’ જેવી યાદગાર ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. કોમેડી, ડ્રામા, રોમાન્સ અને એક્શન જેવા વિવિધ જોનરમાં કમાલ કર્યા બાદ હવે આ જોડી પહેલીવાર કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ લઈને દર્શકો સમક્ષ આવી રહી છે, જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top