ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીના અમદાવાદમાંથી અપહરણ થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલા સીબીડી મોલ નજીકથી બપોરના સમયે કાળા રંગની કારમાં આવેલા કેટલાક અજાણ્યા શખ્સોએ ગાયિકાને બળજબરીપૂર્વક લઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ચાંદખેડા પોલીસ હરકતમાં આવી ગઈ છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાને પગલે ગાયિકાના ચાહકો તેમજ કલાકાર જગતમાં ચિંતા ફેલાઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, કિંજલ રબારી સીબીડી મોલ નજીક હતી ત્યારે કાળા રંગની કારમાં આવેલા કેટલાક લોકો ત્યાં પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે કિંજલ રબારીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી ત્યાંથી લઈ ગયા હોવાનો આરોપ છે. ઘટના અંગે ફરિયાદ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસની ટીમે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. ખાસ કરીને કાળા રંગની કાર કઈ દિશામાં ગઈ અને તેમાં કેટલા લોકો સવાર હતા, તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
કિંજલ રબારીના અપહરણ પાછળ તેમના ભૂતકાળના પ્રેમલગ્ન સાથે જોડાયેલો વિવાદ કારણભૂત છે કે કેમ, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. કિંજલ રબારી મૂળ રાધનપુર તાલુકાના સિનાદ ગામનાં વતની છે. તેમણે 2 મે 2024ના રોજ અશોક ચૌધરી નામના યુવક સાથે પોતાની મરજીથી પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્ન બાદ કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર વીડિયો અને પોસ્ટ મૂકીને પોતાના લગ્નની જાણકારી આપી હતી. સાથે જ તેમણે સુરક્ષાની માગણી પણ કરી હતી. આ પ્રેમલગ્ન બાદ બંને સમાજમાં ભારે ચર્ચા અને વિરોધ શરૂ થયો હતો. મામલો વકરતાં બંને પક્ષના આગેવાનો વચ્ચે અનેક બેઠકો યોજાઈ હતી. બંને પરિવારો અને સમાજના આગેવાનો દ્વારા સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કિંજલ રબારી પર પણ ભારે સામાજિક દબાણ આવ્યું હોવાની વાત સામે આવી હતી. અંતે તેઓ પોતાના પરિવાર પાસે પરત ફર્યા હતા. ત્યારબાદ તેમણે પોતાના પ્રેમલગ્ન અંગે સોશિયલ મીડિયા પર મૂકેલી કેટલીક પોસ્ટ્સ પણ હટાવી દીધી હતી.
પ્રેમલગ્નનો વિવાદ આગળ વધ્યો અને કિંજલ રબારી તથા અશોક ચૌધરી વચ્ચે છૂટાછેડાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ પ્રક્રિયા દરમિયાન પણ બંને તરફથી અલગ-અલગ આક્ષેપો કરવામાં આવ્યા હતા. અશોક ચૌધરી પર છૂટાછેડા આપવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ સામે આવ્યા હતા. જોકે, બાદમાં બંને વચ્ચેની કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી અને બંને અલગ થઈ ગયા હતા. છૂટાછેડા બાદ કિંજલ રબારીના પરિવાર દ્વારા તેમના જ સમાજના ગોતરકા ગામના એક અન્ય યુવક સાથે તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા. તેમ છતાં જૂના પ્રેમલગ્નનો વિવાદ સંપૂર્ણપણે શાંત થયો નહોતો. આ મામલે સમયાંતરે નવા વિવાદો સામે આવતા રહ્યા હતા. હવે કિંજલ રબારીના કથિત અપહરણની ઘટના સામે આવતા જૂનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. આ મામલામાં વધુ એક મહત્વપૂર્ણ કડી 15 જૂન 2026ની ઘટના સાથે જોડાઈ રહી છે. કોર્ટની એક મુદ્દત દરમિયાન અશોક ચૌધરી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટના બાદ જૂનો પ્રેમલગ્નનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો હતો. હવે કિંજલ રબારીના કથિત અપહરણ બાદ પોલીસ એ તપાસ કરી રહી છે કે અશોક ચૌધરી પર થયેલા હુમલા અને કિંજલના અપહરણ વચ્ચે કોઈ સીધો સંબંધ છે કે નહીં.
હાલમાં પોલીસ દ્વારા સીબીડી મોલ અને એસપી રિંગ રોડ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. કાળા રંગની કારની ઓળખ કરવા માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે. કાર કઈ દિશામાં ગઈ, તેનો નંબર શું હતો અને કારમાં કેટલા લોકો હતા, જેવી વિગતો મેળવવા પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના ફૂટેજ પણ તપાસવામાં આવી શકે છે. પોલીસ આ મામલે કિંજલ રબારીના અગાઉના વિવાદો, તેમના પરિવારજનો સાથેના સંબંધો અને જૂના પ્રેમલગ્ન સાથે જોડાયેલા લોકો અંગે પણ માહિતી એકત્ર કરી રહી હોવાનું જાણવા મળે છે. જોકે, અપહરણ પાછળનું ચોક્કસ કારણ શું છે અને ઘટનામાં કોણ સંડોવાયેલું છે તે અંગે હાલ કોઈ અંતિમ સત્તાવાર માહિતી સામે આવી નથી.
ધોળા દિવસે જાણીતી લોકગાયિકાના કથિત અપહરણની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કર્યા છે. શહેરના વ્યસ્ત વિસ્તારમાંથી કોઈ વ્યક્તિને બળજબરીપૂર્વક લઈ જવાની ઘટના ગંભીર માનવામાં આવી રહી છે. પોલીસ માટે હવે સૌથી મોટો પડકાર ગાયિકાનું ઝડપથી લોકેશન શોધી તેમને સુરક્ષિત રીતે પરત લાવવાનો અને સમગ્ર ઘટનાના જવાબદાર લોકો સુધી પહોંચવાનો છે. હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ છે. પોલીસ સીસીટીવી ફૂટેજ, ઘટનાસ્થળની માહિતી અને અન્ય ઉપલબ્ધ પુરાવાના આધારે તપાસ આગળ વધારી રહી છે. કિંજલ રબારીના અપહરણ પાછળ ખરેખર જૂનો પ્રેમલગ્નનો વિવાદ છે કે પછી કોઈ અન્ય કારણ છે, તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં આ ઘટનાને લઈને તેમના પરિવાર, ચાહકો અને ગુજરાતી કલાકાર જગતમાં ચિંતાનો માહોલ છે.