મોંઘવારીનો વધુ એક ફટકો સામાન્ય લોકોના રસોડાના બજેટને લાગ્યો છે. ખાંડ, ડુંગળી અને ખાદ્યતેલના ભાવમાં વધારા બાદ હવે અમદાવાદમાં લીંબુના ભાવમાં પણ જોરદાર ઉછાળો આવ્યો છે. થોડા સમય પહેલાં જે લીંબુ છૂટક બજારમાં આશરે રૂ.120 પ્રતિ કિલોના ભાવે મળતા હતા, તે હવે વધીને રૂ.240થી રૂ.260 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. એટલે કે માત્ર એક પખવાડિયામાં લીંબુના છૂટક ભાવ લગભગ બમણા થઈ ગયા છે.
લીંબુનો ઉપયોગ દાળ, શાકભાજી, સલાડ અને અન્ય ખાદ્ય વાનગીઓમાં મોટા પ્રમાણમાં થતો હોવાથી ભાવ વધારાની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી રહી છે. સામાન્ય રીતે લીંબુના ભાવમાં વધારો ઉનાળાની સિઝનમાં જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે ચોમાસા દરમિયાન જ ભાવમાં આટલો મોટો ઉછાળો આવતા ગ્રાહકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. ભાવ વધતા ઘણા ગ્રાહકો હવે કિલોના બદલે નંગના હિસાબે લીંબુ ખરીદવા મજબૂર બન્યા છે.અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં પણ લીંબુના જથ્થાબંધ ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. 22 ઓગસ્ટના રોજ લીંબુનો જથ્થાબંધ ભાવ રૂ.10થી રૂ.55 પ્રતિ કિલો હતો, જે હવે વધીને રૂ.80થી રૂ.160 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. ભાવ વધવા પાછળ સૌથી મોટું કારણ લીંબુની આવકમાં થયેલો ઘટાડો માનવામાં આવે છે. ચાલુ સમયગાળામાં અમદાવાદ યાર્ડમાં લીંબુની આવક 6,710 ક્વિન્ટલ નોંધાઈ છે, જ્યારે વર્ષ 2025માં આ જ સમયગાળામાં 10,608 ક્વિન્ટલ આવક થઈ હતી. એટલે કે એક વર્ષમાં આવકમાં 3,898 ક્વિન્ટલનો ઘટાડો થયો છે.
વેપારીઓના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે ચોમાસા દરમિયાન લીંબુનો છૂટક ભાવ આશરે રૂ.100થી રૂ.120 પ્રતિ કિલોની આસપાસ રહે છે. સપ્ટેમ્બર 2025 દરમિયાન પણ લીંબુનો જથ્થાબંધ ભાવ રૂ.10થી રૂ.45 પ્રતિ કિલો વચ્ચે હતો. અમદાવાદમાં અગાઉ આંધ્રપ્રદેશ સહિત દક્ષિણ ભારત ઉપરાંત મહેસાણા, ભાવનગર અને પાલિતાણા જેવા વિસ્તારોમાંથી પણ લીંબુની આવક થતી હતી. પરંતુ હાલ આ વિસ્તારોમાંથી આવક ઘટી ગઈ છે અને મુખ્યત્વે રાજસ્થાનથી જ લીંબુનો પુરવઠો થઈ રહ્યો છે.
લીંબુના ભાવ વધવાનું કારણ શું?
બજાર નિષ્ણાતો અને કૃષિ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, લીંબુનું ઉત્પાદન કરતા વિસ્તારોમાં આ વખતે સ્થાનિક જરૂરિયાત પ્રમાણે જ પાક થયો છે. એટલે જે ઉત્પાદન થઈ રહ્યું છે તેનો મોટો હિસ્સો સ્થાનિક બજારમાં જ વપરાઈ જાય છે અને બહારના શહેરોમાં પૂરતો જથ્થો મોકલાતો નથી. બીજી તરફ સતત ગરમીના કારણે અનેક વિસ્તારોમાં લીંબુ પીળા પડીને ઝાડ પરથી ખરી ગયા છે. તેના કારણે બજારમાં આવક ઘટી છે.આ સાથે વરસાદ ખેંચાતા અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ફરી ઉનાળા જેવું વાતાવરણ સર્જાયું છે. ગરમી વધવાથી લીંબુની માંગ અને વપરાશમાં પણ વધારો થયો છે. આમ, એક તરફ પુરવઠો ઘટ્યો છે અને બીજી તરફ માંગ વધી છે. બજારના આ બંને પરિબળોના કારણે લીંબુના ભાવમાં ઝડપથી વધારો થયો હોવાનું નિષ્ણાતોનું માનવું છે.
નવરાત્રિ પહેલાં ભાવ ઘટવાની શક્યતા ઓછી
હાલના સંજોગોને જોતા નવરાત્રિ પહેલાં લીંબુના ભાવમાં મોટી રાહત મળવાની શક્યતા ઓછી છે. ગુજરાતમાં લીંબુનો નવો પાક સામાન્ય રીતે ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન બજારમાં આવે છે, જ્યારે દક્ષિણ ભારતમાંથી નવી આવક દશેરાની આસપાસ શરૂ થતી હોય છે. દક્ષિણ ભારતમાંથી નવી આવક શરૂ થયા બાદ જ બજારમાં પુરવઠો વધવાની અને ભાવ પર નિયંત્રણ આવવાની શક્યતા છે. તેથી આગામી દિવસોમાં ગ્રાહકોને લીંબુના ઊંચા ભાવનો સામનો કરવો પડી શકે છે.