Top News Main

અમેરિકાએ પ્રથમ વખત પુષ્ટિ કરી છે કે તેણે અવકાશમાં શસ્ત્રો તૈનાત કર્યા

અમેરિકાએ પ્રથમ વખત પુષ્ટિ કરી છે કે તેણે અવકાશમાં શસ્ત્રો તૈનાત કર્યા છે. એર ફોર્સ સેક્રેટરી ટ્રોય મેઇન્કે સોમવારે યોજાયેલી ‘એર એન્ડ સ્પેસ સાયબર કોન્ફરન્સ’માં જણાવ્યું હતું કે અમેરિકાએ ઓન-ઓર્બિટ સ્પેસ કંટ્રોલ શસ્ત્રો તૈનાત કર્યા છે, જે શત્રુઓની પ્રતિકૂળ કાર્યવાહી સામે સંયુક્ત દળોનું રક્ષણ કરવા માટે સક્ષમ છે.મેઇન્કે તે શસ્ત્રો કયા છે અથવા તે કેવી રીતે કામ કરે છે તેની વિગતો આપી ન હતી.

૨૦૨૪માં અમેરિકાએ જણાવ્યું હતું કે રશિયા એક નવું એન્ટી-સેટેલાઇટ શસ્ત્ર વિકસાવી રહ્યું છે જે અવકાશમાંથી લોન્ચ કરી શકાય છે. તે સમયે વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે આ ખતરો તાત્કાલિક કે નજીકના ભવિષ્યનો નથી. પરંતુ એન્ટી-સેટેલાઇટ શસ્ત્ર અંગેના અહેવાલોએ રશિયા અને ચીન તરફથી અવકાશમાં વધતા ખતરા અંગેની જૂની ચિંતાઓને દર્શાવી હતી, કારણ કે અમેરિકાનું મોટાભાગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેટેલાઇટ કમ્યુનિકેશન પર નિર્ભર છે. તેમના સંબોધનમાં મેઇન્કે એ પણ જણાવ્યું હતું કે વાયુસેના તેની ક્ષમતાઓમાં વધુ સ્વાયત્ત પ્રણાલીઓ ઉમેરી રહી છે અને ભવિષ્યવાણી કરી હતી કે ૨૦૩૨ સુધીમાં સેવાઓનું સ્વરૂપ સંપૂર્ણપણે અલગ દેખાશે. ઉદાહરણ તરીકે, તેમણે ‘વન-વે અટેક ડ્રોન્સ’ને આર્ટિલરીની જગ્યાએ “મુખ્ય કિલર” તરીકે જોયા હતા. તેમણે કહ્યું, અમે વર્તમાન ખતરાઓ સામે સજ્જતા વધારી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ૨૦૧૯માં ‘સ્પેસ ફોર્સ’ની સ્થાપના કરી હતી.

અમેરિકાની આ જાહેરાત ભવિષ્યના યુદ્ધો કેવી રીતે લડાશે તેમાં એક મોટો બદલાવ લાવી શકે છે અને અંતરિક્ષને એક સક્રિય યુદ્ધક્ષેત્રમાં ફેરવી શકે છે.મેઇન્કે જણાવ્યું હતું કે દુશ્મનની પ્રવૃત્તિઓ સામે અમેરિકી દળોનું રક્ષણ કરવા અને વિકસતા ખતરાઓનો સામનો કરવા માટે આ ક્ષમતા જરૂરી હતી. જોકે, તેમણે આ હથિયાર શું કામ કરે છે, તેને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું અથવા તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવશે તે જાહેર કર્યું ન હતું. આ ગુપ્તતા મહત્વપૂર્ણ છે કારણ કે ઉપગ્રહો આધુનિક સૈન્યો માટે અનિવાર્ય બની ગયા છે.

