Sports

‘ટ્રોફી ચોર’ના નારાથી ગૂંજ્યું દુબઈનું મેદાન, નકવી સામે ભારતીય ચાહકોનો વિરોધ; ભારતે 8મી વખત એશિયા કપ જીત્યો

દુબઈમાં રમાયેલા મહિલા એશિયા કપ 2026ના ફાઇનલ મુકાબલા બાદ ક્રિકેટ મેદાનમાં જીત કરતાં વધુ ચર્ચા એવોર્ડ સેરેમનીને લઈને થઈ રહી છે. રવિવાર, 13 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને 72 રનથી હરાવીને રેકોર્ડ આઠમી વખત મહિલા એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો. જોકે, ભારતની શાનદાર જીત બાદ ટ્રોફી સેરેમનીમાં સર્જાયેલા ઘટનાક્રમે ફરી એકવાર ભારત-પાકિસ્તાન ક્રિકેટ સંબંધોને લઈને ચર્ચા જગાવી છે.


ફાઇનલ મેચ પૂરી થયા બાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસિન નકવી પ્રેઝન્ટેશન સ્ટેજ પર હાજર હતા. પરંતુ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને ટીમની કોઈ પણ ખેલાડી નકવી પાસેથી ટ્રોફી લેવા માટે સ્ટેજ પર પહોંચી નહોતી. ત્યારબાદ નકવીએ શ્રીલંકાની કેપ્ટન ચમારી અથાપથ્થુને રનર-અપનો ચેક સોંપ્યો અને થોડા સમય બાદ સ્ટેડિયમમાંથી બહાર નીકળી ગયા.


નકવી સ્ટેડિયમમાંથી બહાર જઈ રહ્યા હતા ત્યારે દર્શકો તરફથી જોરદાર ‘ટ્રોફી ચોર, ટ્રોફી ચોર’ના નારા સંભળાયા હતા. આ નારા પાછળ 2025ના પુરુષ એશિયા કપની ટ્રોફી સાથે જોડાયેલો જૂનો વિવાદ છે. ગયા વર્ષે દુબઈમાં ભારતે પાકિસ્તાનને હરાવીને એશિયા કપ જીત્યો હતો, પરંતુ ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તે સમયે એવોર્ડ સેરેમનીમાં એક કલાકથી વધુનો વિલંબ થયો હતો અને ત્યારબાદ નકવી ટ્રોફી લઈને સ્ટેડિયમમાંથી નીકળી ગયા હતા. આ ઘટનાને પગલે સોશિયલ મીડિયા પર ‘ટ્રોફી ચોર’ શબ્દ ખૂબ ચર્ચામાં આવ્યો હતો.


2025ના તે વિવાદ બાદ ટ્રોફી દુબઈ સ્થિત ACCના મુખ્યાલયમાં રાખવામાં આવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. હવે એક વર્ષ બાદ મહિલા એશિયા કપના ફાઇનલમાં પણ લગભગ સમાન સ્થિતિ સર્જાતા જૂનો વિવાદ ફરી જીવંત થયો છે. ભારતીય મહિલા ટીમે નકવીના હાથેથી ટ્રોફી સ્વીકારવાને બદલે પોતાની જીતની ઉજવણી અલગ રીતે કરી હતી. આ ઘટનાને કારણે મેદાનમાં હાજર દર્શકોની પ્રતિક્રિયા પણ જોવા મળી અને નકવીના બહાર નીકળતી વખતે નારા લગાવવામાં આવ્યા.


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ દેવજીત સૈકિયાએ આ સમગ્ર મામલે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે મહિલા ટીમે ગયા વર્ષે ભારતીય પુરુષ ટીમ દ્વારા લેવામાં આવેલા નિર્ણય પ્રત્યે એકતા દર્શાવી છે. સૈકિયાએ કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં BCCI પોતાનું વલણ બદલી શકે તેમ નથી. તેમના મતે ભારત માટે સૌથી મહત્વનું લક્ષ્ય એશિયા કપ જીતવાનું હતું અને હરમનપ્રીત કૌરની ટીમે આ લક્ષ્ય સફળતાપૂર્વક હાંસલ કર્યું છે.


મેચ દરમિયાન BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને સચિવ દેવજીત સૈકિયા નકવી સાથે રોયલ બોક્સમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ સવાલ ઉઠ્યો કે જો ભારતે નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇનકાર કરવાનો હતો, તો મેચ દરમિયાન અધિકારીઓ તેમની સાથે કેમ જોવા મળ્યા? સૈકિયાએ સ્પષ્ટતા કરી કે રોયલ બોક્સમાં મેચ દરમિયાન અધિકારીઓ અને મહેમાનો વચ્ચે મુલાકાત તથા વાતચીત થવી સામાન્ય પ્રોટોકોલનો ભાગ છે અને તેનો ટ્રોફી સેરેમનીના નિર્ણય સાથે કોઈ સંબંધ નથી.


સૈકિયાએ વધુમાં જણાવ્યું કે ટ્રોફી સેરેમનીની સ્થિતિને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નહોતો. તેમ છતાં BCCIને પોતાના નિર્ણય અંગે કોઈ અફસોસ નથી. ભારતીય મહિલા ટીમે મેદાન પર શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકાને 72 રનથી હરાવ્યું અને આઠમી વખત એશિયા કપ જીત્યો. આ ઐતિહાસિક જીત સાથે ભારતે મેદાન પર પોતાની તાકાત સાબિત કરી, જ્યારે ટ્રોફી સેરેમનીના વિવાદે મેચ બાદની ચર્ચાને અલગ જ દિશા આપી છે.

Most Popular

To Top