National

UP: ‘મદરેસા એજ્યુકેશન એક્ટ 2004’ને ગેરબંધારણીય જાહેર કરતા હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમનો સ્ટે

સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઉત્તર પ્રદેશના 17 લાખ મદરેસા વિદ્યાર્થીઓને (Madrassa Students) મોટી રાહત આપતા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવી દીધો છે. અલ્હાબાદ હાઈકોર્ટે 22 માર્ચે આપેલા પોતાના આદેશમાં ‘યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004’ને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટનું નિવેદન કે મદરસા બોર્ડ બંધારણના ધર્મનિરપેક્ષ સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે તે યોગ્ય નથી.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે આ મામલે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારને પણ નોટિસ પાઠવી છે. આ બેન્ચમાં ચીફ જસ્ટિસ ઉપરાંત જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા પણ સામેલ છે. અંશુમાન સિંહ રાઠોડ નામના વકીલે યુપી મદરસા કાયદાની બંધારણીયતાને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી હતી જેના પર હાઈકોર્ટે મદરસા કાયદાને ગેરબંધારણીય ગણાવીને હટાવી દીધો હતો. 22 માર્ચે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે રાજ્ય સરકારને રાજ્યના મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં સામેલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

જસ્ટિસ વિવેક ચૌધરી અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની બનેલી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પોતાના આદેશમાં કહ્યું હતું કે સરકાર પાસે ધાર્મિક શિક્ષણ માટે બોર્ડની રચના કરવાની કે કોઈ વિશેષ ધર્મ માટે શાળા શિક્ષણ બોર્ડની સ્થાપના કરવાની સત્તા નથી. આમ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના 17 લાખ મદરેસા વિદ્યાર્થીઓને મોટી રાહત આપતા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે લગાવી દીધો છે.

Most Popular

To Top