India

મહારાષ્ટ્રના સૌથી ધનિક ધારાસભ્યોમાંના એક અને ભાજપના નેતા પરાગ શાહે તાજેતરમાં પોતાની સુરક્ષા

મહારાષ્ટ્રના સૌથી ધનિક ધારાસભ્યોમાંના એક અને ભાજપના નેતા પરાગ શાહે તાજેતરમાં પોતાની સુરક્ષા, મોંઘી કાર અને કિંમતી વસ્તુઓનો ત્યાગ કરીને મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક દિવસ માટે ભિખારીના વેશમાં ભિક્ષા માગી હતી.
વર્ષ 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં રૂ. 3383 કરોડ કરતાં વધુની સંપત્તિ જાહેર કરનાર પરાગ શાહનો ભિખારીના વેશમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેણે શરૂઆતમાં લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.


રિયલ એસ્ટેટ ક્ષેત્રના સફળ બિઝનેસમેન શાહે જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન તેમના જૈન સંત અને આધ્યાત્મિક ગુરુ નમ્રમુનિજી મહારાજ સાહેબની સલાહ પર આ પગલું ભર્યું હતું. તેમણે એવો વેશ ધારણ કર્યો હતો કે જેથી લોકો તેમને ઓળખી ન શકે અને સુરક્ષારહિત થઈને કલાકો સુધી રસ્તાઓ પર ભિક્ષા માગી હતી. શાહે આ અનુભવને ‘જીવનની વાસ્તવિકતા’ દર્શાવનારો ગણાવ્યો હતો.


પોતાનો અનુભવ શેર કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘સામાન્ય રીતે જે લોકો મારી સાથે મુલાકાત કરવા લાઈનમાં ઊભા રહે છે, તે જ લોકો પાસે જ્યારે હું ભિખારી બનીને ગયો ત્યારે તેઓ મારાથી ઉચ્ચ સ્થાને આવી ગયા.’ તેમણે મુંબઈકરોની મદદગાર ભાવનાની પ્રશંસા કરતાં ઉમેર્યું કે એક વ્યક્તિએ તેમને રૂ. 20 આપ્યા હતા અને એક નાના સમોસા વેચનારે તેમની પાસે પૈસા ન હોવા છતાં સ્મિત સાથે મફતમાં સમોસું ખાવા આપ્યું હતું. બાદમાં તેમણે આ અનુભવ પોતાના ગુરુ અને લોકોને સંભળાવ્યો હતો.

Most Popular

To Top