Business

લોકસભા ચૂંટણી પહેલાં રિઝર્વ બેન્ક તરફથી આવ્યા સારા સમાચાર, લોકોને થશે આ ફાયદો

નવી દિલ્હી(NewDelhi): લોકસભા ચૂંટણી 2024 (LoksabhaElection2024) પહેલાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી સારા સમાચાર સાંપડ્યા છે. રિઝર્વ બેન્કના ગર્વનર શક્તિકાંત દાસે (ShakitKant Das) આજે શુક્રવારે તા. 5 એપ્રિલના રોજ નાણાંકીય વર્ષ 2024-25ની પહેલી નાણાકીય નીતિની (Financial Policy) જાહેરાત કરી છે.

આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બે દિવસીય સમીક્ષા બેઠક બાદ આજે ગર્વનરે રેપો રેટ 6.5 ટકાના દર પર યથાવત રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેથી હવે લોકો પર ઈએમઆઈનો બોજો વધશે નહીં.

લગભગ એક વર્ષથી રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ફેબ્રુઆરી 2023 પછી વ્યાજ દર 6.5% પર યથાવત છે. આ સતત સાતમી વખત છે જ્યારે મોનેટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે સમિતિના 6માંથી 5 સભ્યોએ રેપો રેટને આ સ્તરે સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે, તા. 3 એપ્રિલથી રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીની બેઠક શરૂ થઈ હતી. આ બેઠક દરમિયાન ગર્વનરે ભારતીય અર્થતંત્રના વિકાસ અંગે સકારાત્મક સંકેતો આપ્યા હતા. પોલિસી વ્યાજ દરોની જાહેરાત કરતી વખતે રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્ર વધુ સારું છે. ગ્રામીણ માંગમાં સુધારાને કારણે FY25માં અર્થતંત્ર વધુ સારું રહેવાની ધારણા છે. જીડીપી વૃદ્ધિના અનુમાન પર તેમણે કહ્યું કે આ નાણાકીય વર્ષમાં વૃદ્ધિ દર 7% રહેવાની અપેક્ષા છે. આ ઉપરાંત આગામી ત્રિમાસિક ગાળા માટે ફુગાવાના અંદાજિત દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ગ્રામીણ માંગ વેગ પકડી રહી છે અને ઉત્પાદન ક્ષેત્રે સતત વૃદ્ધિને કારણે ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવું જોઈએ. જો કે, તેમણે ઉમેર્યું હતું કે ભૌગોલિક રાજકીય તણાવ અને વૈશ્વિક વેપાર માર્ગોમાં વિક્ષેપ આવી શકે છે. કેટલીક સમસ્યાઓનું કારણ બને છે.

જીડીપી વૃદ્ધિનો અંદાજ શું છે?
દાસે કહ્યું કે 2024-25માં દેશના જીડીપીનો વાસ્તવિક વિકાસ દર 7 ટકા રહેવાનો અંદાજ છે. જૂન ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર 7 ટકા અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.9 ટકા રહેવાનો અંદાજ છે. ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં અર્થતંત્ર સાત ટકાના દરે વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે.

  • Q1FY25 માટે GDP વૃદ્ધિનો અંદાજ 7.2% થી ઘટીને 7.1%
  • Q2FY25 માટે GDP વૃદ્ધિ અંદાજ 6.8% થી વધીને 6.9%
  • Q3FY25 માટે GDP વૃદ્ધિ અંદાજ 7% પર યથાવત
  • Q4FY25 માટે GDP વૃદ્ધિ અંદાજ 6.9% થી વધીને 7%

મોંઘવારી અંગે શું અનુમાન છે?
ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આરબીઆઈ મોંઘવારી દરને લઈને સાવધ છે. મોંઘવારી દર લક્ષ્યની નજીક પહોંચી ગયો છે, પરંતુ ખાદ્યપદાર્થોના ભાવમાં અનિશ્ચિતતાના કારણે મોંઘવારી પર ચિંતા છે. નિશ્ચિત રોકાણ અને વૈશ્વિક વાતાવરણને કારણે સ્થાનિક અર્થતંત્રને સમર્થન મળી રહ્યું છે.

  • FY25 CPI અંદાજ 4.5% પર જાળવી રાખ્યો
  • Q4FY25 CPI અંદાજ 4.7% થી ઘટાડીને 4.5%
  • Q1FY25 CPI અંદાજ 5% ઘટાડીને 4.9%
  • Q2FY25 CPI અંદાજ 4% થી ઘટાડીને 3.8%

Most Popular

To Top