World

માઈક્રોસોફ્ટ બાદ અમેરિકાની મોટી બેન્કિંગ સિસ્ટમમાં ખામી, કલાકોમાં હજારો ફરિયાદો; કરોડોના વ્યવહારો અટવાયા

અમેરિકામાં એક પછી એક ટેકનિકલ ખામીઓ સામે આવી રહી છે. માઈક્રોસોફ્ટની સેવાઓ ખોરવાયા બાદ હવે અમેરિકાની મોટી બેન્કિંગ સિસ્ટમમાં પણ ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી. દેશની સૌથી મોટી બેન્કોમાંની એક JPMorgan Chase (ચેઝ બેન્ક)માં સોમવારે સોફ્ટવેરની ખામીને કારણે હજારો ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગ્રાહકો પોતાના બેન્ક ખાતામાં લોગિન કરી શકતા નહોતા, બેલેન્સ તપાસવામાં અને નાણાં ટ્રાન્સફર કરવામાં પણ વિલંબ થયો હતો. આ સમસ્યાની અસર અન્ય મોટી બેન્કો અને ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ ઝેલે પર પણ જોવા મળી હતી.

ચેઝ બેન્કે સ્પષ્ટતા કરી હતી કે આ સમસ્યા તેની આંતરિક હાર્ડવેર સિસ્ટમમાં આવેલા સોફ્ટવેર બગને કારણે સર્જાઈ હતી. બેન્કે સાયબર હુમલાની શક્યતાને નકારી કાઢતાં જણાવ્યું હતું કે આ ઘટના પાછળ સાયબર હુમલો થયો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. બેન્કના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, ગ્રાહકો પોતાના ખાતા અને નાણાંનો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ અમુક વ્યવહારો પૂર્ણ થવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગી રહ્યો હતો.

આ સમસ્યા માત્ર ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગ પૂરતી મર્યાદિત રહી નહોતી. ચેઝ બેન્કની કેટલીક શાખાઓમાં પણ ગ્રાહકોને નાણાં જમા કરાવવા અને ઉપાડવામાં મુશ્કેલી પડી હતી. તેના કારણે રોજિંદા બેન્કિંગ વ્યવહારો ખોરવાયા હતા અને અનેક ગ્રાહકોને કલાકો સુધી રાહ જોવી પડી હતી.

આઉટેજની માહિતી આપતી વેબસાઇટ ડાઉનડિટેક્ટર પર ચેઝ બેન્ક અંગે ફરિયાદોમાં ઝડપથી વધારો થયો હતો. સોમવારે બપોરે આશરે 1:30 વાગ્યે ફરિયાદોની સંખ્યા લગભગ 4,500 હતી, જે બપોરે 2:22 વાગ્યા સુધીમાં વધીને 20 હજારને પાર પહોંચી ગઈ હતી. ચેઝ ઉપરાંત બેન્ક ઓફ અમેરિકા, વેલ્સ ફાર્ગો, યુએસ બેન્ક અને ટ્રુઇસ્ટ જેવી અન્ય મોટી બેન્કોના ગ્રાહકોને પણ ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

વેલ્સ ફાર્ગોએ પોતાની વેબસાઇટ પર ટેકનિકલ સમસ્યાની જાણકારી આપીને ગ્રાહકોને ATM અને ટેલિફોન બેન્કિંગનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. બીજી તરફ, બેન્કો વચ્ચે સીધા નાણાં ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવાતી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ઝેલેએ જણાવ્યું હતું કે તેનું નેટવર્ક સામાન્ય રીતે કાર્યરત હતું. જોકે, બેન્કોની આંતરિક ટેકનિકલ ખામીઓને કારણે પેમેન્ટ પૂર્ણ થવામાં વિલંબ થઈ રહ્યો હતો. યુએસ બેન્કે પણ સ્પષ્ટ કર્યું હતું કે જે વ્યવહારોમાં ચેઝ બેન્ક સામેલ હતી તેમાં જ વિલંબ જોવા મળ્યો હતો.

સોમવારે મોડી સાંજે ચેઝ બેન્કે ટેકનિકલ સમસ્યાનું સમાધાન કરી લેવામાં આવ્યું હોવાની જાણકારી આપી હતી. ત્યારબાદ બેન્કિંગ સેવાઓ અને વ્યવહારો સામાન્ય રીતે શરૂ થયા હતા. આમ, કલાકો સુધી ચાલેલી સમસ્યા બાદ ગ્રાહકોને રાહત મળી હતી.

નોંધનીય છે કે આ બેન્કિંગ સમસ્યાના થોડા દિવસ પહેલાં જ માઈક્રોસોફ્ટની આઉટલુક, ટીમ્સ અને કોપાયલટ જેવી સેવાઓ કલાકો સુધી ખોરવાઈ હતી. આ ઉપરાંત, ગયા અઠવાડિયે અમેરિકાની એર ટ્રાફિક કંટ્રોલની કોમ્યુનિકેશન સિસ્ટમમાં ખામી સર્જાતાં દેશભરમાં ફ્લાઇટ કામગીરીને અસર થઈ હતી અને કેટલીક ફ્લાઇટ્સ રોકવી પડી હતી.

ટૂંકા ગાળામાં ટેક્નોલોજી આધારિત અલગ-અલગ ક્ષેત્રોમાં સર્જાયેલી આ સમસ્યાઓએ મહત્ત્વપૂર્ણ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વિશ્વસનીયતા અંગે ચર્ચા જગાવી છે. જોકે, માઈક્રોસોફ્ટ, બેન્કિંગ સિસ્ટમ અને એર ટ્રાફિક કંટ્રોલમાં સર્જાયેલી આ તમામ ખામીઓ એકબીજા સાથે જોડાયેલી હોવાના કોઈ પુરાવા સામે આવ્યા નથી.

Most Popular

To Top