આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIના વિકાસ અને તેના નિયંત્રણને લઈને અમેરિકા અને ચીન વચ્ચેનો તણાવ વધુ ગાઢ બની રહ્યો છે. AI ટેક્નોલોજીમાં કોણ આગળ રહેશે અને આ ક્ષેત્રમાં વૈશ્વિક નિયમો કેવી રીતે નક્કી થશે તે મુદ્દે બંને દેશો વચ્ચે મતભેદ વધી રહ્યા છે. અમેરિકામાં અગ્રણી AI કંપનીના CEO ડેરિયો એમોડેઇએ ચીનની આગેવાની હેઠળના AI વિકાસને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમના નિવેદન બાદ ચીને પણ અમેરિકાની નીતિ પર સવાલ ઉઠાવતા તેને AI ક્ષેત્રમાં ‘કોલ્ડ વોર’ની માનસિકતા ગણાવી છે. ડેરિયો એમોડેઇએ ચેતવણી આપી હતી કે જો AIના વિકાસની ગતિ પર નિયંત્રણ નહીં રાખવામાં આવે તો આગામી છથી બાર મહિનામાં AI એજન્ટ્સના મોટા સમૂહ એટલે કે AI સ્વોર્મ ઇન્ટરનેટ પર મોટો કાબૂ મેળવી શકે છે. તેમના મતે AI ટેક્નોલોજીનો ઝડપી વિકાસ માત્ર અમેરિકા માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે નવા જોખમ ઊભા કરી શકે છે.
તેમણે AIના વિકાસમાં ચીન સાથે સહયોગની જરૂરિયાત હોવાની પણ વાત કરી હતી. જોકે, બીજી તરફ તેમણે ચીનમાં વિકસાવવામાં આવી રહેલી અત્યાધુનિક AI ચિપ્સ અને ચિપ બનાવવાના સાધનો પર નિયંત્રણો વધુ કડક કરવાની તરફેણ કરી હતી. તેમના મતે આ પ્રકારના નિયંત્રણો દ્વારા અમેરિકા AI ક્ષેત્રમાં પોતાની ટેક્નોલોજીકલ અને વ્યૂહાત્મક ધાર જાળવી શકે છે. ચીને આ દલીલને સ્વીકારવાને બદલે તેનો વિરોધ કર્યો છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે AI જેવી વૈશ્વિક ટેક્નોલોજીના વિકાસમાં તમામ દેશોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. કોઈ દેશ અથવા ટેક્નોલોજીને લઈને પહેલેથી જ ડર ઊભો કરીને તેના આધારે નકારાત્મક પ્રચાર કરવામાં આવશે તો વૈશ્વિક AI ગવર્નન્સની પ્રક્રિયાને નુકસાન થઈ શકે છે.
ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે પણ ડેરિયો એમોડેઇના લેખ પર આકરી પ્રતિક્રિયા આપી છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે લેખ ઉપરથી વૈશ્વિક AI સુરક્ષા અંગેની ચિંતા વ્યક્ત કરતો દેખાય છે, પરંતુ તેની પાછળ ચીનને ટેક્નોલોજી ક્ષેત્રે નિયંત્રિત કરવાની અમેરિકાની નીતિ સ્પષ્ટ દેખાય છે. ચીને આ વલણને AI ક્ષેત્રમાં જૂના શીત યુદ્ધ જેવી માનસિકતા સાથે સરખાવ્યું છે. AIને લઈને અમેરિકા અને ચીન વચ્ચેનો વિવાદ માત્ર નિવેદનો પૂરતો સીમિત નથી. અમેરિકાની કેટલીક સુરક્ષા એજન્સીઓએ પણ ચીનના AI ડેવલપર્સ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તાજેતરમાં અમેરિકાની તપાસ એજન્સીઓ અને સાયબર સુરક્ષા સાથે જોડાયેલી સંસ્થાઓએ દાવો કર્યો હતો કે ચીની AI કંપનીઓ અમેરિકાના અદ્યતન AI મોડેલ્સની નકલ કરવા માટે આક્રમક અને ગેરકાયદેસર પદ્ધતિઓનો ઉપયોગ કરી રહી છે.
