વઘારેલી ખીચડીમાંથી મકોડો નીકળ્યાનો આક્ષેપ, સંચાલકે ઉદ્ધત વર્તન કર્યું હોવાની ફરિયાદ
( પ્રતિનિધિ )વડોદરા,તા.14
વડોદરા શહેરના અમિતનગર વિસ્તારમાં આવેલી નામાંકિત શ્રી કિસ્મત કાઠિયાવાડી હોટલમાં ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. હોટલમાં જમવા ગયેલા એક પરિવારની વઘારેલી ખીચડીમાંથી જીવાત નીકળ્યાનો આક્ષેપ થતા ભારે હોબાળો મચ્યો હતો.
મળતી માહિતી મુજબ, એક પરિવાર અમિતનગર સર્કલ પાસે આવેલી શ્રી કિસ્મત કાઠિયાવાડી હોટલમાં જમવા ગયો હતો. પરિવારે વઘારેલી ખીચડીનો ઓર્ડર આપ્યો હતો. જમતી વખતે ખીચડીમાંથી મકોડો નીકળતા પરિવારે તાત્કાલિક હોટલ સંચાલકને જાણ કરી હતી. ગ્રાહકનો આક્ષેપ છે કે, ફરિયાદ કરવા છતાં હોટલ સંચાલકે માફી માંગવાને બદલે ઉદ્ધત વર્તન કર્યું હતું. ખોરાકમાં જીવાત મળી આવતા ગ્રાહકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઘટનાને પગલે પાલિકાના આરોગ્ય વિભાગની ખાદ્ય ચકાસણીની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. શહેરની નામાંકિત હોટલમાં જ જો ખોરાકની યોગ્ય જાળવણી અને સ્વચ્છતા ન જળવાતી હોય તો અન્ય જગ્યાએ શું હાલત હશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે ભોગ બનનાર ગ્રાહકે વડોદરા મહાનગરપાલિકાના ફૂડ વિભાગમાં લેખિત ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.