બાંગ્લાદેશના હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ બ્રહ્મચારીને અચાનક ચિન્મય સેન્ટ્રલ જેલમાંથી ઢાકા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવતાં વિવાદ ઊભો થયો છે. તેમના વકીલ અપૂર્વ કુમાર ભટ્ટાચાર્યએ આ નિર્ણય સામે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ચિન્મય કૃષ્ણ વૈષ્ણવ પરંપરાનું પાલન કરે છે અને કડક શાકાહારી છે. તેઓ પોતે ભોજન બનાવ્યા વિના ખાતા નથી. આવી સ્થિતિમાં નવી જેલમાં તેમની આહાર સંબંધિત જરૂરિયાતો પૂરી નહીં થાય તો તેમના સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.
મળતી માહિતી મુજબ, તેમને સવારે કડક સુરક્ષા વચ્ચે ઢાકા લઈ જવામાં આવ્યા હતા અને આશરે 10 વાગ્યે તેમનું વાહન ઢાકા સેન્ટ્રલ જેલ પહોંચ્યું હતું. જોકે, તેમને અચાનક બીજી જેલમાં ખસેડવા પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. ચિન્મય કૃષ્ણ દાસ સામે વકીલ સૈફુલ ઇસ્લામની હત્યાના કેસમાં પણ કાર્યવાહી ચાલી રહી છે. 26 નવેમ્બર, 2024ના રોજ તેમની જામીન અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટ પરિસરમાં હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન વકીલ સૈફુલ ઇસ્લામની તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. તેમના પિતા જમાલ ઉદ્દીને આ મામલે 31 લોકોનાં નામ સાથે હત્યાનો કેસ દાખલ કર્યો હતો. આ ઉપરાંત પોલીસ પર હુમલો, સરકારી કામગીરીમાં અવરોધ, વકીલો અને ન્યાયની માગણી કરતા લોકો પર હુમલો તથા પેટ્રોલ બોમ્બ ફેંકવા સહિતના આરોપો હેઠળ વધુ પાંચ કેસ નોંધાયા હતા.
1 જુલાઈ, 2025ના રોજ તપાસ અધિકારીએ ચિન્મય દાસ સહિત 38 લોકોને આરોપી બનાવી ચટગાંવની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ફરિયાદીએ આ ચાર્જશીટ સામે વાંધો ઉઠાવ્યા બાદ 25 ઓગસ્ટ, 2025ના રોજ કોર્ટે સુકાંત દત્તા સહિત 39 આરોપીઓ સામેની ચાર્જશીટ સ્વીકારી હતી. હાલમાં ચટગાંવ ડિવિઝનલ સ્પીડી ટ્રાયલ ટ્રિબ્યુનલમાં સાક્ષીઓનાં નિવેદનો નોંધવામાં આવી રહ્યાં છે.
આ સમગ્ર મામલાની શરૂઆત 31 ઓક્ટોબર, 2024ના રોજ થઈ હતી. ચટગાંવ શહેરના મોહરા વોર્ડના બીએનપીના તત્કાલીન જનરલ સેક્રેટરી ફિરોઝ ખાને કોતવાલી પોલીસ સ્ટેશનમાં ચિન્મય કૃષ્ણ દાસ સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ મૂકીને રાજદ્રોહ કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જોકે, આ ફરિયાદ બાદ બીએનપીએ ફિરોઝ ખાનને તેમના પદ પરથી હટાવી દીધા હતા. આ કેસના સંદર્ભમાં 25 નવેમ્બર, 2024ના રોજ ઢાકામાં ચિન્મય દાસની ધરપકડ કરવામાં આવી હતી.