CMની અવાજમાં વાત કરાવીને ‘નોકરી-કોન્ટ્રાક્ટ’ની ઠગાઈનો આરોપઃ અસામના ACS અધિકારી દેવેશ્વર બોરા ઝડપાયા, મિમિક્રી આર્ટિસ્ટનો લીધો સહારો
અસામમાં એક ચોંકાવનારો ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. ધેમાજી જિલ્લાના ડેવલપમેન્ટ કમિશનર અને 1999 બેચના અસામ સિવિલ સર્વિસ (ACS) અધિકારી દેવેશ્વર બોરાની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે સરકારી નોકરી અને કોન્ટ્રાક્ટ અપાવવાના નામે લોકોને વિશ્વાસમાં લેવા માટે તેમણે એક મિમિક્રી આર્ટિસ્ટની મદદ લીધી હતી. આ કલાકાર ફોન પર મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, મુખ્ય સચિવ રવિ કોટા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓના અવાજની નકલ કરીને લોકો સાથે વાત કરતો હતો. તેના કારણે સામેની વ્યક્તિને એવું લાગતું હતું કે તેની સીધી વાત રાજ્યના મોટા અધિકારીઓ સાથે થઈ રહી છે.
કેવી રીતે ચાલતું હતું કથિત ‘વોઇસ’ કનેક્શન?
તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, બોરા પર આરોપ છે કે તેઓ લોકોને સરકારી નોકરી અને સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાનું વચન આપતા હતા. આ માટે તેઓ એક એવા વચેટિયાની મદદ લેતા હતા, જે અલગ-અલગ જાણીતા લોકોના અવાજની હૂબહૂ નકલ કરી શકતો હતો. જ્યારે કોઈ વ્યક્તિને વિશ્વાસમાં લેવાની જરૂર પડતી ત્યારે આ મિમિક્રી આર્ટિસ્ટ ફોન પર મુખ્યમંત્રી અથવા વરિષ્ઠ અધિકારીના અવાજમાં વાત કરતો હતો.આ રીતે લોકોને એવું દર્શાવવાનો પ્રયાસ થતો હતો કે બોરાની સરકારના ઉચ્ચ સ્તર સુધી સીધી પહોંચ છે અને તેઓ ઈચ્છે તો કોઈનું પણ કામ કરાવી શકે છે. તપાસમાં આ કથિત વ્યવસ્થા સામે આવ્યા બાદ સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.
આયથી વધુ સંપત્તિના કેસથી શરૂ થઈ તપાસ
દેવેશ્વર બોરા વિરુદ્ધ તપાસની શરૂઆત તેમની જાણીતી આવક કરતાં વધુ સંપત્તિ હોવાની શંકા અને સરકારી પદના કથિત દુરુપયોગને લઈને થઈ હતી. 7 સપ્ટેમ્બરે અસામના મુખ્યમંત્રીની સ્પેશિયલ વિજિલન્સ સેલની નવ સભ્યોની ટીમે ધેમાજીમાં બોરાના સત્તાવાર નિવાસસ્થાને દરોડો પાડ્યો હતો. ત્યારબાદ ગુવાહાટી સહિત અન્ય સ્થળોએ પણ તપાસ કરવામાં આવી અને અધિકારીની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી.વિજિલન્સ તપાસમાં બોરા વિરુદ્ધ સરકારી પદનો દુરુપયોગ, કથિત ગેરરીતિ અને જાણીતી આવકના સ્ત્રોત કરતાં વધુ સંપત્તિ એકઠી કરવાના આરોપોની તપાસ ચાલી રહી છે. તપાસ અધિકારીઓ હવે બોરા અને તેમના પરિવારના નામે રહેલી સંપત્તિઓની પણ તપાસ કરી રહ્યા છે.
ડોક્ટરની ફરિયાદ બાદ તપાસ આગળ વધી
અહેવાલ અનુસાર, આ કેસની તપાસ એક ડોક્ટરની ફરિયાદ બાદ શરૂ થઈ હતી. ફરિયાદમાં બોરા જ્યારે અસામના મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ વિભાગમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે કથિત ગેરરીતિઓ થઈ હોવાના આરોપો મૂકવામાં આવ્યા હતા. બોરા જૂન 2022થી જુલાઈ 2025 સુધી આ પદ પર રહ્યા હતા. ત્યારબાદ તેમને ધેમાજી જિલ્લાના ડેવલપમેન્ટ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
એક નેતા-બિઝનેસમેન સાથેના મામલાથી કથિત પોલ ખુલી
તપાસમાં હવે એવો દાવો સામે આવ્યો છે કે બોરા દ્વારા નોકરી અને કોન્ટ્રાક્ટ અપાવવાના નામે લોકો પાસેથી પૈસા લેવાના કથિત પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ સમગ્ર નેટવર્કની માહિતી ધેમાજીના એક નેતા અને બિઝનેસમેન સાથેના વ્યવહાર બાદ તપાસ એજન્સીઓ સુધી પહોંચી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. જોકે, તપાસ હજુ ચાલુ છે અને સમગ્ર કથિત નેટવર્ક અંગે વધુ વિગતો બહાર આવવાની બાકી છે.વિજિલન્સ અધિકારીઓનું કહેવું છે કે બોરા વિરુદ્ધ થયેલી તમામ ફરિયાદો અને તેમની કથિત ગેરરીતિઓની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં મિમિક્રી આર્ટિસ્ટની ભૂમિકા પણ તપાસનો મહત્વનો ભાગ બની છે.