Charotar

ખંભાતમાં ખેતરની વાડમાં વીજપ્રવાહ પસાર કરતાં મહિલાનું મોત

વાડમાં ઈલેક્ટ્રીક ઝટકા મશીનનો વીજ પ્રવાહ વાડના લોખંડના તારમાં પસાર કરી મુક્યો હતો

(પ્રતિનિધિ) ખંભાત તા.6

ખંભાત તાલુકાના હરિપુરા આંબેખડામાં રહેતી મહિલા વીજપ્રવાહ પસાર કરેલી ખેતરની વાડને અડી જતાં કરંટ લાગ્યો હતો અને સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે માનવ વધનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ખંભાત તાલુકાના હરીપુરા આંબેખડા ગામમાં રહેતાં રમેશભાઈ પ્રતાપસિંહ પઢીયાર 15મી ફેબ્રુઆરી,2024ના રોજ બદલપુર મજુરી કામે ગયાં હતાં. મોડી સાંજના તેમના દીકરા ભાવિનનો ફોન આવ્યો હતો અને તાત્કાલિક ઘરે આવી જવા જણાવતાં રમેશભાઈ બદલપુરથી તુરંત ઘરે પહોંચ્યાં હતાં. તેઓ ઘરે પહોંચ્યાં તે સમયે જાણવા મળ્યું હતું કે, ભાવિન બાજુના ખેતરમાં પાણી વાળતો હતો. તેને બોલાવવા રમેશભાઈની પત્ની રેખાબહેન જતી હતી. સાંજના સાડા પાંચ વાગ્યાના સમયે પાણીની પાળ પર ખેતર પાડોશી અમરસિંહ નાથુભાઈ પઢીયાર પોતાના ખેતરમાં જાર (ઘાસચારો) કર્યો હતો. તેની સાચવણી માટે ખેતર ફરતે લાકડાના ડંડા  રોપી લોખંડના તાર બાંધી ઝટકા મશીન મારફતે વીજ કરંટ પસાર કર્યો હતો. આ વાયરને રેખાબહેન અડી જતાં તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો અને સ્થળ પર જ બેભાન થઇ ગયાં હતાં. આથી, તેમને તાત્કાલિક સારવાર માટે ખંભાતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યાં હતાં.

આ બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે પ્રથમ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ તપાસના અંતે અમરસિંહ નાથુભાઇ પઢીયારે ખેતરમાં ઇલેક્ટ્રીક ઝટકા મશીનનો વીજ પ્રવાહ ખેતરની વાડના તારમાં પસાર કરવાથી રેખાબહેનનું મોત થયું હતું. આમ, અમરસિંહની બેદરકારી છતી થતાં ખંભાત ગ્રામ્ય પોલીસે અમરસિંહ સામે માનવ વધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top