Gujarat

રૂપાલાના સમર્થનમાં પાટીદારો આગળ આવ્યા, રાજકોટમાં બેઠકનું આયોજન

રાજકોટ: રાજપૂત સમાજની બહેન દીકરીઓ માટે અપમાનજક ટીપ્પણી કરી પરસોત્તમ રૂપાલા બરોબરના ફસાયા છે. રાજ્યનો ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી રહ્યાં છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલા વિરુદ્ધ રાજપૂત સમાજના રોષને શાંત પાડવા ગુજરાતના ભાજપના અગ્રણી નેતાઓએ પ્રયાસ કર્યા પરંતુ કોઈ સફળતા મળી નથી.

અમદાવાદમાં તા. 3 એપ્રિલે ભાજપ અને રાજપૂત સમાજની કોર કમિટી વચ્ચે મળેલી મિટિંગ પણ નિષ્ફળ રહી છે. હવે મામલો હાઈકમાન્ડ દિલ્હી પહોંચ્યો છે. ત્યારે હવે પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં આગળ આવતા રાજ્યનું રાજકારણ રૂપાલાને લઈ ગરમાયું છે.

પરસોત્તમ રુપાલા અને રાજપૂત સમાજ વચ્ચે ચાલી રહેલાં વિવાદમાં હવે પાટીદારોએ ઝંપલાવ્યું છે. રાજકોટ, સુરત સહિત રાજ્યના અનેક ઠેકાણે પાટીદારો રૂપાલાના સમર્થનમાં સન્માન સમારોહ યોજવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે ત્યારે રાજકોટમાં પણ રૂપાલાના સમર્થનમાં એક બેઠકનું આયોજન થવા જઈ રહ્યું છે. આજે તા. 4 એપ્રિલની સાંજે રાજકોટમાં પાટીદારોની ચિંતન બેઠક મળશે, જેમાં કડવા અને લેઉવા પાટીદારો ભેગા થશે. પાટીદાર સંસ્થાના ટ્રસ્ટી અને નેતાઓને આ બેઠકમાં સામેલ થવા આમંત્રણો મોકલાયા છે.

સૌરાષ્ટ્ર એસપીજી દ્વારા આ બેઠકનું આયોજન કરાયું છે, તે જોતાં રૂપાલાના સમર્થનમાં એસપીજી મેદાને પડ્યું હોવાનું ચિત્ર ઉભું થયું છે. સૌરાષ્ટ્ર એસપીજીના અધ્યક્ષ કલ્પેશ ટાંકે સોશિયલ મીડિયામાં રૂપાલાના સમર્થનમાં પોસ્ટ કરી છે. માફી માંગવા છતા ક્ષત્રિય સમાજ વિરોધ કરતું હોવાથી એસપીજી મેદાને પડ્યું છે. સૌરાષ્ટ્ર એસપીજીના અધ્યક્ષ કલ્પેશ ટાંકે કહ્યું કે, રાજપૂત સમાજે હવે રૂપાલાને માફી આપવી જોઈએ. રૂપાલાને અમે તમામ સહયોગ આપીશું.

ટિકિટ રદ ન થાય તેવા પ્રયાસ કરીશું. એસપીજી ગ્રુપે કહ્યું કે ક્ષત્રિય સમાજનો રોષ રાજકીય રંગ આપી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. પરસોતમ રૂપાલાને તમામ રીતે સહયોગ આપી SPG મદદ કરશે. ક્ષત્રિય સમાજના આગેવાન અને પાટીદાર વચ્ચેની ઓડિયો બાબતે પોલીસમાં અરજી કરશે.

આ મામલે રાજકોટ પાટીદાર આગેવાન લલિત વસોયાએ ફેસબુક પર વીડિયો શેર કરી જણાવ્યું હતું કે ગુજરાતનો ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજની સામે નહી પરંતુ રૂપાલા સામે લડી રહ્યા છે. કેટલાક લોકો બને જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય પૈદા થાય તે પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે.

Most Popular

To Top