Gujarat

ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક: વીડિયો જાહેર કરી કહ્યું- ‘મારું અપહરણ નથી થયું, હું પોતાની મરજીથી અશોક સાથે આવી છું’

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સીબીડી મોલ પાસેથી જાણીતી લોકગાયિકા કિંજલ રબારી અચાનક ગાયબ થયાના અહેવાલ બાદ ચકચાર મચી ગઈ હતી. કિંજલના સાસરિયાઓ દ્વારા તેના અપહરણની આશંકા વ્યક્ત કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં કિંજલ એક કાળા રંગની કારમાં બેસીને જતી જોવા મળી હતી. આ દરમિયાન કારમાં બેસતી વખતે તેના વર્તમાન પતિ મુકેશને કેટલાક અજાણ્યા શખ્સોએ પકડી રાખ્યો હોવાની વિગતો પણ સામે આવી હતી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ચાંદખેડા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને મહેસાણા, પાટણ તથા રાધનપુર પોલીસને પણ એલર્ટ કરવામાં આવી હતી. કિંજલ ખરેખર અપહરણનો ભોગ બની છે કે પછી પોતાની મરજીથી કોઈની સાથે ગઈ છે, તે અંગે શરૂઆતથી જ પોલીસ તપાસ કરી રહી હતી. ખાસ કરીને સીસીટીવીમાં કિંજલ પોતે કારમાં બેસતી દેખાતી હોવાથી મામલો વધુ ગૂંચવાયો હતો. પોલીસ એક તરફ અપહરણની શક્યતા તપાસી રહી હતી, તો બીજી તરફ કિંજલના ભૂતકાળના સંબંધો અને લગ્નજીવન સાથે જોડાયેલા વિવાદોની પણ તપાસ કરવામાં આવી રહી હતી.

હવે આ સમગ્ર મામલામાં કિંજલ રબારી દ્વારા જાહેર કરવામાં આવેલા એક વીડિયો બાદ નવો વળાંક આવ્યો છે. વીડિયોમાં કિંજલે પોતાનું અપહરણ થયું હોવાની વાતને નકારી કાઢી છે. તેણે દાવો કર્યો છે કે તે પોતાની મરજીથી પોતાના પ્રથમ પતિ અને પ્રેમી અશોક ચૌધરી સાથે ગઈ છે. કિંજલે વીડિયોમાં પોતાની અગાઉની લગ્નજીવનની પરિસ્થિતિ અને પરિવાર સાથે થયેલા વિવાદ અંગે પણ વાત કરી છે. વીડિયોમાં કિંજલ પોતાનો પરિચય આપતા કહે છે કે તે અશોકકુમાર ચૌધરીની પત્ની છે અને બંનેએ 2 મે, 2024ના રોજ લગ્ન કર્યા હતા. તેના જણાવ્યા પ્રમાણે તેણે પોતાના પરિવારને લગ્ન માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવાર સંમત ન થતાં બંને 10 માર્ચ, 2026ના રોજ સાથે જતા રહ્યા હતા. કિંજલે વધુમાં એવો દાવો કર્યો છે કે ત્યારબાદ તેના પિયરના લોકોએ બંનેને પકડી લીધા હતા અને તેના પતિ અશોક સાથે મારપીટ કરવામાં આવી હતી.

કિંજલે વીડિયોમાં એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે તેને તેની મરજી વિરુદ્ધ રાધનપુર કોર્ટમાં લઈ જવામાં આવી હતી અને છૂટાછેડાની કાર્યવાહી કરાવવામાં આવી હતી. તેણે એવો દાવો કર્યો છે કે ત્યારબાદ તેને ઘરમાં રાખવામાં આવી હતી અને તેની ઇચ્છા વિરુદ્ધ અન્ય યુવક સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા. કિંજલના જણાવ્યા પ્રમાણે, આ પરિસ્થિતિમાં તેને પોતાના જીવનું જોખમ લાગતાં તેણે ફરીથી અશોકનો સંપર્ક કર્યો હતો.

