National

PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર: કહ્યું- ‘કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ’

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના (Lok Sabha Election) પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે સહારનપુરમાં (Saharanpur) મતદાન (Voting) થવાનુ છે. ત્યારે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ, સપા અને ભારત ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા છે. એક રેલી દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસના મેનિફેસ્ટોને “મુસ્લિમ લીગની છાપ” ધરાવતો ગણાવ્યો હતો.

પોતાના પ્રહારોને વધુ તીવ્ર બનાવતા પીએમ મોદીએ કહ્યું કે આજની કોંગ્રેસ ભારતને 21મી સદીમાં આગળ લઈ જઈ શકતી નથી. કોંગ્રેસનો મેનિફેસ્ટો જ કોંગ્રેસ પાર્ટીના વિચારને પ્રતિબિંબિત કરે છે જે આઝાદી સમયે મુસ્લિમ લીગની હતી. કોંગ્રેસ દ્વારા જે પ્રકારનો મેનિફેસ્ટો જારી કરવામાં આવ્યો છે તે સાબિત કરે છે કે આજની કોંગ્રેસ ભારતની આકાંક્ષાઓથી દૂર છે.

વડાપ્રધાને કહ્યું કે તમે મારું કામ જોયું છે. મારી દરેક ક્ષણ દેશના નામે છે. તમારું સ્વપ્ન મોદીનો સંકલ્પ છે. અમે ભ્રષ્ટાચાર પર જે હુમલો કરી રહ્યા છીએ તે તમારા સારા ભવિષ્ય માટે છે. ભ્રષ્ટાચાર ગરીબોના સપના તોડે છે અને તમને લૂંટે છે. તેમજ “તમારા પુત્ર-પુત્રીઓને બચાવવા માટે હું આટલા બધા અત્યાચારોનો સામનો કરી રહ્યો છું.”

‘2014માં દેશ ભારે નિરાશામાં હતો’
પીએમ મોદીએ કહ્યું કે 2014ના એ દિવસોને યાદ કરો જ્યારે દેશ ભારે નિરાશા અને સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે મેં તમને બાંહેધરી આપી હતી કે હું દેશને ઝૂકવા નહીં દઉં, દેશને અટકવા નહીં દઉં. મેં સંકલ્પ કર્યો હતો કે તમારા આશીર્વાદથી હું દરેક શહેર બદલીશ. હું દરેક પરિસ્થિતિ બદલીશ, હું નિરાશાને આશામાં બદલીશ, હું આશાને વિશ્વાસમાં બદલીશ. તમે તમારા આશીર્વાદમાં કોઈ કસર છોડી નથી અને મોદીએ પોતાની મહેનતમાં કોઈ કસર છોડી નથી. મોદીએ કહ્યું કે વિશ્વમાં ભારતનું ગૌરવ મોદીના કારણે નહીં પરંતુ 140 કરોડ દેશવાસીઓના મતની શક્તિના કારણે ગૂંજી રહ્યું છે.

‘INDIA એલાયન્સને માત્ર કમિશનમાં જ રસ છે’
પીએમ મોદીએ કહ્યું કે ગરીબ કલ્યાણ એ ભાજપ માટે માત્ર ચૂંટણીની જાહેરાત નથી પરંતુ અમારું મિશન છે. કોંગ્રેસ જે નથી કરી શકી તે બે દાયકામાં ભાજપે કરી બતાવ્યું છે. વર્ષો સુધી કોંગ્રેસ સત્તામાં હતી, તેણે કમિશનને પ્રાથમિકતા આપી. INDIA એલાયન્સ માત્ર કમિશન માટે છે અને એનડીએ મોદી સરકારના મિશન માટે છે.

‘માતા-પિતા ચિંતિત હતા કે તેમના જમાઈ ટ્રિપલ તલાક આપી શકે છે’
સહારનપુર સંબોધન દરમીયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે અહીં (સહારનપુર) મોટી સંખ્યામાં મુસ્લિમ વસ્તી છે. તેથી પીએમ મોદીએ ટ્રિપલ તલાક નાબૂદ કરવાના તેમની સરકારના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે મુસ્લિમ દીકરીઓ કોઈની બહેન છે તો કોઈની દીકરી છે.

સારી રીતે લગ્ન કરાવ્યા પછી પણ માતા-પિતાને ચિંતા હતી કે જમાઈ ગુસ્સે થઈને ટ્રિપલ તલાક આપી શકે છે. તેમજ ટ્રિપલ તલાકની દુષ્ટ પ્રથાની નાબુદીએ માત્ર મુસ્લિમ દીકરીઓનું ભવિષ્ય જ નહીં પરંતુ સમગ્ર પરિવારને પણ બચાવ્યો છે. તેમજ આ નિર્ણય માટે મુસ્લિમ દીકરીઓ મોદીને સદીઓ સુધી આશીર્વાદ આપતી રહેશે.

Most Popular

To Top