ચીન-રશિયાએ અવકાશના ‘શસ્ત્રીકરણ’ સામે ચેતવણી આપી
ચીન અને રશિયાએ મંગળવારે બાહ્ય અવકાશના શસ્ત્રીકરણ અને લશ્કરીકરણ સામે ચેતવણી આપી હતી. ચીનના વિદેશ મંત્રાલયે બાહ્ય અવકાશને યુદ્ધના મેદાનમાં ફેરવવા સામે ચેતવણી આપી હતી અને વોશિંગ્ટનને અવકાશમાં તેની લશ્કરી ક્ષમતાઓનો વિસ્તાર કરવાનું બંધ કરવા વિનંતી કરી હતી. તેમના પ્રવક્તા ગુઓ જિયાકુને એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, અમે યુએસ પક્ષને તેની લશ્કરી ક્ષમતાઓનો વિસ્તાર કરવાનું અને બાહ્ય અવકાશમાં યુદ્ધની તૈયારી કરવાનું બંધ કરવા વિનંતી કરીએ છીએ. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે, અમે અવકાશના સંપૂર્ણ બિનલશ્કરીકરણ તરફ કામ ચાલુ રાખવા માટે વ્યાપક આંતરરાષ્ટ્રીય એકીકરણ પર વિશ્વાસ રાખીએ છીએ.

અવકાશમાં શસ્ત્રોથી યુદ્ધનું સ્વરૂપ જ બદલાઇ જઇ શકે છે
આક્રમક અંતરિક્ષ શસ્ત્રોનું આગમન યુદ્ધ પદ્ધતિને મૂળભૂત રીતે બદલી શકે છે. જીપીએસ નેવિગેશન, સુરક્ષિત સંચાર, મિસાઇલ ચેતવણી સિસ્ટમ, યુદ્ધક્ષેત્ર પર નજર અને ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો તમામ આધાર પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરતા ઉપગ્રહો પર રહેલો છે. આ ઉપગ્રહોને નષ્ટ કરો અથવા નિષ્ક્રિય કરો, તો દુશ્મન દેશ સમગ્ર સૈન્ય કામગીરીને અંધારામાં ધકેલી શકે છે, તેમાં વિક્ષેપ પાડી શકે છે અથવા તેની ઝડપ ધીમી કરી શકે છે. આ જ કારણ છે કે યુ.એસ.,ચીન અને રશિયાએ ‘કાઉન્ટરસ્પેસ’ ક્ષમતાઓમાં વધુને વધુ રોકાણ કર્યું છે,આ એવી તકનીકો છે જે અન્ય દેશની અંતરિક્ષ સંપત્તિમાં હસ્તક્ષેપ કરવા અથવા તેના પર હુમલો કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

1967ની ‘આઉટર સ્પેસ ટ્રીટી’ના છીંડાઓનો લાભ મહાસત્તાઓ ઉઠાવી રહી છે
1967ની ‘આઉટર સ્પેસ ટ્રીટી'(બાહ્ય અંતરિક્ષ સંધિ) સામૂહિક વિનાશના શસ્ત્રો અવકાશમાં ગોઠવવા પર પ્રતિબંધ મૂકે છે, પરંતુ તે અંતરિક્ષમાં તમામ પરંપરાગત શસ્ત્રો કે સૈન્ય પ્રણાલીઓ પર પ્રતિબંધ મૂકતી નથી. આ બાબત દેશોને સંધિના મુખ્ય નિયમનો ટેકનિકલ ભંગ કર્યા વિના ઉપગ્રહોને નિશાન બનાવી શકે તેવી પ્રણાલીઓ વિકસાવવાની તક આપે છે. આ તાજેતરની જાહેરાત એવા સમયે આવી છે જ્યારે વોશિંગ્ટન સતત રશિયન અને ચીની અંતરિક્ષ કાર્યક્રમો તરફ સંભવિત ખતરા તરીકે આંગળી ચીંધી રહ્યું છે.

Most Popular

To Top