કિંજલે દાવો કર્યો છે કે 6 સપ્ટેમ્બર, 2026ના રોજ તે પોતાની સ્વેચ્છાથી અશોક સાથે આવી છે. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેનું કોઈ અપહરણ થયું નથી અને તે પોતાના મૂળ પતિ સાથે પોતાની મરજીથી ગઈ છે. વીડિયોના અંતે તેણે પોલીસ અને વહીવટીતંત્રને પણ અપીલ કરી છે કે તે અશોક સાથે સુરક્ષિત છે અને આ મામલે કોઈ ખોટી ફરિયાદ કે કેસ કરવામાં ન આવે. કિંજલ રબારીના આ વીડિયોએ સમગ્ર કેસની દિશા બદલી નાખી છે. જોકે, વીડિયોમાં કરવામાં આવેલા દાવાઓની પોલીસ દ્વારા સત્તાવાર રીતે તપાસ અને પુષ્ટિ થવી હજુ બાકી છે. ખાસ કરીને કિંજલે પરિવાર તરફથી દબાણ, મારપીટ, બળજબરીથી છૂટાછેડા અને બીજા લગ્ન કરાવવાના જે આક્ષેપો કર્યા છે, તેની હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

આ સમગ્ર મામલાની પાછળ કિંજલના અગાઉના લગ્નનો વિવાદ પણ મહત્વનો છે. રાધનપુરના સિનાદ ગામની વતની કિંજલ રબારીએ 2 મે, 2024ના રોજ અશોક ચૌધરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્ન બાદ બંનેના સંબંધને લઈને સમાજમાં વિરોધ થયો હોવાના દાવા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે છૂટાછેડાની કાર્યવાહી થઈ હતી. આ જ વિવાદ દરમિયાન 15 જૂન, 2026ના રોજ કોર્ટની મુદ્દત દરમિયાન અશોક ચૌધરી પર હુમલો થયો હોવાની વાત પણ સામે આવી હતી. પછી કિંજલના લગ્ન ગોતરકા ગામના એક યુવક સાથે કરવામાં આવ્યા હતા. હવે થોડા સમય બાદ કિંજલ ફરી અશોક સાથે જતી હોવાનો દાવો કરતા સમગ્ર ઘટનાએ નવો વળાંક લીધો છે. શરૂઆતમાં સીસીટીવીના આધારે જે મામલો અપહરણ તરીકે જોવામાં આવી રહ્યો હતો, તેમાં હવે ખુદ કિંજલના નિવેદનથી અલગ જ તસવીર સામે આવી છે.

હાલ પોલીસ માટે સૌથી મહત્વનું કામ કિંજલના વીડિયોમાં કરવામાં આવેલા દાવાઓની તપાસ કરવાનું છે. કિંજલ ખરેખર પોતાની મરજીથી અશોક સાથે ગઈ છે કે તેના પર કોઈ પ્રકારનું દબાણ હતું, અગાઉ તેના લગ્ન અને છૂટાછેડાની પ્રક્રિયામાં શું બન્યું હતું અને સીબીડી મોલ પાસે બનેલી સમગ્ર ઘટનામાં અન્ય લોકોની ભૂમિકા શું હતી, તે તપાસ બાદ સ્પષ્ટ થઈ શકે છે.

આ કેસમાં હવે કિંજલનું નિવેદન અને પોલીસની તપાસ બંને મહત્વપૂર્ણ બની ગયા છે. એક તરફ કિંજલ ખુલ્લેઆમ પોતાનું અપહરણ થયું નથી અને તે પોતાની ઇચ્છાથી અશોક સાથે ગઈ હોવાનું કહી રહી છે, જ્યારે બીજી તરફ સમગ્ર ઘટનાને લઈને અગાઉ પોલીસ સમક્ષ અપહરણની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તેથી હવે તપાસ કઈ દિશામાં આગળ વધે છે અને પોલીસ સત્તાવાર રીતે શું કહે છે તેના પર સૌની નજર રહેશે.

Most Popular

To Top