Vadodara

ગુતાલ ગામે પાણી પુરવઠા પ્લાન્ટમાં ક્લોરિન ગેસ લીકેજ, તંત્ર દોડતું થયું

સિલિન્ડરની પિન નીકળી જતાં દુર્ગંધ ફેલાઈ, ગ્રામજનોમાં રોષ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.17

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે આવેલી વાઘોડિયા સુધારણા) જૂથ પાણી પુરવઠા યોજના પેકેજ-4ના પ્લાન્ટમાં ક્લોરિન ગેસ લીકેજ થતા વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, આ પ્લાન્ટનું સંચાલન નિયત એજન્સી દ્વારા કરવામાં આવે છે. આજે બપોરે પ્લાન્ટમાં રૂટિન જાળવણી અંતર્ગત સિલિન્ડર બદલવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન સિલિન્ડરની પિન નીકળી જતા અચાનક ક્લોરિન ગેસ લીક થયો હતો. ગેસ લીક થતાં જ આસપાસના વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. પાણી પુરવઠા વિભાગના એન્જિનિયરના જણાવ્યા અનુસાર, ઘટના બનતા જ તાત્કાલિક સુરક્ષા કીટનો ઉપયોગ કરી પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હતી. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, ઘટનાની જાણ ગામમાં થતા રાત્રે ગ્રામજનો મોટી સંખ્યામાં પ્લાન્ટ ખાતે ધસી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. ગ્રામજનોએ ગેસ લીકેજની ઘટના અને પીવાના પાણીની ગુણવત્તાને લઈ તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ગ્રામજનોને સમજાવી પરિસ્થિતિ થાળે પાડી હતી. હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top