બંગાળની ખાડીમાં સક્રિય થયેલું ચક્રવાતી તોફાન અકવાન’ (Cyclone Akwan) અત્યંત ખતરનાક સ્વરૂપ ધારણ કરીને ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવેલી ચેતવણી અનુસાર, આ સિસ્ટમ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ચૂકી છે અને શુક્રવાર, 20 નવેમ્બરની બપોર આસપાસ તે આંધ્રપ્રદેશના નેલ્લોર અને તુની વચ્ચે સમુદ્ર કિનારે (લેન્ડફોલ) ટકરાશે. આ વાવાઝોડાના પ્રકોપને ધ્યાનમાં રાખીને તટીય વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના અંદાજ મુજબ, વાવાઝોડું ટકરાતી વખતે પવનની ઝડપ 120 થી 130 કિલોમીટર પ્રતિ કલાક અને ઝાપટાં દરમિયાન તે 145 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 1 થી 2 મીટર ઊંચા તોફાની મોજા ઉછળવાની શક્યતા છે, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. બુધવારથી જ તટીય આંધ્રપ્રદેશમાં વરસાદ શરૂ થઈ જશે, જ્યારે ગુરુવાર અને શુક્રવારે કેટલાક જિલ્લાઓમાં 20 સેન્ટિમીટરથી વધુનો અત્યંત ભારે વરસાદ પડી શકે છે. આંધ્રપ્રદેશ ઉપરાંત તમિલનાડુ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગોમાં પણ તોફાન અને વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
સંભવિત જોખમને જોતા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ અમરાવતીમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજીને અધિકારીઓને કડક નિર્દેશો આપ્યા છે. જાનમાલનું નુકસાન અટકાવવા માટે સંવેદનશીલ વિસ્તારોના લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસેડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. નાગરિકોની મદદ માટે સરકારે ખાસ વોટ્સએપ નંબર 9552300009 તેમજ ટોલ-ફ્રી ઈમરજન્સી નંબરો 112, 1070 અને 18004250101 જાહેર કર્યા છે.
દરિયામાં ભારે હલચલ અને તોફાની માહોલને કારણે માછીમારોને દરિયો ન ખેડવા અને જેઓ દરિયામાં છે તેમને તરત જ કિનારે પરત ફરવા આદેશ અપાયો છે. ભારે પવનથી વૃક્ષો અને વીજળીના થાંભલા પડી જવાની શક્યતા હોવાથી બચાવ અને રાહત ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ સાથે ખેડૂતોને પણ પાક સુરક્ષિત રાખવા અને નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળી હવામાન વિભાગના અપડેટ્સ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે.