સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને વધુ ઝડપી અને સુવ્યવસ્થિત સારવાર મળી રહે તે માટે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. હોસ્પિટલના તમામ વોર્ડમાં હવે દર્દીઓની વિગતો નોંધવા માટે પરંપરાગત ચોપડાની જગ્યાએ ડિજિટલ એન્ટ્રી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આજથી જ આ નવી વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમના અમલથી હોસ્પિટલની કામગીરીમાં ઝડપ આવશે અને નર્સિંગ સ્ટાફનો સમય પણ બચશે.
અત્યાર સુધી હોસ્પિટલમાં દર્દી દાખલ થાય ત્યારે નર્સિંગ સ્ટાફે ચોપડામાં દર્દીનું નામ, સારવાર સહિતની જરૂરી વિગતો હાથથી નોંધવી પડતી હતી. કાગળ પર તમામ માહિતી લખવાની પ્રક્રિયામાં સમય વધુ લાગતો હતો. તેના કારણે નર્સિંગ સ્ટાફની કામગીરીનો મોટો હિસ્સો રેકોર્ડ નોંધવામાં જ પસાર થતો હતો અને દર્દીઓની સારવાર તથા દેખરેખ માટે પૂરતો સમય ફાળવવામાં મુશ્કેલી પડતી હતી.
હવે નવી ડિજિટલ વ્યવસ્થામાં કોમ્પ્યુટર મારફતે દર્દીઓની તમામ વિગતો નોંધવામાં આવશે. દરેક વોર્ડમાં એક નર્સિંગ સ્ટાફ ડિજિટલ એન્ટ્રીની જવાબદારી સંભાળશે, જ્યારે અન્ય નર્સિંગ સ્ટાફ દર્દીઓની સારવાર, દેખરેખ અને સંભાળ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ વ્યવસ્થાથી કાગળ પર નોંધણી કરવાની પ્રક્રિયા ઘટશે અને જરૂરી વિગતો નોંધવાની કામગીરી વધુ ઝડપી બનશે.
હોસ્પિટલના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, ડિજિટલ સિસ્ટમથી સમયની બચત થવાની સાથે વહીવટી કામગીરી પણ વધુ સુવ્યવસ્થિત બનવાની શક્યતા છે. દર્દીઓની વિગતો ડિજિટલ રીતે ઉપલબ્ધ થવાથી હોસ્પિટલના સ્ટાફને પણ કામગીરી કરવામાં સરળતા રહેશે. નવી સિવિલ હોસ્પિટલનું આ પગલું આરોગ્ય સેવાઓમાં ટેક્નોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.