ગેહલોત-પાયલટ, બેનીવાલથી ભજનલાલ-દિયા કુમારી સુધી… રાજસ્થાનના દિગ્ગજોમાં કોણ ગેનર, કોણ લૂઝર?
રાજસ્થાન નગરપાલિકા ચૂંટણી 2026ના પરિણામોએ રાજ્યના મોટા રાજકીય નેતાઓના પ્રભાવની પણ કસોટી કરી છે. ભાજપ રાજ્ય સ્તરે સૌથી મોટી પાર્ટી બની છે, પરંતુ અનેક દિગ્ગજોના ગઢમાં પરિણામો અપેક્ષા વિરુદ્ધ આવ્યા છે.ક્યાંક સત્તાધારી ભાજપને મજબૂતી મળી છે તો ક્યાંક કોંગ્રેસ, અપક્ષ અને પ્રાદેશિક નેતાઓએ મોટો ખેલ કર્યો છે.રાજસ્થાનની 309 શહેરી સ્થાનિક સંસ્થાઓ માટે બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. કુલ 10,000થી વધુ વોર્ડમાં પરિણામો જાહેર થયા છે. જો કે ઉપલબ્ધ પરિણામોમાં ભાજપે 4,000થી વધુ વોર્ડ જીત્યા છે, જ્યારે કોંગ્રેસે 3,600ની આસપાસ વોર્ડમાં સફળતા મેળવી છે.
અપક્ષ ઉમેદવારોએ પણ મોટી સંખ્યામાં જીત મેળવી હોવાથી અનેક નગરપાલિકાઓમાં બોર્ડ રચવા માટે તેમનો સહારો લેવો પડી શકે છે.ભાજપ માટે મુખ્ય ગેનર મુખ્યમંત્રી ભજનલાલ શર્મા રહ્યા છે. તેમના સાંચોર નહીં પરંતુ સાંગાનેર વિસ્તારમાં ભાજપે મજબૂત પ્રદર્શન કર્યું છે. ભજનલાલ શર્માએ આ પરિણામને સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ મોડલ પર જનતાના વિશ્વાસ તરીકે ગણાવ્યું છે. ભાજપે નાના શહેરો અને આદિવાસી વિસ્તારોમાં પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે.
ડેપ્યુટી CM દિયા કુમારી માટે પણ પરિણામો રાહત આપનારાં રહ્યા છે. તેમના વિદ્યાધર નગર વિસ્તારમાં ભાજપનું પ્રદર્શન સારું રહ્યું છે. આ પરિણામ દિયા કુમારી માટે રાજકીય રીતે મહત્વનું માનવામાં આવે છે, કારણ કે શહેરી વિસ્તારોમાં તેમનો પ્રભાવ અને સરકારમાં તેમની ભૂમિકા બંને પર નજર હતી.બીજી તરફ સચિન પાયલટ કોંગ્રેસ માટે ગેનર તરીકે ઉભરી આવ્યા છે. પાયલટના પ્રભાવવાળા ટોંકમાં કોંગ્રેસે નગર પરિષદમાં 59માંથી 32 બેઠકો જીતીને બહુમતી મેળવી છે. આ પરિણામે ટોંકમાં પાયલટનો સ્થાનિક રાજકીય પ્રભાવ હજુ પણ મજબૂત હોવાનું સંકેત આપ્યો છે.
સમગ્ર રાજ્યના પરિણામોની સરખામણીમાં કોંગ્રેસ માટે આ સફળતા મર્યાદિત છે.અશોક ગેહલોત માટે પરિણામ મિશ્ર રહ્યું છે. તેમના પ્રભાવવાળા જોધપુર સહિત કેટલાક વિસ્તારોમાં ભાજપે પડકાર આપ્યો છે અને ગેહલોતના પોતાના રાજકીય પ્રભાવના વિસ્તારને લઈને સવાલો ઊભા થયા છે. અહેવાલો મુજબ ગેહલોતે ભાજપ પર સરકારી મશીનરીના દુરુપયોગ અને અપક્ષ તથા કોંગ્રેસના કાઉન્સિલરો પર દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. જોકે આરોપોને ભાજપે સ્વીકાર્યા નથી.
હનુમાન બેનીવાલની RLP માટે કેકડીનું પરિણામ ખાસ મહત્વનું છે. અહીં કોંગ્રેસને 20, ભાજપને 18 અને RLPને 2 બેઠકો મળી છે. માત્ર બે બેઠકો હોવા છતાં RLP ‘કિંગમેકર’ બની ગઈ છે અને બોર્ડ રચવાની ચાવી તેના હાથમાં આવી છે. આ દર્શાવે છે કે સ્થાનિક રાજકારણમાં પ્રાદેશિક પક્ષો હજુ પણ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.ગોવિંદ ડોટાસરા માટે તેમના લક્ષ્મણગઢ વિસ્તારમાં કોંગ્રેસ બહુમતીની નજીક પહોંચી છે, જે તેમના માટે સકારાત્મક સંકેત છે.
બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ મદન રાઠોડના ગઢ પાળી જિલ્લામાં કોંગ્રેસની સફળતા ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવે છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના ગઢ ઝાલાવાડમાં પણ કોંગ્રેસે મહત્વપૂર્ણ જીત મેળવી છે.આ ચૂંટણીનું સૌથી રસપ્રદ પાસું અપક્ષોની વધતી તાકાત છે. ઘણા શહેરોમાં ભાજપ અને કોંગ્રેસ બંને બહુમતીથી દૂર રહ્યા છે અને અપક્ષો કિંગમેકર બન્યા છે. તેથી રાજસ્થાનના નગરપાલિકા પરિણામોનો અંતિમ રાજકીય અર્થ માત્ર ભાજપની જીત કે કોંગ્રેસની હારથી નક્કી નહીં થાય; સ્થાનિક નેતાઓ, અપક્ષો અને પ્રાદેશિક પક્ષો હવે બોર્ડ રચવામાં મહત્વની ભૂમિકા ભજવશે.