SURAT

ચૈત્ર નવરાત્રિ: સુરતના આ મંદિરમાં માતાજીને કરાયો અદ્દભૂત શ્રૃંગાર, પહેલાં જ દિવસે ઉમટ્યા ભક્તો

સુરત: આજે તા. 9 એપ્રિલથી ચૈત્ર મહિનાના પ્રારંભ સાથે જ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે. માતાજીના ઉપાસકો પહેલાં જ દિવસે મંદિરમાં માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા છે. શહેરના અંબિકા નિકેતન મંદિરમાં મોટી સંખ્યામાં સવારથી ભક્તો ભેગા થયા છે. મંદિરમાં માતાજીનો અદ્દભૂત શ્રૃંગાર કરવામાં આવ્યો છે, જેના દર્શન માટે ભક્તોની ભીડ ભેગી થઈ છે. માતાજીના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યાં છે. મંદિરમાં ભક્તોની સુવિધા સચવાય તે માટે ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજનો કરાયા છે.

શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં તાપી નદીના કિનારે આવેલા અંબિકા-નિકેતન મંદિરમાં ચૈત્રી નવરાત્રિના તહેવાર નિમિત્તે દર્શન માટે ભાવિક ભક્તો વહેલી સવારથી ઉમટવા લાગ્યા છે. ટ્રસ્ટ દ્વારા મંદિરમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે હવન-યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. નવ દિવસ સુધી બ્રહ્મમુહૂર્તથી જ દર્શન માટે મંદિર ખોલવામાં આવશે. ઉંમરલાયક ભક્તોની અનુકૂળતા માટે મંદિરમાં રેલિંગ મુકવામાં આવી છે. તકલીફ ન પડે તે માટે પાણી અને સ્વયંસેવકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ચૈત્ર નવરાત્રિ નિમિતે મેનેજિંગ ટ્રસ્ટી ચંદ્રિકાબેને કહ્યું કે, આજે ચૈત્ર નવરાત્રિના પહેલાં દિવસે વહેલી સવારથી માતાજીના દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના કરવામાં આવે છે. આરોગ્ય- રિદ્ધિ-સિદ્ધિની કામના માતાજી પાસે કરવામાં આવે છે. એકાદ લાખથી વધુ ભાવિકો દર્શને આવવાના છે. ત્યારે તેમના માટે વ્યવસ્થા કરવામાં આવે છે. માતાજી તેમના ભાવિકોને સારા આશિર્વાદ આપીને કલ્યાણ કરે છે.

Most Popular

To Top