સોમવારે દિલ્હીમાં સોનિયા ગાંધીના પુસ્તક, ‘બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ’ (Belonging: A Journey of Love) નું વિમોચન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆતમાં સોનિયાના જીવન પર આધારિત એક લઘુ ફિલ્મ દર્શાવવામાં આવી, જેને જોઈને તેઓ ભાવુક થઈ ગયા હતા. તે સમયને યાદ કરતા તેમણે કહ્યું, “જ્યારે રાજીવ ગાંધીનું અવસાન થયું, ત્યારે હું સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. ત્યારે રાહુલ અને પ્રિયંકા આગળ આવ્યા, તેઓ મારા માટે માતા-પિતા સમાન બની ગયા.” આ કાર્યક્રમમાં રાહુલ અને પ્રિયંકા ઉપરાંત તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, તેલંગાણા, કેરળ અને કર્ણાટકના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પુસ્તક ૧૦ નવેમ્બરે જ બજારમાં આવી ગયું હતું.
સોમવારે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું કે તેમને તેમનું સંસ્મરણ (memoir) ‘બિલોન્ગિંગ’ લખવાની પ્રેરણા ક્યાંથી મળી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે આ પુસ્તક કેમ લખ્યું ત્યારે તેમણે કહ્યું, “મારા સાસુ, મારા પતિ, મારા પુત્ર, મારી પુત્રી અને મારા પરિવાર વિશે ઘણું બધું કહેવામાં આવ્યું હતું જે સંપૂર્ણપણે પાયાવિહોણું હતું. એવા દાવા જેનો સત્ય સાથે કોઈ સંબંધ નહોતો. તેથી જ મેં લખવાનું નક્કી કર્યું. આમાં ‘બિલોન્ગિંગ’ (કોઈ જગ્યા કે સમુદાયનો હિસ્સો હોવાની ભાવના) એક મુખ્ય વિષય છે. જ્યારે તમે બહારના વ્યક્તિ હોવ, ત્યારે તમને સતત એવું લાગે છે કે કોઈ તમને જોઈ રહ્યું છે, તમારે સ્વીકૃતિ મેળવવા અને કોઈ જગ્યાનો હિસ્સો બનવા માટે સંઘર્ષ કરવો પડે છે. એક ભારતીય સ્ત્રી માટે, સ્વીકૃતિ મેળવવાની પ્રક્રિયા અત્યંત મુશ્કેલ અને પડકારજનક હોઈ શકે છે.”
હું ઈન્દિરાજીને ‘માં’ કહેવા નહોતી માંગતી
“મને ઈન્દિરા ગાંધીથી ખૂબ ડર લાગતો હતો. મને ક્યારેય સમજ નહોતી પડતી કે તેમની પાસે કેવી રીતે જવું કે તેમને શું કહેવું. મારા પતિ અને તેમના ભાઈ સંજય તેમને ‘માં’ કહીને બોલાવતા હતા, તેથી એવી અપેક્ષા રાખવામાં આવતી હતી કે હું પણ તેમને ‘માં’ કે ‘મમ્મી’ કહીને સંબોધું. પરંતુ હું બિલકુલ એવું કરવા નહોતી માંગતી.
કારણ કે મારા માટે તો માત્ર એક જ માતા હતી. મારી પોતાની માતા, મારી ઈટાલિયન માતા. હું ઈન્દિરા ગાંધીને ‘માં’ કહીને બોલાવી શકું તેમ નહોતી.” તેથી જ હું હંમેશા એવા રસ્તા શોધતી હતી કે જેના દ્વારા મારે તેમની સાથે સીધી વાત કર્યા વિના મારા વિચારો વ્યક્ત કરી શકાય. ટૂંકમાં તેમને ‘મા’ કહીને સંબોધવાનું ટાળવા માટે હું કંઈ પણ કરવા તૈયાર હતી. જોકે જેમ જેમ હું તેમને સમજતી ગઈ અને તેમની નજીક આવતી ગઈ, તેમ તેમ મેં તેમને ‘માં’ કહીને બોલાવવાનું શરૂ કર્યું. જોકે આ પ્રક્રિયામાં ઘણો લાંબો સમય લાગ્યો.
ઈન્દિરાનો ડર
ઈન્દિરાનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી અને કડક હતું. હું તેમનો ખૂબ આદર કરતી હતી, છતાં મને તેમનાથી થોડો ડર પણ લાગતો હતો. ક્યારેક તેઓ ગુસ્સે થઈ જતા, જે મને મારા પોતાના પિતાની યાદ અપાવતું; આવા સમયે, હું ડરના માર્યા સંકોચાઈ જતી. મારા પતિ અને તેમના ભાઈ સંજય શાંતિથી બેસી રહેતા અને રાહ જોતા કે ક્યારે તેમનો ગુસ્સો શાંત થાય. જોકે આવા ગુસ્સાના પ્રસંગો વાસ્તવમાં ખૂબ જ ઓછા હતા. જ્યારે રાહુલ અને પ્રિયંકાનો જન્મ થયો ત્યારે ઈન્દિરા ગાંધીમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું.
રાહુલ અને પ્રિયંકા માટે પુસ્તક લખ્યું
હું હંમેશા મારી આંતરિક લાગણીઓ વ્યક્ત કરવામાં અથવા મારા સંપર્કમાં આવતી વ્યક્તિઓ, સ્થળો અને વસ્તુઓ વિશેની મારી સંવેદનાઓ વહેંચવામાં ખૂબ સંકોચ અનુભવતી આવી છું. પરિણામે હું આવા વિચારો મારા મનમાં જ દબાવી રાખતી હતી. જોકે આખરે રાહુલ, પ્રિયંકા અને મારી એક પ્રિય મિત્ર મંજુલિકા દુબેના પ્રોત્સાહનથી હું આ પુસ્તક લખવા માટે સંમત થઈ.
રાહુલના નામકરણ બાબતે ઈન્દિરા સાથે મતભેદ
જ્યારે રાહુલનું નામ રાખવાનો સમય આવ્યો ત્યારે હું ભારતીય પરંપરાગત નામકરણ વિધિઓથી અજાણ હતી. ઈન્દિરાજી નામકરણ વિધિ માટે એક પંડિતને બોલાવવા માંગતા હતા પરંતુ મેં પ્રશ્ન કર્યો કે આપણા બાળકનું નામ રાખવા માટે પંડિતની શું જરૂર છે?