સાઉદી અરેબિયાના ઊર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલમાનના હવાલાથી ન્યૂઝ એજન્સીઓએ સોમવારે અહેવાલ આપ્યો હતો કે, મધ્ય પૂર્વના આ દેશે મદિનામાં યુરેનિયમ અને અન્ય દુર્લભ ખનિજો ધરાવતો આશરે 11 કરોડ ટન કાચી સામગ્રીનો જથ્થો શોધી કાઢ્યો છે.
‘અરબ ન્યૂઝ’ના અહેવાલ મુજબ પ્રિન્સ અબ્દુલ અઝીઝે જણાવ્યું હતું કે, મદિના સ્થિત ‘જબાલ સાયિદ’ પ્રોજેક્ટ ખાતેના ઉત્ખનન અને ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસથી માલૂમ પડ્યું છે કે ત્યાં આશરે 11 કરોડ ટન ઓરનો અંદાજિત જથ્થો ઉપલબ્ધ છે. જેમાં ભારે ખનિજ તત્ત્વો સહિત દુર્લભ ખનિજોનું ઊંચું પ્રમાણ અને યુરેનિયમની નોંધપાત્ર સાંદ્રતા જોવા મળી છે.
યુરેનિયમની આ શોધની જાહેરાત સાઉદી અરેબિયા માટે ખૂબ મહત્વના સમયે થઈ છે. આ દેશમાં મુસ્લિમોના બે સૌથી પવિત્ર સ્થળો મક્કા અને મદિના આવેલા છે. સાઉદી અરેબિયામાં અમેરિકી સૈન્ય મથકો હોવાના કારણે ઈરાન તેને નિશાન બનાવી રહ્યું છે, જ્યારે યમનના હુથી બળવાખોરોએ રાતા સમુદ્રમાં સાઉદી અરેબિયાનો દરિયાઈ માર્ગ રૂંધવાનો પ્રયાસ કર્યો છે. ઊર્જા ક્ષેત્રે વૈવિધ્યીકરણ લાવવાના પ્રયાસો વચ્ચે મદિનામાં યુરેનિયમ મળી આવ્યું છે. સૌથી મોટી આરબ અર્થવ્યવસ્થા ધરાવતું સાઉદી અરેબિયા પોતાની ઊર્જા અને ખનિજ સંસાધનોમાં વૈવિધ્ય લાવવા સતત રોકાણ કરી રહ્યું છે.
પોતાના ‘વિઝન 2030’ અંતર્ગત દેશે દેશભરમાં યુરેનિયમ ઉત્ખનન અને નાગરિક પરમાણુ ઊર્જા વિકસાવવાની દિશામાં ઝડપી કામગીરી હાથ ધરી છે. યુરેનિયમ ધરાવતી આ કુદરતી કાચી ધાતુની શોધ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે શોધ અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે નાગરિક પરમાણુ કાર્યક્રમ વિકસાવવા માટે થયેલા કરાર બાદ થઈ છે.