ગુજરાતમાં આગામી સમયમાં પાણીની સંભવિત અછત અને દુષ્કાળ જેવી પરિસ્થિતિની ગંભીરતાને દર્શાવતો એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રના જળશક્તિ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગુજરાતે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પાસેથી નર્મદાનું પાણી ખરીદવાનું નક્કી કર્યું છે. નોંધનીય બાબત એ છે કે આ નિર્ણય ગુજરાતના જ સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં લેવામાં આવ્યો છે, જેના કારણે રાજ્યના રાજકારણ અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
સોમવારે, 16 નવેમ્બરના રોજ એકતા નગર સ્થિત સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયની આ મહત્વની બેઠક યોજાઈ હતી. સરદાર સરોવર ડેમ સાથે સંકળાયેલા ચારેય રાજ્યોના પ્રતિનિધિઓની હાજરીમાં ગુજરાતમાં જળ સંકટ ન સર્જાય તે માટે એક ખાસ વ્યવસ્થા પર સહમતિ સધાઈ છે. આ નિર્ણય મુજબ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પોતાના હિસ્સાના પાણીમાંથી વીજળીનું ઉત્પાદન કરવાનું બંધ રાખશે અને તે પાણી સીધું ગુજરાતને આપશે. તેના અવેજ રૂપે ગુજરાતે બંને રાજ્યોને તેમના હિસ્સાની મળવાપાત્ર વીજળી ખુલ્લા બજારમાંથી ખરીદીને આપવી પડશે અથવા તો તે વીજળીની કિંમત જેટલા પૈસા ચૂકવવા પડશે.
આ સમગ્ર વ્યવસ્થાનું અમલીકરણ કઈ રીતે કરવું અને અવેજમાં વીજળી આપવી કે રોકડ નાણાં ચૂકવવા, તે અંગેની ચોક્કસ ફોર્મ્યુલા તૈયાર કરવાની જવાબદારી ત્રણેય રાજ્યોના મુખ્ય સચિવોને સોંપવામાં આવી છે. આ નિર્ણયનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતની જનતાએ આગામી શિયાળા અને ઉનાળાની ઋતુમાં પોતાની તરસ છીપાવવા માટે પડોશી રાજ્યો પાસેથી વેચાતું પાણી લેવાની ફરજ પડશે.
જોકે, આ બેઠકમાં ગુજરાત માટે આર્થિક દ્રષ્ટિએ એક મોટી રાહતના સમાચાર પણ આવ્યા છે. જળશક્તિ મંત્રાલયની આ બેઠકમાં સરદાર સરોવર પ્રોજેક્ટના ખર્ચ અને લેણા અંગે છેલ્લા 30 વર્ષથી ચાલતા જટિલ વિવાદનો સુખદ અંત લાવવામાં આવ્યો છે. ચારેય ભાગીદાર રાજ્યો – ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના બાકી નીકળતા ખર્ચ પર 6 ટકા વ્યાજ ગણીને તમામ હિસાબો ક્લિયર કરવા પર સર્વસંમતિ સધાઈ છે. આ ઉપરાંત, મધ્યપ્રદેશ પાસે છેલ્લા 10 વર્ષથી મેઈન્ટેનન્સ પેટે બાકી નીકળતા નાણાં પણ ગુજરાતને ચૂકવી દેવામાં આવ્યા છે, અને હવેથી નિયમિતપણે સમયસર મેઈન્ટેનન્સની રકમ મળતી રહેશે તેવો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.