India

નરેલાના પ્રોપર્ટી ડીલર હત્યા કેસમાં પોલીસનું મોટું એક્શન

એન્કાઉન્ટરમાં બે આરોપીઓને પગમાં ગોળી, હોસ્પિટલમાં દાખલ

દિલ્હીના નરેલામાં પ્રોપર્ટી ડીલર પ્રમોદ કુમારની હત્યા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. મંગળવારની મોડી રાત્રે રોહિણી સેક્ટર-24 વિસ્તારમાં પોલીસ અને હત્યાકાંડ સાથે સંકળાયેલા આરોપીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર દરમિયાન બે આરોપીઓને પગમાં ગોળી વાગી હતી.બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે હવે તેમની પૂછપરછ શરૂ કરીને હત્યાકાંડ પાછળના સમગ્ર નેટવર્ક અંગે માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.ત્રણ આરોપીઓ બાઈક પર આવ્યા હતા


પોલીસને માહિતી મળી હતી કે નરેલા પ્રોપર્ટી ડીલર હત્યા કેસ સાથે જોડાયેલા ત્રણ બદમાશો બાઈક પર રોહિણી સેક્ટર-24 વિસ્તારમાં આવવાના છે. માહિતી મળ્યા બાદ રોહિણી સ્પેશિયલ સ્ટાફની ટીમે વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી. ત્રણેય આરોપીઓ બાઈક પર પહોંચ્યા ત્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો અને સરેન્ડર કરવા માટે કહ્યું હતું. પોલીસનો આરોપ છે કે બદમાશોએ શરણાગતિ સ્વીકારવાને બદલે પોલીસ ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન બે આરોપીઓને પગમાં ગોળી વાગી હતી અને તેઓ જમીન પર પડી ગયા હતા. પોલીસે બંનેને કાબૂમાં લઈ સારવાર માટે હોસ્પિટલ મોકલ્યા છે. ત્રીજા આરોપીને પકડવા માટે પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે.


3 સપ્ટેમ્બરે થઈ હતી પ્રોપર્ટી ડીલરની હત્યા
આ સમગ્ર કેસની શરૂઆત 3 સપ્ટેમ્બરની સવારે થઈ હતી. દિલ્હીના નરેલા વિસ્તારના બકનેરમાં 42 વર્ષીય પ્રોપર્ટી ડીલર પ્રમોદ કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ સવારે જિમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા બે હુમલાખોરોએ તેમના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગવાથી પ્રમોદ કુમારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટના સ્થળ પરથી પોલીસે 15 ખાલી કારતૂસ પણ મળી આવ્યા હતા. હત્યાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ફૂટેજમાં હુમલાખોરો વારદાત બાદ બાઈક પર ફરાર થતા જોવા મળ્યા હતા. એક આરોપીના હાથમાં પિસ્તોલ પણ દેખાઈ રહી હતી. હત્યા બાદ મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકોએ રસ્તો રોકીને આરોપીઓની વહેલી ધરપકડની માંગ કરી હતી. તપાસ માટે પોલીસે ચાર ટીમો બનાવી હતી.

ગેંગસ્ટર હિમાંશુ ભાઉનું નામ સામે આવ્યું
પોલીસ તપાસમાં આ હત્યાકાંડ પાછળ વિદેશમાં બેઠેલા કથિત કુખ્યાત ગેંગસ્ટર હિમાંશુ ભાઉનું નામ સામે આવ્યું છે. પોલીસને આશંકા છે કે વિદેશમાં બેઠા રહીને તેણે આ હત્યાકાંડને અંજામ અપાવ્યો હોઈ શકે છે. હવે પોલીસ હત્યાની યોજના કેવી રીતે બનાવવામાં આવી, તેમાં કેટલા લોકો સામેલ હતા, આરોપીઓનો ગેંગસ્ટર સાથે કેવી રીતે સંપર્ક હતો તેની તપાસ કરી રહી છે.રોહિણી એન્કાઉન્ટર બાદ ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી હત્યાકાંડ અંગે મહત્વપૂર્ણ માહિતી મળવાની પોલીસને આશા છે. તેમના મોબાઇલ રેકોર્ડ અને અન્ય સંપર્કોની પણ તપાસ કરવામાં આવી શકે છે. હાલમાં બંને આરોપીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સમગ્ર મામલે દિલ્હી પોલીસની તપાસ ચાલુ છે.

Most Popular

To Top