National

રૂપાલા વિવાદ: ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોને દિલ્હી હાઈકમાન્ડનું તેડું

ગાંધીનગર: (Gandhinagar) રાજકોટ લોકસભા બેઠકના ભાજપના (BJP) ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાની રજવાડા વિશેની એક ટિપ્પણીના પગલે હજુયે ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ પર અડગ છે. જેના કારણે રાજયમાં ખાસ કરીને વિવિધ ગામોમાં ભાજપના નેતાઓએ પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. બીજી તરફ ગુજરાતની સ્થિતિ પર ભાજપનું હાઈકમાન્ડ સતત નજર રાખી રહ્યું છે. જેના પગલે હવે ભાજપના જ ક્ષત્રિય સમાજના આગેવાનોને દિલ્હી દરબારનું તેડું આવ્યુ છે. હવે ભાજપનું હાઈકમાન્ડ પાર્ટીના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરશે. અમદાવાદના બોપલમાં સમર્પણ બંગલોમાં જૌહર કરવાની ઈચ્છા ધરાવતી પાંચ જેટલી ક્ષત્રિયાણીઓને નજર કેદ કરાઈ હતી. આ ઉપરાંત ત્રણેક ક્ષત્રિયાણીઓ ગાંધીનગર કમલમ કાર્યાલય પહોંચી ગઈ હતી , જો કે પોલીસે તેઓને રોકીને જૌહર કરતાં અટકાવી હતી.

  • રૂપાલા વિવાદ : ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોને હાઈકમાન્ડનું તેડું આવ્યું
  • ગાંધીનગરમાં મેરેથોન ચર્ચા બાદ હવે દિલ્હીમાં પુરષોત્તમ રૂપાલાના વિવાદ અંગે મંથન કરવામાં આવશે

ભાજપનું હાઈકમાન્ડ પણ રૂપાલાને બદલવાના મૂડમાં નથી, રૂપાલા દિલ્હીથી પરત આવ્યા બાદ તેમનો પ્રચાર તેજ બનાવી દીધો છે. સામે ક્ષત્રિય સમાજ પણ માને તેમ નથી. જેના પગલે ભાજપના હાઈકમાન્ડે ડેમેજ કંન્ટ્રોલ કવાયતના ભાગરૂપે ભાજપના કેટલાક ક્ષત્રિય નેતાઓને દિલ્હીનું તેડું મોકલવામાં આવ્યું છે. આ ક્ષત્રિય નેતાઓ સાથે સામાજિક આગેવાન પણ દિલ્હી જઇ શકે છે. ગાંધીનગરમાં મેરેથોન ચર્ચા બાદ હવે દિલ્હીમાં પુરષોત્તમ રૂપાલાના વિવાદ અંગે મંથન કરવામાં આવશે. ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલા સુરત પણ પહોંચ્યા હતા એટલું જ નહીં સુરતમાં વસેલા સૌરાષ્ટ્રવાસી પાટીદાર સમાજ સહિત વિવિધ સમાજનું સમર્થન માગ્યું હતું.

રાજવી પરિવારો પણ રૂપાલાના વિરોધમાં બહાર આવ્યા
ભાજપ નેતા પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિયો મહિલાઓના વિરૂદ્ધમાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ વિરોધ શાંત નથી થઇ રહ્યો એવામાં રાજવી પરિવારો પણ રૂપાલાના વિરોધમાં બહાર આવ્યા છે. ભાવનગર અને વઢવાણ રાજવી પરિવારે પણ પુરસોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિરોધ કર્યો છે, અને ચૂંટણીમાં મતદાન થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે. વઢવાણ રાજવી પરિવારના સુધીરસિંહ ઝાલાએ આ સમગ્ર ઘટના પર આક્રોશ વ્યક્ત કર્યો છે. રૂપાલાની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે. સુધીરસિંહ ઝાલાએ આ વિરોધને યોગ્ય ગણાવ્યો છે. તેમને કહ્યું કે, આવા નિવેદનો કોઈપણ સંજોગોમાં ના ચલાવી લેવાય. મતદાન સુધી આ લડત ચાલુ રાખવા હુંકાર કર્યો છે. ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું કે, હું મારા સમાજ સાથે જ છું, આ નિવેદનથી વિરોધ થવાનો જ છે. આગેવાનો માટે સમાજ પછી પક્ષ હોવો જોઇએ. યુદ્ધભુમિમાં રાજપૂતો-મહારાજાઓએ બલિદાન આપ્યા છે.

જો કે દાંતા રાજવી પરિવારના યુવરાજ રિદ્ધિરાજસિંહે કહ્યું હતું કે રજવાડાના સમયમાં મોગલોના રાજાઓ દ્વારા 17 વખત થયેલી ભૂલોને ક્ષત્રિય રાજા પૃથ્વીરાજ સિંહએ માફ કરી હતી, તો ક્ષત્રિય સમાજે પણ પરષોત્તમ રૂપાલા દ્વારા માંગેલી બે વખતની માફીને ધ્યાને લેવી જોઈએ , વચ્ચેનો રસ્તો કાઢીને આ બાબતનો સુખદ નિવેડો લાવવો જોઈએ.

Most Popular

To Top