અમેરિકા તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે ચીની કંપનીઓ અગ્રણી અમેરિકન AI મોડેલ્સ જેવી ક્ષમતા ધરાવતા ઓછા ખર્ચના મોડેલ્સ તૈયાર કરી રહી છે. તેમાં Anthropicના Claude અને OpenAIના ChatGPT જેવા મોડેલ્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમેરિકી દાવા મુજબ આ પ્રક્રિયા AI મોડેલ્સમાંથી જ્ઞાન મેળવીને તેને પોતાના મોડેલમાં ઉપયોગ કરવાની પદ્ધતિ એટલે કે ડિસ્ટિલેશન સાથે જોડાયેલી છે. જોકે ચીને અમેરિકાના આ આરોપોને ફગાવી દીધા છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે અમેરિકાના દાવાને આધારવિહોણો ગણાવ્યો છે. ચીનનું કહેવું છે કે AI ક્ષેત્રમાં ડિસ્ટિલેશન જેવી ટેક્નિકનો ઉપયોગ અનેક કંપનીઓ કરે છે અને તેમાં કંઈ નવું નથી. ચીનના મતે અમેરિકા આ પ્રકારના આરોપો દ્વારા વૈશ્વિક AI ઉદ્યોગમાં પોતાની આગેવાની અને ઇજારાશાહી જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.
બંને દેશો વચ્ચે ટેક્નોલોજી ક્ષેત્રે વધી રહેલી સ્પર્ધા અંગે નિષ્ણાતો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. Asia Society Policy Instituteના Center for China Analysis સાથે જોડાયેલા લિઝી લીએ કહ્યું છે કે અમેરિકા અને ચીને એકબીજા સામે ટેક્નોલોજીકલ ‘ચોકપોઇન્ટ’ ઊભા કરવાનું ટાળવું જોઈએ. જો બંને દેશો મહત્વપૂર્ણ ટેક્નોલોજી, ચિપ્સ અથવા સાધનોની પહોંચ એકબીજા માટે બંધ કરવાની નીતિ અપનાવશે તો તેની અસર સમગ્ર વૈશ્વિક ટેક ઇકોસિસ્ટમ પર પડી શકે છે. AI હવે માત્ર ટેક્નોલોજીનો વિષય રહ્યો નથી. તેનો સંબંધ રાષ્ટ્રીય સુરક્ષા, અર્થવ્યવસ્થા, સેમિકન્ડક્ટર ઉદ્યોગ અને વૈશ્વિક રાજનીતિ સાથે પણ જોડાઈ ગયો છે. AI ચિપ્સ અને અદ્યતન ચિપમેકિંગ સાધનો પર નિયંત્રણને લઈને અમેરિકા પહેલેથી જ ચીન સામે અનેક પ્રતિબંધો લાદી ચૂક્યું છે. બીજી તરફ ચીન પોતાની સ્થાનિક AI અને સેમિકન્ડક્ટર ક્ષમતા ઝડપથી વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આ કારણે આગામી સમયમાં AI ક્ષેત્રે અમેરિકા અને ચીન વચ્ચેની સ્પર્ધા વધુ તીવ્ર બની શકે છે. એક તરફ અમેરિકા AIની સુરક્ષા અને રાષ્ટ્રીય હિતનો મુદ્દો આગળ ધપાવી રહ્યું છે, જ્યારે ચીન તેને વૈશ્વિક ટેક્નોલોજી વિકાસમાં અવરોધ અને પોતાની પ્રગતિને રોકવાનો પ્રયાસ ગણાવી રહ્યું છે. આ સમગ્ર મુદ્દો આગામી સમયમાં વધુ મહત્વનો બની શકે છે. જિનપિંગની સપ્ટેમ્બરમાં અમેરિકાની મુલાકાતની સંભાવના વચ્ચે AI, સેમિકન્ડક્ટર અને ટેક્નોલોજી નિયંત્રણ જેવા મુદ્દાઓ બંને દેશો વચ્ચેની ચર્ચામાં મહત્વનું સ્થાન મેળવી શકે છે. જો બંને દેશો વચ્ચે AI ક્ષેત્રે સહયોગનો માર્ગ ખુલશે તો વૈશ્વિક ટેક્નોલોજી વિકાસને ફાયદો થઈ શકે છે, પરંતુ જો પ્રતિબંધો અને આરોપો વધશે તો AI ક્ષેત્ર પણ અમેરિકા-ચીનની ભૂરાજકીય સ્પર્ધાનું નવું મેદાન બની શકે છે.