Gujarat

ગુજરાતમાં સિઝનનો 84.38% વરસાદ પૂર્ણ, સવારથી બપોર સુધી ગુજરાતના 51 તાલુકામાં વરસાદ, ક્યાં કેટલો પડ્યો? જાણો સંપૂર્ણ આંકડા

ગુજરાતમાં સવારથી બપોર સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 51 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, એક તાલુકામાં 6 ઇંચથી વધુ, પાંચ તાલુકામાં 1 ઇંચથી વધુ અને 45 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં કચ્છના માંડવીમાં સૌથી વધુ 6.97 ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ મુન્દ્રામાં 1.57 ઇંચ, ભુજમાં 1.26 ઇંચ, સુરત શહેરમાં 1.06 ઇંચ, અબડાસામાં 1.06 ઇંચ અને નખત્રાણામાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો હતો. ખંભાળિયામાં 0.87 ઇંચ, લખપતમાં 0.79 ઇંચ, ગાંધીધામમાં 0.63 ઇંચ, અંજારમાં 0.55 ઇંચ, કામરેજમાં 0.47 ઇંચ અને સિહોરમાં 0.47 ઇંચ વરસાદ પડ્યો હતો.

ઓખામંડળ, જામનગર અને આંકલાવમાં 0.35 ઇંચ, ઉનામાં 0.28 ઇંચ, વાગ્રા, ઓલપાડ અને પોરબંદરમાં 0.24 ઇંચ, નડિયાદ અને કોડીનારમાં 0.20 ઇંચ વરસાદ નોંધાયો હતો. નેત્રંગ, જોડિયા, કાલોલ, હાંસોટ અને કોઠંબામાં 0.16 ઇંચ, આણંદ અને મોડાસામાં 0.12 ઇંચ વરસાદ પડ્યો હતો. કાંકરેજ, કેશોદ, ચોર્યાસી, તાલાલા, સૂત્રાપાડા, રાણાવાવ, માણાવદર, જાફરાબાદ, મહુવા (ભાવનગર), ઉમરેઠ, પેટલાદ અને ભાણવડમાં 0.08 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે તલોદ, અરેઠ, વલસાડ, ભીલોડા, વડાલી, માળીયા હાટીના, ઠાસરા, અંકલેશ્વર, કલ્યાણપુર અને બાલસિનોરમાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 84.38 ટકા વરસાદ પડી ચૂક્યો છે. કચ્છમાં 48.52 ટકા, ઉત્તર ગુજરાતમાં 63.29 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 84.97 ટકા, સૌરાષ્ટ્રમાં 65.14 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 112.32 ટકા વરસાદ નોંધાયો છે. જળાશયોની સ્થિતિની વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમ હાલ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 95.42 ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 68.21 ટકા જળસંગ્રહ છે. રાજ્યના 23 ડેમ 100 ટકા ભરાયેલા છે, જ્યારે 38 ડેમ 70થી 100 ટકા વચ્ચે ભરાયેલા છે. 25 ડેમમાં 50થી 70 ટકા અને 43 ડેમમાં 25થી 50 ટકા જળસંગ્રહ છે. બીજી તરફ 77 જળાશયોમાં 25 ટકાથી પણ ઓછો જળસંગ્રહ છે.

રાજ્યમાં 39 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 12 ડેમ એલર્ટ અને 10 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. હવામાન વિભાગના સોમવારે જાહેર કરાયેલા પૂર્વાનુમાન મુજબ આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના બાકીના વિસ્તારોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદનું જોર ઘટશે. જોકે, મોટાભાગના જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે. ત્યારબાદ 19 અને 20 સપ્ટેમ્બર સુધીમાં ચોમાસાની સિસ્ટમ ધીમી પડવાની શક્યતા છે. આ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટા પડી શકે છે.

Most Popular

To Top