India

જ્યાં નજર જાય ત્યાં પાણીમાં ટ્રેક્ટર જ ટ્રેક્ટર,બિહારમાં પૂરે સર્જ્યું ભયાનક દૃશ્ય

બિહારમાં ગંગા નદીના વધતા જળસ્તરને કારણે પૂરનું સંકટ વધુ ગંભીર બન્યું છે. રાજધાની પટણાના નીચાણવાળા વિસ્તારોમાં નદીનું પાણી ઝડપથી ફેલાતા જનજીવન પ્રભાવિત થયું છે. પટણાના દીદારગંજ ચેક પોસ્ટ નજીક ગંગા કિનારે આવેલા એક ટ્રેક્ટર યાર્ડમાં પાણી ઘૂસી જતા ત્યાં ઉભેલા સેંકડો ટ્રેક્ટર અને ખેતીવાડી મશીનરી પાણીમાં ડૂબી ગઈ છે. સામે આવેલા દૃશ્યોમાં દૂર સુધી માત્ર પાણી અને તેમાં ડૂબેલા ટ્રેક્ટર નજરે પડે છે.


દીદારગંજનો આ વિસ્તાર ગંગા નદીના કિનારે આવેલો અને નીચાણવાળો હોવાથી નદીનું પાણી વધતા સૌથી પહેલાં તેની અસર અહીં જોવા મળી છે. અચાનક વધેલા પાણીના પ્રવાહે ટ્રેક્ટર યાર્ડને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. જ્યાં સામાન્ય રીતે સેકડો નવા અને ચમકતા ટ્રેક્ટર એક પછી એક લાઇનમાં ઊભા રહેતા હતા, ત્યાં હવે ગંદુ પૂરનું પાણી ભરાઈ ગયું છે. અનેક ટ્રેક્ટરના પૈડાં સહિતનો મોટો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. યાર્ડના મેદાનમાં કાદવ અને ગંદુ પાણી ફેલાઈ ગયું છે, જેના કારણે નુકસાનનું પ્રમાણ પણ ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે.


આ ભયાનક દૃશ્યોનો વીડિયો અને તસવીરો સામે આવ્યા બાદ બિહારમાં પૂરની ગંભીરતાનો અંદાજ વધુ સ્પષ્ટ થયો છે. ડ્રોનથી લેવામાં આવેલા દૃશ્યોમાં યાર્ડનો મોટો વિસ્તાર પાણીમાં ડૂબેલો જોવા મળે છે. આસપાસ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી અને તેની વચ્ચે ઉભેલા ટ્રેક્ટરો દેખાઈ રહ્યા છે. આ દૃશ્ય માત્ર એક ટ્રેક્ટર યાર્ડમાં થયેલા નુકસાનની તસવીર નથી, પરંતુ ગંગાના વધતા જળસ્તરે પટણાના નીચાણવાળા વિસ્તારોમાં ઊભી કરેલી ગંભીર પરિસ્થિતિનું ઉદાહરણ છે.


પટણામાં ગંગાનું જળસ્તર સતત વધતું રહ્યું છે. ગાંધી ઘાટ ખાતે પાણીનું સ્તર 50.57 મીટર સુધી પહોંચ્યું હતું, જે 2016માં નોંધાયેલા અગાઉના સર્વોચ્ચ સ્તર કરતાં લગભગ 5 સેન્ટિમીટર વધારે છે. ગંગા ઉપરાંત કોસી, ગંડક અને બાગમતી જેવી નદીઓ પણ અનેક સ્થળોએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. દાનાપુર-દિયારા વિસ્તારમાં પૂરનું પાણી ઘરો, દુકાનો અને શાળાઓ સુધી પહોંચી ગયું છે.પૂરની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી પણ તેજ કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં SDRFની બોટો, જવાનો અને ડાઇવર્સ તૈનાત કરવામાં આવ્યા છે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં મોટી સંખ્યામાં લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે સલામતી સૌથી મોટો પડકાર બની છે. તાજેતરના અહેવાલો અનુસાર રાજ્યમાં 13 જિલ્લાઓમાં લાખો લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે.આ દરમિયાન ગંગાના કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર ઘટવાના સંકેતો મળ્યા હોવા છતાં પટણા સહિત નીચાણવાળા વિસ્તારોમાં ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. ખાસ કરીને દીદારગંજના ટ્રેક્ટર યાર્ડની સ્થિતિ દર્શાવે છે કે પૂરના પાણીની અસર માત્ર રહેણાંક વિસ્તારો સુધી મર્યાદિત નથી રહી, પરંતુ વેપાર-ધંધા અને કરોડો રૂપિયાની સંપત્તિને પણ ભારે નુકસાન પહોંચાડી રહી છે. બિહારમાં પૂરનું આ દૃશ્ય હાલની કુદરતી આપત્તિની ગંભીરતાની ચેતવણી સમાન બની ગયું છે.

Most Popular

To Top