બ્રિટનના પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ ભારત પ્રવાસના બીજા દિવસે મુંબઈમાં એક અનોખા અંદાજમાં જોવા મળ્યાં હતાં. મંગળવારે પ્રિન્સ વિલિયમે ઈલેક્ટ્રિક ટુક-ટુક ચલાવી હતી, જ્યારે તેમની પત્ની કેટ પાછળની સીટ પર બેઠાં હતાં. બંને અર્થશોટ પ્રાઇઝના કાર્યક્રમમાં આ ટુક-ટુકમાં પહોંચ્યાં હતાં. ટુક-ટુક પર અર્થશોટ પ્રાઇઝનું લોગો લગાવવામાં આવ્યું હતું. આ અનોખી સવારી અંગે પ્રિન્સેસ કેટએ કહ્યું હતું કે, “અહીં આવવા માટે આ સૌથી સારો રસ્તો છે.” આજે બંને મુંબઈમાં ઈ-રિક્ષાની સવારી પણ કરવાના છે.
મુંબઈમાં બંનેએ 2026ના અર્થશોટ પ્રાઇઝના ફાઇનલિસ્ટ સાથે મુલાકાત કરી હતી. પર્યાવરણની સમસ્યાઓના ઉકેલ માટે નવીન વિચારો અને ટેક્નોલોજી વિકસાવનારા લોકો તથા સંસ્થાઓને પ્રોત્સાહન આપવા માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. પ્રિન્સ વિલિયમે આશરે છ વર્ષ પહેલાં આ પુરસ્કારની શરૂઆત કરી હતી. દર વર્ષે પાંચ વિજેતાઓની પસંદગી કરવામાં આવે છે અને દરેક વિજેતાને 10 લાખ પાઉન્ડ એટલે કે આશરે 11 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવે છે.
મુંબઈમાં આજે અર્થશોટ પ્રાઇઝની છઠ્ઠી આવૃત્તિનો એવોર્ડ સમારોહ યોજાશે. કેન્સિંગ્ટન પેલેસના જણાવ્યા અનુસાર, આ અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ હશે. આ કાર્યક્રમને ભારતનાં 24 રાજ્યોની 15 હજાર શાળાઓ સુધી પહોંચાડવામાં આવ્યો છે. સમારોહ પહેલાં પ્રિન્સ વિલિયમ પુરસ્કારના ફાઇનલિસ્ટ સાથે મુલાકાત કરશે. આ વર્ષના ફાઇનલિસ્ટમાં ભારતની મહિન્દ્રા લાસ્ટ માઇલ મોબિલિટી કંપનીનો પણ સમાવેશ થાય છે. આ કંપની ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર બનાવે છે.
આ વખતના સમારોહમાં પ્રથમવાર બાળકો માટે પણ વિશેષ અર્થશોટ એવોર્ડ યોજાશે. ચિલ્ડ્રન્સ અર્થશોટ એવોર્ડ અંતર્ગત 9થી 17 વર્ષનાં બાળકોના પર્યાવરણ સંરક્ષણ સંબંધિત વિચારો અને કાર્યોને સન્માનિત કરવામાં આવશે. બાળકોને તેમની આસપાસની પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ ઓળખીને તેના ઉકેલ શોધવા અને પોતાના વિચારો રજૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યાં હતાં.
આ એવોર્ડ સમારોહમાં રમતગમત અને મનોરંજન જગતની અનેક જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે. ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર, અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રામી મલેક મહેમાન તરીકે સામેલ થશે. ફિલ્મ નિર્માતા કરણ જોહર કાર્યક્રમનું સંચાલન કરશે. ગાયિકા શ્રેયા ઘોષાલ બ્રિટિશ બેન્ડ ‘ટેક ધેટ’ સાથે રજૂઆત કરશે. આ બેન્ડ પ્રથમ વખત ભારતમાં પરફોર્મ કરશે. આ ઉપરાંત મુંબઈની સંગીતકાર મર્લિન ડી’સૂઝાના નેતૃત્વમાં અર્થશોટ ઓર્કેસ્ટ્રા સંગીત રજૂ કરશે. ભારતનું પ્રથમ ઓલ-ફિમેલ હિપ-હોપ ગ્રુપ ‘વાઇલ્ડ વાઇલ્ડ વુમન’ પણ પોતાની રજૂઆત કરશે.
અર્થશોટ પ્રાઇઝમાં અત્યાર સુધી ભારતમાંથી સૌથી વધુ વિજેતાઓ અને ફાઇનલિસ્ટ પસંદ થયા છે. આ પુરસ્કારનો હેતુ આબોહવા પરિવર્તન, કચરાની સમસ્યા, વાયુ પ્રદૂષણ, સમુદ્રનું સંરક્ષણ તેમજ વૃક્ષો, છોડ અને જીવજંતુઓને બચાવવા માટે નવીન ઉકેલો શોધનારા લોકોને પ્રોત્સાહિત કરવાનો છે. અર્થશોટ પ્રાઇઝના CEO જેસન નોફે જણાવ્યું હતું કે મુંબઈમાં યોજાનારો આ સમારોહ ભારતનાં પર્યાવરણ સંરક્ષણ માટેનાં પ્રયાસો, નવીન વિચારો અને સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે રજૂ કરવાની મોટી તક છે. આ વખતે કાર્યક્રમમાં અત્યાર સુધીનો સૌથી મોટો શાળા કાર્યક્રમ અને અનેક વિશેષ રજૂઆતો પણ યોજાશે.
મુંબઈનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ 18 નવેમ્બરે દિલ્હી જશે. ત્યાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત બાદ તેમનો ભારત પ્રવાસ પૂર્ણ થશે. બ્રિટનના કાર્યકારી હાઈ કમિશનરે જણાવ્યું હતું કે આ પ્રવાસ બંને દેશોના લોકો વચ્ચેના જૂના સંબંધોને વધુ મજબૂત બનાવવાની તક છે. ભારત અને બ્રિટન ટેક્નોલોજી, રોકાણ, સ્વચ્છ ઊર્જા, શિક્ષણ અને સુરક્ષા સહિતનાં ક્ષેત્રોમાં સહયોગ વધારી રહ્યાં છે.