Gujarat

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીનો ધમધમાટ, 45 લાખથી વધુ ભક્તો આવવાની શક્યતા

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે મંદિર પરિસરમાં નોરતાના પરંપરાગત ગરબાની થીમ પર ખાસ ડેકોરેશન કરવામાં આવશે. મંદિર પરિસરમાં લાઈટિંગ સહિતની સજાવટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળામાં આ વર્ષે 45 લાખથી વધુ ભાવિકો અંબાજી પહોંચે તેવી શક્યતા છે. મોટી સંખ્યામાં આવતા ભાવિકોને ધ્યાનમાં રાખીને સુરક્ષા, દર્શન, ટ્રાફિક અને અન્ય સુવિધાઓ માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે.

મેળા દરમિયાન ભીડને નિયંત્રિત કરવા અને ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ખાસ કરીને દર્શન માટે લાંબા સમય સુધી લાઈનમાં ઊભા ન રહેવું પડે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મંદિર અને આસપાસના વિસ્તારોમાં AIથી સજ્જ કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. પોલીસની ટીમ દિવસ-રાત સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા માટે વધારાની ટીમને પણ જવાબદારી સોંપવામાં આવશે. મેળા દરમિયાન સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે. મંદિર પરિસર ઉપરાંત અંબાજી શહેરની શેરીઓ અને ગલીઓમાં સફાઈ જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. સેવા કેમ્પમાંથી નીકળતા એઠવાડ અને ફૂડવેસ્ટના યોગ્ય નિકાલ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ફૂડવેસ્ટમાંથી ખાતર બનાવવામાં આવશે અને તેનો ઉપયોગ ખેડૂતો માટે કરવામાં આવશે.

ભાવિકોને જરૂરી માહિતી સરળતાથી મળી રહે તે માટે ડિજિટલ વ્યવસ્થાને પણ મહત્વ આપવામાં આવ્યું છે. પાર્કિંગ, દર્શનપથ, આરતીના સમય, પ્રસાદ વ્યવસ્થા અને અન્ય જરૂરી માહિતી મોબાઈલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. QR કોડની મદદથી પાર્કિંગની માહિતી મેળવી શકાશે. હેલ્પલાઈન નંબર ઉપરાંત સોશિયલ મીડિયા મારફતે પણ મેળા અંગેની મહત્વપૂર્ણ માહિતી શેર કરવામાં આવશે.

અંબાજીથી લાઈવ દર્શન કરી શકાય તે માટે ઈ-મંદિરની સેવા દ્વારા જરૂરી માહિતી આપવામાં આવશે. આરતીના સમયમાં ફેરફાર, પાર્કિંગની સ્થિતિ, પ્રસાદ વ્યવસ્થા સહિતની માહિતી ભક્તો સુધી ઝડપથી પહોંચે તે માટે ડિજિટલ સર્વિસનો ઉપયોગ કરવામાં આવશે. મેળામાં આવતા વાહનોની સંખ્યા અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને દાંતા રોડ અને હડાદ રોડ પર હંગામી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં વાહનો પાર્ક કર્યા બાદ ભાવિકોને મંદિર સુધી પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે નિઃશુલ્ક મિની બસ સેવા શરૂ કરવામાં આવશે. પાર્કિંગ સ્થળેથી મંદિર સુધી બસ સેવા મળવાથી અંબાજીના મુખ્ય રસ્તાઓ પર વાહનોનો ભાર ઘટશે અને ટ્રાફિક જામની સમસ્યા પણ ઓછી કરવામાં મદદ મળશે.

મંદિરના શિખર પર ધજા ચડાવવા માટે પણ આ વર્ષે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. 5 મીટરથી વધુ લંબાઈની ધજા શિખર પર ચડાવી શકાશે નહીં. ધજા ચડાવવા માટે ખાસ પાસ આપવામાં આવશે અને એક સમયે માત્ર ત્રણ વ્યક્તિને જ ધજા ચડાવવા માટે જવાની મંજૂરી રહેશે. મેળામાં સેવા કેમ્પો દ્વારા ઊભા થતા કચરા અને એઠવાડના વ્યવસ્થાપન માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં 700થી વધુ ડસ્ટબિન મૂકવામાં આવશે, જેથી કચરો રસ્તા પર ન ફેલાય. કચરો એકત્ર કરવા માટે 135થી વધુ ટ્રેક્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એકત્ર થયેલા ફૂડવેસ્ટ અને અન્ય જૈવિક કચરામાંથી ખાતર બનાવવાની કામગીરી કરવામાં આવશે.

મેળાની સમગ્ર વ્યવસ્થા સુચારૂ રીતે ચાલે તે માટે અલગ-અલગ જવાબદારીઓ સાથે 29 સમિતિઓ બનાવવામાં આવી છે. તેમાં ક્લાસ-વન અધિકારીઓથી લઈને સફાઈ કર્મચારીઓ સુધીના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંદિર પરિસર, સુરક્ષા, ટ્રાફિક, સ્વચ્છતા, પાર્કિંગ અને ભાવિકોની સુવિધા સહિતની વિવિધ વ્યવસ્થાઓ પર આ સમિતિઓ નજર રાખશે.

45 લાખથી વધુ ભાવિકો આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને અંબાજીમાં આ વખતે સુરક્ષા અને વ્યવસ્થાપન માટે ટેક્નોલોજીનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. AI કેમેરાથી મોનિટરિંગ, ડિજિટલ માર્ગદર્શિકા, QR આધારિત પાર્કિંગ, મિની બસ સેવા અને લાઈવ દર્શન જેવી સુવિધાઓ દ્વારા ભક્તોને વધુ સરળ અને સુવ્યવસ્થિત અનુભવ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મંદિર પરિસરની સજાવટ પણ મેળાનું મુખ્ય આકર્ષણ બનશે. નોરતાના પરંપરાગત ગરબાની થીમ પર ડેકોરેશન અને લાઈટિંગનું કામ શરૂ થઈ ગયું છે. ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચવાના હોવાથી આગામી દિવસોમાં તૈયારીઓ વધુ ઝડપથી આગળ વધશે.

Most Popular

To Top