ટ્રોલ્સ પણ બન્યા રણબીર કપૂરના ફેન, શ્રીરામના શાંત સ્વરૂપે જીતી લીધા દિલ
‘રામાયણ’ના પહેલા ગીત ‘જય જય રામ’ને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ, ટ્રેલર બાદ રણબીર કપૂરની કાસ્ટિંગ પર સવાલ ઉઠાવનારા લોકો હવે કરી રહ્યા છે વખાણ; રામ-સીતાની જોડી, ભક્તિમય સંગીત અને ભવ્ય વિઝ્યુઅલ્સે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
નિતેશ તિવારીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મમાં ભગવાન શ્રીરામના પાત્રમાં રણબીર કપૂર અને માતા સીતાના રોલમાં સાઈ પલ્લવી જોવા મળવાના છે. ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું ત્યારે રણબીર કપૂરના શ્રીરામના લુક અને કાસ્ટિંગને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી હતી. કેટલાક લોકોએ તો રણબીરને ભગવાન શ્રીરામના પાત્રમાં સ્વીકારવામાં પણ સંકોચ દર્શાવ્યો હતો. જોકે હવે ફિલ્મનું પહેલું ગીત ‘જય જય રામ’ રિલીઝ થયા બાદ સમગ્ર માહોલ બદલાતો જોવા મળી રહ્યો છે.ગીતને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અગાઉ ટ્રોલ કરનારા કેટલાક લોકો પણ હવે રણબીરના અભિનય અને લુકના વખાણ કરી રહ્યા છે.ગણેશ ચતુર્થીના શુભ અવસર પર ‘રામાયણ’નું પહેલું ગીત ‘જય જય રામ’ રિલીઝ કરવામાં આવ્યું હતું.
ગીતમાં ભગવાન શ્રીરામના જીવનની અનેક મહત્વપૂર્ણ ઝલક જોવા મળે છે. રામ-સીતા સ્વયંવર, લગ્ન, અયોધ્યાના દૃશ્યો, રાજ્યાભિષેકની તૈયારીઓ અને ત્યારબાદ વનવાસ તરફની યાત્રા જેવી ઘટનાઓને ભવ્ય અંદાજમાં રજૂ કરવામાં આવી છે. ગીતમાં રામના પરિવાર સાથેના સંબંધો અને તેમના જીવનના ભાવનાત્મક પ્રસંગોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને શ્રીરામના પાત્રમાં રણબીર કપૂરની શાંત, ગંભીર અને સાદગીભરી અભિવ્યક્તિ દર્શકોનું ધ્યાન ખેંચી રહી છે.
‘જય જય રામ’ ગીતનું સંગીત એ.આર. રહેમાને તૈયાર કર્યું છે, જ્યારે તેના શબ્દો ડૉ. કુમાર વિશ્વાસે લખ્યા છે. ગીતને અરિજીત સિંહ અને શ્રેયા ઘોષાલે પોતાનો અવાજ આપ્યો છે. બંને ગાયકોના અવાજ સાથે રહેમાનનું સંગીત ગીતને ભક્તિમય અને ભાવનાત્મક માહોલ આપે છે. સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે ગીતની શાંતિપૂર્ણ ધૂન, ભવ્ય વિઝ્યુઅલ્સ અને રામ-સીતા તરીકે રણબીર અને સાઈ પલ્લવીની સાદગીને વખાણી છે. કેટલાક દર્શકોનું કહેવું છે કે ગીતમાં ભક્તિનો ભાર મૂકવાને બદલે શાંતિ અને લાગણીને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે.સૌથી રસપ્રદ બાબત એ છે કે ટ્રેલર બાદ રણબીર કપૂરને લઈને જે નકારાત્મક ચર્ચા થઈ હતી, તેમાં હવે મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.
ગીતમાં રણબીરના ચહેરા પર દેખાતી ગંભીરતા, આંખોની અભિવ્યક્તિ અને સંયમિત અભિનયને દર્શકો પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે એવી પ્રતિક્રિયા આપી છે કે તેમણે રણબીરને લઈને ખૂબ જલ્દી નિર્ણય કરી લીધો હતો, પરંતુ ગીતની ઝલક જોયા બાદ તેમનો અભિપ્રાય બદલાયો છે. કેટલાકે તો રણબીરની આ ભૂમિકાને તેમના કરિયરની યાદગાર ભૂમિકાઓમાંની એક બનવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.
ફિલ્મમાં રણબીર કપૂર શ્રીરામ, સાઈ પલ્લવી માતા સીતા, યશ રાવણ, રવિ દુબે લક્ષ્મણ અને સની દેઓલ હનુમાનના પાત્રમાં જોવા મળશે. ‘રામાયણ’ બે ભાગમાં બનાવવામાં આવી રહી છે અને તેનો પ્રથમ ભાગ દિવાળી 2026 દરમિયાન સિનેમાઘરોમાં રિલીઝ થવાનો છે. ‘જય જય રામ’ ગીત બાદ હવે ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા વધુ વધી છે. ખાસ કરીને ટ્રેલર બાદ થયેલી ટ્રોલિંગને પાછળ છોડીને રણબીર કપૂરના શ્રીરામના શાંત અને મર્યાદિત સ્વરૂપને મળતું સમર્થન ફિલ્મ માટે મોટો પોઝિટિવ સંકેત માનવામાં આવી રહ્યો છે.