National

ASEAN સમિટમાં PM મોદીની 9 મોટી જાહેરાતો, આસિયાન દેશોના પ્રવાસીઓને મળશે ફ્રી ઈ-વિઝા?

ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં યોજાયેલી 23મી આસિયાન-ભારત સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને આસિયાન દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરના આમંત્રણ પર સમિટમાં પહોંચેલા પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત આસિયાન સાથેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વિશેષ મહત્ત્વ આપે છે. ભારત અને આસિયાન ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષા જાળવવા માટે સાથે મળીને કામ કરે તે જરૂરી છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત મુક્ત, ખુલ્લા, સમાવિષ્ટ અને નિયમો આધારિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રનું સમર્થન કરે છે. આ ક્ષેત્રનું ભવિષ્ય સ્પર્ધાથી નહીં, પરંતુ સહયોગથી નક્કી થવું જોઈએ. તેમણે આસિયાનની એકતા અને આ ક્ષેત્રમાં તેની કેન્દ્રીય ભૂમિકા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આસિયાન કોમ્યુનિટી વિઝન 2045 અને વિકસિત ભારત 2047 બંને દેશોના લોકોની સહિયારી આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મદદરૂપ થઈ શકે છે. ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીએ ભારત-આસિયાન સંબંધોને નવી ગતિ અને ઊંડાણ આપ્યું છે. ટેક્નોલોજીના વધતા મહત્ત્વનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે ભારત અને આસિયાન માત્ર ટેક્નોલોજીના ગ્રાહકો બનીને ન રહે, પરંતુ સાથે મળીને નવી ટેક્નોલોજી વિકસાવે તે જરૂરી છે.

સમિટ દરમિયાન પીએમ મોદીએ ભારત અને આસિયાન વચ્ચે સહયોગ વધારવા માટે નવ મહત્ત્વપૂર્ણ દરખાસ્તો રજૂ કરી હતી. તેમાં દરિયાઈ સહયોગ માટે લાંબા ગાળાની યોજના બનાવવાનો પ્રસ્તાવ સામેલ છે. આ યોજના હેઠળ દરિયાઈ જોડાણ, વૈજ્ઞાનિક સંશોધન, આપત્તિ વ્યવસ્થાપન, કોસ્ટ ગાર્ડ વચ્ચે સહયોગ, દરિયાઈ દેખરેખ અને નાવિકોની સલામતી જેવા મુદ્દાઓ પર કામ કરવામાં આવશે. સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં ક્ષમતા નિર્માણ માટે સંયુક્ત સાયબર ફોરેન્સિક તાલીમ કાર્યક્રમ શરૂ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં ટેક્નિકલ જાણકારી અને અનુભવની આપ-લે કરવા તેમજ અવકાશ ક્ષેત્રમાં ભારત-આસિયાન સ્પેસ હેકાથોન યોજવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ખાણકામ અને નિર્ણાયક ખનિજોના ક્ષેત્રમાં સહયોગ વધારવા પર ભાર મૂકાયો હતો. યુવાનોને જોડવા માટે યુવા સમિટ, યુવા સાંસદો વચ્ચે વિનિમય કાર્યક્રમ અને સ્ટાર્ટઅપ હેકાથોન યોજવાની દરખાસ્ત કરવામાં આવી હતી. શિક્ષણ ક્ષેત્રે નાલંદા યુનિવર્સિટીમાં આસિયાન દેશોના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની સંખ્યા વધારવાનો પ્રસ્તાવ પણ રજૂ થયો હતો.

સર્જનાત્મક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે WAVES 2027માં ભારત-આસિયાન સર્જનાત્મક ભાગીદારી પેવેલિયન સ્થાપવાની દરખાસ્ત કરવામાં આવી હતી. પ્રવાસન ક્ષેત્રે આસિયાન દેશોના પ્રવાસીઓને મફત ઈ-વિઝા આપવાનો પ્રસ્તાવ પણ આ નવ દરખાસ્તોમાં સામેલ છે. આ પહેલથી ભારત અને આસિયાન દેશો વચ્ચે પ્રવાસન તથા લોકોના પરસ્પર સંપર્કને વધુ પ્રોત્સાહન મળી શકે છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે વર્ષ 2027 ભારત-આસિયાન સંબંધો માટે ખાસ મહત્ત્વ ધરાવશે. આ વર્ષે બંને પક્ષો વચ્ચેના સંબંધોના 35 વર્ષ અને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનાં પાંચ વર્ષ પૂર્ણ થશે. આ પ્રસંગે બંને પક્ષો વચ્ચેના સહયોગને નવી દિશા આપવાની તક મળશે. સમિટ દરમિયાન નેતાઓએ આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે સહયોગ અંગે ભારત-આસિયાન સંયુક્ત નિવેદન પણ સ્વીકાર્યું હતું. પીએમ મોદીએ સમિટનું સફળ આયોજન કરવા બદલ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરનો આભાર માન્યો હતો. સાથે જ આસિયાનનું આગામી અધ્યક્ષપદ સંભાળનારા સિંગાપોરના વડાપ્રધાનને શુભેચ્છાઓ પાઠવી હતી.

Most Popular

To Top