Sports

ભારત સામે રમવા તૈયાર, પણ ભારત આવવા નહીં! પાકિસ્તાને મૂકી ન્યુટ્રલ વેન્યુની માગ

પાકિસ્તાનની હોકી ટીમે ભારતમાં યોજાનારી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા માટે ભારત આવવાનો ઇનકાર કરી દીધો છે. પાકિસ્તાન હોકી ફેડરેશને સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેની ટીમ ટુર્નામેન્ટ માટે ભારતનો પ્રવાસ નહીં કરે. આ નિર્ણય બાદ પાકિસ્તાન હવે આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. ભારતમાં મોહાલી અને જાલંધર ખાતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો યોજાવાની છે. પાકિસ્તાન હોકી ફેડરેશને ટુર્નામેન્ટમાં રમવા માટે ભારત આવવાને બદલે પોતાની મેચો કોઈ તટસ્થ સ્થળે યોજવાની માગણી કરી હતી. ફેડરેશનનું કહેવું હતું કે પાકિસ્તાન ભારત સહિત કોઈપણ ટીમ સામે રમવા તૈયાર છે, પરંતુ મેચ ભારતની બહાર ન્યુટ્રલ વેન્યુ પર યોજાવી જોઈએ.

આ માગણી એશિયન હોકી ફેડરેશન સમક્ષ મૂકવામાં આવી હતી. જોકે, ટુર્નામેન્ટનું આયોજન પહેલેથી જ ભારતના મોહાલી અને જાલંધરમાં નક્કી કરવામાં આવ્યું હોવાથી તમામ મેચો અન્ય દેશમાં ખસેડવાની શક્યતા ઓછી હોવાનું માનવામાં આવે છે. પરિણામે પાકિસ્તાનની ટીમે ટુર્નામેન્ટમાંથી જ બહાર રહેવાનો નિર્ણય લીધો છે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 27 ઓક્ટોબરથી થવાની છે. યજમાન ભારત ઉપરાંત ચીન, જાપાન, મલેશિયા અને કોરિયાની ટીમો ટુર્નામેન્ટમાં ભાગ લેશે. પાકિસ્તાનના બહાર થયા બાદ હવે ખાલી પડેલી જગ્યાએ કઈ ટીમને સામેલ કરવામાં આવશે તેના પર નજર છે.

મળતી માહિતી પ્રમાણે બાંગ્લાદેશ અને ઓમાનમાંથી કોઈ એક ટીમને પાકિસ્તાનના સ્થાને ટુર્નામેન્ટમાં રમવાની તક મળી શકે છે. બંને ટીમો રિઝર્વ ટીમોની યાદીમાં હોવાથી હવે આયોજકો તરફથી અંતિમ નિર્ણયની રાહ જોવાઈ રહી છે. પાકિસ્તાનના આ નિર્ણયથી થોડા દિવસ પહેલાં કરવામાં આવેલા એક દાવા પર પણ સવાલ ઊભા થયા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બે દિવસ પહેલાં કહ્યું હતું કે પાકિસ્તાનની હોકી ટીમ ભારત આવીને ટુર્નામેન્ટમાં રમશે. જોકે, ત્યારબાદ પાકિસ્તાન હોકી ફેડરેશને સત્તાવાર નિવેદન જાહેર કરીને ભારત ન આવવાનો નિર્ણય સ્પષ્ટ કરી દીધો છે. આ નિર્ણય બાદ હવે ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની જગ્યાએ કઈ ટીમને સ્થાન આપવામાં આવશે અને તેના મેચ શેડ્યૂલમાં શું ફેરફાર થશે તેના પર નજર રહેશે. હાલમાં ભારત સહિત બાકીની ટીમો સાથે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે જ થવાની શક્યતા છે.

Most Popular

To Top