Business

રેલવેનું ઓગસ્ટમાં શાનદાર પ્રદર્શન, 13.79 કરોડ ટન માલ અને 67.27 કરોડ મુસાફરોની સફર

ભારતીય રેલવે માટે ઓગસ્ટ 2026 સારો રહ્યો છે. એક તરફ રેલવેમાં માલવહનમાં વધારો થયો છે, તો બીજી તરફ ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા પણ વધી છે. રેલવેએ ઓગસ્ટ દરમિયાન કુલ 137.9 મિલિયન ટન એટલે કે 13.79 કરોડ ટન માલનું પરિવહન કર્યું હતું. ગયા વર્ષે ઓગસ્ટમાં આ આંકડો 130.9 મિલિયન ટન હતો. એટલે કે એક વર્ષમાં માલવહનમાં 5.4%નો વધારો થયો છે.

રેલવેની માલવહન આવક પણ વધી

માલવહન વધવાની સાથે રેલવેની આવકમાં પણ વધારો થયો છે. ઓગસ્ટ 2026માં માલવહનથી મળેલી આવક ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીએ 6.27% વધી છે.

માલવહનમાં કેટલીક મહત્વની વસ્તુઓની માંગ વધારે રહી હતી.

  • લોખંડના અયસ્કનું લોડિંગ 12.1% વધ્યું
  • ક્લિંકરનું લોડિંગ 10.4% વધ્યું
  • ઘરેલું કન્ટેનર લોડિંગ 9.2% વધ્યું
  • કોલસાનું લોડિંગ 6% વધ્યું
  • તૈયાર સ્ટીલમાં 4.9%નો વધારો થયો
  • ખનિજ તેલમાં 3.1% અને ખાતરમાં 1.6%નો વધારો થયો
  • અન્ય માલના લોડિંગમાં 8.2%નો વધારો નોંધાયો

રેલવેના માલવહનમાં આ વધારો ઉદ્યોગો માટે પણ મહત્વનો છે, કારણ કે કોલસા, લોખંડ, સ્ટીલ, ખાતર અને અન્ય સામાન દેશના અલગ-અલગ ભાગોમાં પહોંચાડવામાં રેલવેની મોટી ભૂમિકા છે.

5 નવા ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ શરૂ

ઓગસ્ટમાં રેલવે દ્વારા 5 નવા ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ પણ શરૂ કરવામાં આવ્યા છે. આ સાથે 31 ઓગસ્ટ 2026 સુધી દેશમાં કાર્યરત ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલની સંખ્યા 149 થઈ ગઈ છે. નવા ટર્મિનલ ગુજરાતના શિવલખા ઉપરાંત તમિલનાડુના નલ્લી, ઉત્તર પ્રદેશના શક્તિનગર, મધ્ય પ્રદેશના દેવરાગ્રામ અને ઓડિશાના બ્રજરાજનગરમાં શરૂ કરવામાં આવ્યા છે. આ ટર્મિનલનો હેતુ માલ લોડિંગ અને ઉતારવાની સુવિધા ઉત્પાદન અને વપરાશના સ્થળોની નજીક પહોંચાડવાનો છે.

67.27 કરોડ લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી

માલવહનની સાથે મુસાફર ટ્રાફિકમાં પણ વધારો થયો છે. ઓગસ્ટ 2026માં ભારતીય રેલવેએ કુલ 67.27 કરોડ મુસાફરોને સેવા આપી હતી. ઓગસ્ટ 2025માં આ સંખ્યા 64.43 કરોડ હતી. ખાસ કરીને ઉપનગરીય એટલે કે શહેરોની આસપાસ ચાલતી ટ્રેનોમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ સેગમેન્ટમાં 38.01 કરોડ મુસાફરોએ મુસાફરી કરી, જ્યારે ગયા વર્ષે આ સંખ્યા 34.89 કરોડ હતી. એટલે કે ઉપનગરીય મુસાફરોમાં 9.02%નો વધારો નોંધાયો છે.

14 અમૃત ભારત ટ્રેન નિયમિત કરવામાં આવી

ઓગસ્ટમાં મુસાફરો માટે બીજી મોટી જાહેરાત પણ થઈ. રેલવેએ 14 અમૃત ભારત ટ્રેન સેવાઓને નિયમિત કરી છે. આ સાથે દેશમાં અમૃત ભારત ટ્રેન સેવાઓની કુલ સંખ્યા 86 થઈ ગઈ છે. આ સેવાઓમાં અમદાવાદ-ભાગલપુર, પ્રયાગરાજ જંક્શન-ઉધના જંક્શન, ગોરખપુર-બાંદ્રા ટર્મિનસ, ગોરખપુર-દિલ્હી જંક્શન, સુબેદારગંજ-લોકમાન્ય તિલક ટર્મિનસ અને ધનબાદ-કોયમ્બતૂર જેવા રૂટનો સમાવેશ થાય છે. ખાસ કરીને અમદાવાદ-ભાગલપુર અને પ્રયાગરાજ-ઉધના જેવી સેવાઓ ગુજરાત સાથે પણ સીધી કનેક્ટિવિટી વધારે છે.

તહેવારોમાં સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવી

રક્ષાબંધન દરમિયાન મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા રેલવેએ 25થી 31 ઓગસ્ટ દરમિયાન રક્ષાબંધન સ્પેશિયલ ટ્રેનના 144 ફેરા કર્યા હતા. ગયા વર્ષે આ જ સમયગાળામાં 48 ફેરા થયા હતા. આમ, ઓગસ્ટમાં રેલવેના માલવહન અને મુસાફર બંને ક્ષેત્રમાં વધારો નોંધાયો છે. વધતા માલવહનથી ઉદ્યોગો અને સપ્લાય ચેઇનને મદદ મળી રહી છે, જ્યારે વધુ ટ્રેન સેવાઓથી મુસાફરોને ખાસ કરીને લાંબા અંતરની મુસાફરીમાં નવા વિકલ્પો મળી રહ્યા છે.

Most Popular

To Top