National

ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર ગમખ્વાર અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ પુલ પરથી 100 મીટર નીચે પાણીમાં પડતા 8ના મોત, 18 ઘાયલ

ઉત્તરાખંડના પહાડી માર્ગો પર છેલ્લા બે દિવસમાં સર્જાયેલા બે અત્યંત ભીષણ માર્ગ અકસ્માતોએ સમગ્ર રાજ્યમાં શોક અને અફરાતફરી મચાવી દીધી છે. આ બંને ગમખ્વાર દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 12 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે બે ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સોમવારે રુદ્રપ્રયાગ જિલ્લામાં એક બોલેરો વાહન ઊંડી ખીણમાં ખાબકવાથી 4 લોકોના મોત થયા હતા, જ્યારે મંગળવારે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર એક મુસાફર બસ પુલ પરથી નીચે પાણીમાં પડી જતાં 8 લોકો કાળનો કોળિયો બની ગયા છે.

પ્રથમ દુર્ઘટના સોમવાર મોડી સાંજે રુદ્રપ્રયાગ જિલ્લાના બાંસવાડા-કંડાડા મોટર માર્ગ પર બની હતી. અહીં એક બોલેરો વાહન પરથી ચાલકે કાબૂ ગુમાવતા વાહન રસ્તાથી આશરે 500 મીટર નીચે ઊંડી ખીણમાં ખાબક્યું હતું. અકસ્માત સમયે આ વાહનમાં કુલ 10 લોકો સવાર હતા, જેઓ એક લગ્ન સમારોહમાં હાજરી આપીને પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા આપત્તિ નિયંત્રણ રૂમ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને DDRF, SDRF તથા સ્થાનિક પોલીસની ટીમો બચાવ માટે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. દુર્ગમ પહાડી વિસ્તાર, ઊભી ખડકો અને રાત્રિના ભારે અંધારાને કારણે બચાવ કામગીરીમાં જવાનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં સુરક્ષા દળોએ રાત્રે મોડા સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખીને સ્ટ્રેચરની મદદથી તમામ 6 ઘાયલોને ઊંડી ખીણમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા અને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

સોમવારની આ દુર્ઘટનાની શાહી હજુ સુકાઈ નહોતી ત્યાં મંગળવારે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર ગૂલર બજાર નજીક વધુ એક મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં 30 થી 35 મુસાફરોથી ભરેલી એક બસ અચાનક બેકાબૂ બનીને પુલ પરથી આશરે 100 મીટર નીચે પાણીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કુલ 8 લોકોના મોત થયા છે, જેમાંથી 7 લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો, જ્યારે એક વ્યક્તિનું એઈમ્સ (AIIMS) ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ દુર્ઘટનામાં અન્ય 18 મુસાફરો ઘાયલ થયા છે, જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

બસ અકસ્માતની જાણ થતાં જ SDRF પોસ્ટ વ્યાસી અને ઢાલવાલાની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યમાં જોડાઈ ગઈ હતી. SDRFના કમાન્ડન્ટના આદેશ અનુસાર બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે વધારાની ટીમો પણ રવાના કરવામાં આવી છે. હાલમાં ઘટનાસ્થળે પોલીસનો મોટો કાફલો તૈનાત છે અને તંત્ર દ્વારા બંને ગંભીર અકસ્માતો પાછળના ચોક્કસ કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top