અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીય પ્રોફેશનલ્સ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકી વિદેશ વિભાગે ચેતવણી આપી છે કે 30 સપ્ટેમ્બરે ચાલુ નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં રોજગાર આધારિત EB-1 કેટેગરીમાં ભારતીય અરજદારો માટે વીઝા ઉપલબ્ધ ન રહે તેવી સ્થિતિ બની શકે છે. વધારે માંગ અને ઉપલબ્ધ વીઝા નંબરોના ઝડપથી થઈ રહેલા ઉપયોગને કારણે આ કેટેગરીમાં મોટું દબાણ જોવા મળી રહ્યું છે. આ સ્થિતિથી એવા ભારતીય અરજદારોની ચિંતા વધી છે, જેઓ લાંબા સમયથી અમેરિકામાં કાયમી નિવાસ એટલે કે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. જો EB-1 કેટેગરી નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં ‘અનુપલબ્ધ’ જાહેર થાય તો નવી અરજીઓ અને પ્રક્રિયામાં રહેલા કેસો પર પણ તેની અસર જોવા મળી શકે છે.
EB-1 અમેરિકાની રોજગાર આધારિત પ્રથમ પ્રાથમિકતા કેટેગરી છે. આ કેટેગરીમાં પોતાના ક્ષેત્રમાં અસાધારણ ક્ષમતા ધરાવતા લોકો, ઉત્કૃષ્ટ પ્રોફેસરો અને સંશોધકો તેમજ બહુરાષ્ટ્રીય કંપનીઓના મેનેજરો અને ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આ લોકો પાસે પોતાના ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ, અનુભવ અથવા યોગ્યતા હોય છે. અમેરિકી વિદેશ વિભાગના સપ્ટેમ્બર વિઝા બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાંથી EB-1 માટે અરજીઓની સંખ્યા ઘણી વધારે છે. સાથે જ ઉપલબ્ધ વીઝા નંબરોનો પણ ઝડપથી ઉપયોગ થઈ રહ્યો છે. આ સ્થિતિ યથાવત રહી તો આગામી સપ્તાહોમાં ભારત માટે EB-1 કેટેગરીને ‘U’ એટલે કે Unavailable જાહેર કરવાની જરૂર પડી શકે છે.
વિભાગે એમ પણ જણાવ્યું છે કે વીઝા નંબરોના ઉપયોગ પર સતત નજર રાખવામાં આવશે અને જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરવામાં આવશે. એટલે કે હાલમાં કેટેગરી ઉપલબ્ધ હોવા છતાં નાણાકીય વર્ષના અંત સુધીમાં વીઝા ક્વોટા પૂરો થઈ જાય તો સ્થિતિ બદલાઈ શકે છે. ભારતીય અરજદારો માટે મુશ્કેલી માત્ર EB-1 સુધી મર્યાદિત નથી. રોજગાર આધારિત અન્ય કેટેગરીઓમાં પણ લાંબી રાહ અને બેકલોગની સમસ્યા જોવા મળી રહી છે. ખાસ કરીને EB-2 કેટેગરીમાં પણ ભારતીય અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કેટેગરી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા અથવા પોતાના ક્ષેત્રમાં અસાધારણ ક્ષમતા ધરાવતા પ્રોફેશનલ્સ માટે મહત્વપૂર્ણ છે.
સપ્ટેમ્બર વિઝા બુલેટિનમાં EB-2 માટે ‘U’ એટલે કે Unavailable દર્શાવવામાં આવ્યું છે. તેનો સીધો અર્થ એ છે કે સંબંધિત સમયગાળા દરમિયાન આ કેટેગરી હેઠળ વીઝા નંબર ઉપલબ્ધ નથી. જેના કારણે ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં રહેલા ભારતીય પ્રોફેશનલ્સ માટે રાહ વધુ મુશ્કેલ બની શકે છે. EB-3 કેટેગરીમાં પણ બેકલોગની સ્થિતિ ગંભીર છે. આ કેટેગરીમાં કુશળ કામદારો અને પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે. ભારતીય અરજદારો માટે આ કેટેગરીમાં લાંબી પ્રતીક્ષા જોવા મળી રહી છે અને ઘણા અરજદારોને વર્ષો સુધી ગ્રીન કાર્ડ માટે રાહ જોવી પડી શકે છે.
ભારતીય પ્રોફેશનલ્સમાં ગ્રીન કાર્ડ માટે લાંબી રાહનું એક મોટું કારણ રોજગાર આધારિત વીઝા માટે દેશવાર મર્યાદા છે. ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો અમેરિકામાં ઉચ્ચ કૌશલ્ય ધરાવતા કામદારો તરીકે જાય છે, જેના કારણે રોજગાર આધારિત કેટેગરીમાં ભારતીય અરજદારોની સંખ્યા સતત વધારે રહે છે. પરિણામે ઉપલબ્ધ વીઝા નંબરોની સામે અરજદારોની સંખ્યા વધી જાય છે અને બેકલોગ ઊભો થાય છે. EB-1 કેટેગરીને સામાન્ય રીતે અન્ય કેટલીક રોજગાર આધારિત કેટેગરીઓની સરખામણીએ વધુ પ્રાથમિકતા મળતી હોવાથી ઘણા ભારતીય પ્રોફેશનલ્સ માટે તે ગ્રીન કાર્ડ મેળવવાનો મહત્વનો રસ્તો છે. પરંતુ જો આ કેટેગરી પણ નાણાકીય વર્ષના અંત પહેલા ઉપલબ્ધ ન રહે તો અરજદારો માટે અનિશ્ચિતતા વધી શકે છે.
અહીં એ સમજવું પણ જરૂરી છે કે ‘Unavailable’નો અર્થ ગ્રીન કાર્ડની આખી પ્રક્રિયા કાયમ માટે બંધ થઈ ગઈ છે એવો નથી. સામાન્ય રીતે તેનો અર્થ ચોક્કસ સમયગાળા માટે ઉપલબ્ધ વીઝા નંબરો ખતમ થઈ ગયા છે. નવું નાણાકીય વર્ષ શરૂ થયા બાદ નવી વીઝા ફાળવણી ઉપલબ્ધ થાય ત્યારે સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. જોકે વ્યક્તિગત કેસમાં અસર તેની પ્રાથમિકતા તારીખ અને અન્ય પ્રક્રિયાત્મક બાબતો પર આધાર રાખે છે. હાલ ભારતીય અરજદારો માટે સૌથી મહત્વની બાબત એ છે કે અમેરિકી વિદેશ વિભાગના આગામી વિઝા બુલેટિન પર નજર રાખવી. EB-1 સહિત રોજગાર આધારિત કેટેગરીમાં ઉપલબ્ધતા ઝડપથી બદલાઈ શકે છે. ખાસ કરીને નાણાકીય વર્ષના અંતિમ મહિનામાં વીઝા નંબરોનો ઉપયોગ ઝડપથી થતો હોવાથી અરજદારો માટે નવી જાહેરાતો મહત્વપૂર્ણ બની રહે છે. અમેરિકામાં લાંબા સમયથી કામ કરી રહેલા ભારતીય પ્રોફેશનલ્સ માટે ગ્રીન કાર્ડ માત્ર કાયમી નિવાસનો દસ્તાવેજ નથી, પરંતુ તેમની નોકરી, પરિવાર અને ભવિષ્યની યોજનાઓ સાથે પણ જોડાયેલો મુદ્દો છે. તેથી EB-1ની સંભવિત અછત અને EB-2 તથા EB-3ના બેકલોગને કારણે હજારો ભારતીય પરિવારોની ચિંતા વધી શકે છે.