National

મણિપુરમાં તણાવ વધ્યો, આસામ રાઈફલ્સની ચાર કોલમ તૈનાત

મણિપુર: વરિષ્ઠ પોલીસ અધિકારીના (Police Officer) અપહરણ (Kidnapping) બાદ મણિપુરમાં તણાવ વધુ વધી ગયો છે. તેમજ સેનાને બોલાવવામાં આવી છે. અહીં આસામ રાઈફલ્સની (Assam Rifles) ચાર કોલમ ઈમ્ફાલ ઈસ્ટ (Imphal East) જિલ્લામાં તૈનાત કરવી પડી હતી. અગાઉ મેઇતેઇ જૂથના કાર્યકરોએ આર્મબાઈ ટેન્ગોલ પોલીસ અધિકારીનું તેમના ઘરેથી અપહરણ કર્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે અપહરણ કરાયેલા એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ અમિત કુમાર મણિપુર પોલીસની ઓપરેશન વિંગમાં તૈનાત હતા. અપહરણની માહિતી મળતા જ પોલીસ અને સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરી પોલીસ અધિકારીને મુક્ત કરાવ્યા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

ઘટના વિશે વિગતવાર માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે સાંજે સાત વાગ્યે પોલીસ અધિકારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અરામબાઈ ટેંગગોલના કાર્યકરોએ ઈમ્ફાલ પૂર્વમાં કુમારના ઘર પર હુમલો કર્યો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ કુમારે આ જૂથના છ લોકોની વાહન ચોરીના કેસમાં ધરપકડ કરી હતી. જેના કારણે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

હુમલા અને બચાવના પ્રયાસો બાદ સ્થિતિ વધુ વણસી હતી. તેમજ રાજ્ય સરકારે સેનાની મદદ લેવી પડી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આસામ રાઇફલ્સની ચાર ટુકડીઓ મંગાવામાં આવી હતી અને જ્યાં આ ઘટના બની હતી તે વિસ્તારની આસપાસ સેનાને તૈનાત કરવામાં આવી હતી. જણાવી દઇયે કે આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ ખીણ વિસ્તારોમાં લાગુ પડતો નથી.

ગઇકાલે મંગળવારે સશસ્ત્ર બદમાશોએ એડિશનલ એસપીના આવાસ પર ગોળીબાર કર્યો
ગઇકાલે મંગળવારે સાંજે લગભગ 6.20 વાગ્યે સશસ્ત્ર બદમાશોએ ઇમ્ફાલ પશ્ચિમના એડિશનલ એસપી અમિત મયેંગબામના નિવાસસ્થાન પર હુમલો કર્યો. આ હુમલાથી ઇમ્ફાલ પશ્ચિમના વાંગખેઇ વિસ્તારમાં તણાવ સર્જાયો છે. એડિશનલ એસપીનું નિવાસસ્થાન આ વિસ્તારમાં આવેલું છે.

એડિશનલ એસપીના સુરક્ષા ગાર્ડ અને સશસ્ત્ર બદમાશ વચ્ચે ગોળીબાર થયો હતો. હુમલામાં નિવાસસ્થાનના પરિસરમાં પાર્ક કરાયેલા ચાર વાહનોને નુકસાન થયું હતું. જો કે હુમલાના ગુનેગારો અને તેની પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી. પ્રારંભિક અહેવાલો મુજબ, વિસ્તારમાં પરિસ્થિતિ તંગ છે. તેમજ સુરક્ષા દળો હાલમાં પરિસ્થિતિને સ્થિર કરવા માટે કામ કરી રહ્યા છે.

Most Popular

To Top