National

ASEAN સમિટમાં PM મોદીનો સંદેશ: સ્પર્ધા છોડો, સહયોગથી વિકાસના નવા માર્ગ ખોલો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને આસિયાન (ASEAN) દેશો વચ્ચે પરસ્પર સહયોગ, શાંતિ અને સ્થિરતાને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. આસિયાન-ભારત શિખર સંમેલનને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે આ ક્ષેત્રનું ભવિષ્ય સ્પર્ધાથી નહીં, પરંતુ પરસ્પર સહયોગથી નક્કી થવું જોઈએ. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વધી રહી છે ત્યારે ભારત અને આસિયાન દેશોએ સાથે મળીને શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ ઊભું કરવું જરૂરી છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત અને આસિયાન દેશો મળીને વિશ્વની આશરે એક ચતુર્થાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. આટલી મોટી વસ્તી અને ક્ષમતા ધરાવતા દેશો પાસે સહયોગ દ્વારા વિકાસનાં નવા માર્ગો ખોલવાની તક છે. તેમણે કહ્યું હતું કે, “આપણું ભવિષ્ય પરસ્પર સ્પર્ધાને બદલે પરસ્પર સહયોગથી નક્કી થવું જોઈએ. આ લક્ષ્ય હાંસલ કરવા માટે આપણી પાસે પૂરતું સામર્થ્ય અને મક્કમ સંકલ્પ બંને છે. આપણે સૌ સાથે મળીને આ ક્ષેત્રને શાંતિ અને સ્થિરતાનું પ્રતિક બનાવી શકીએ છીએ.”

વડાપ્રધાને ભારત અને આસિયાન દેશો વચ્ચે લોકોના પરસ્પર સંપર્કો વધારવા માટે કરવામાં આવેલી પહેલોની પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2014થી અત્યાર સુધીમાં લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે 100થી વધુ પહેલ કરવામાં આવી છે. આ ઉપરાંત આશરે 250 ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે અને ક્ષમતા નિર્માણ માટે 10,000 શિષ્યવૃત્તિઓ આપવામાં આવી છે. આ પ્રયાસો દ્વારા શિક્ષણ, તાલીમ અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન મળ્યું છે.

ભારત અને આસિયાન દેશો વચ્ચે વધતી હવાઈ કનેક્ટિવિટીનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે ભારત અને આસિયાનના નવ દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ તથા પ્રવાસન ક્ષેત્રનો વધતો વ્યાપ બંને પક્ષો વચ્ચેની મજબૂત ભાગીદારી દર્શાવે છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે આ વર્ષે કોઈપણ આસિયાન દેશની આ તેમની ત્રીજી મુલાકાત હતી, જે ભારત માટે આસિયાનનું વિશેષ મહત્ત્વ દર્શાવે છે.

પીએમ મોદીએ આસિયાનના ‘કમ્યુનિટી વિઝન 2045’ અને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના લક્ષ્ય વચ્ચેના તાલમેલ પર પણ ભાર મૂક્યો હતો. તેમના મતે, બંને પક્ષોના આ લાંબા ગાળાના વિકાસલક્ષી લક્ષ્યો એકબીજાને પૂરક બની શકે છે અને તેને હાંસલ કરવામાં પરસ્પર સહયોગ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ભારત આસિયાનની એકતા અને પ્રાદેશિક સહયોગ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ શિખર સંમેલન ભારત અને આસિયાન વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ લઈ જવાની સાથે સુરક્ષિત, સમાવેશી અને સમૃદ્ધ હિંદ-પ્રશાંત ક્ષેત્રના નિર્માણમાં પણ યોગદાન આપશે.

બીજી તરફ, વડાપ્રધાન મોદીએ અન્ય એક કાર્યક્રમમાં દેશના વિકાસ માટે કૃષિ ક્ષેત્રના આધુનિકીકરણને અનિવાર્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ખેતીને સ્માર્ટ બનાવવા અને ખેડૂતોને આર્થિક રીતે સશક્ત કર્યા વગર ‘વિકસિત ભારત’નું નિર્માણ શક્ય નથી. કૃષિ ક્ષેત્ર માત્ર દેશની અર્થવ્યવસ્થાનો જ નહીં, પરંતુ પ્રગતિ, સંસ્કૃતિ અને સામાજિક જીવનનો પણ મુખ્ય આધાર છે. તેથી ખેતીમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ, ઉત્પાદનક્ષમતામાં વધારો અને ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવી જરૂરી છે.

Most Popular

To Top