Dakshin Gujarat

વાલિયાની ગણેશ સુગરમાં શેરડીના ભાવો તદ્દન ઓછા પડતાં સભાસદો આકરા પાણીએ

ભરૂચ: (Bharuch) ચાલુ વર્ષે વાલિયાના વટારિયાની ગણેશ સુગરના (Ganesh Sugar) ૬૬ હજાર ખાંડના દાગીના ઓછા બનતાં એક દાગીના રૂ.૩૦૦૦ના ભાવ પ્રમાણે કુલ ૧૯.૮૦ કરોડ રૂપિયાનું નુકસાન સભાસદોને ગયું છે. ત્યારે શેરડીના (Sugarcane) ભાવો ઓછા પાડીને સભાસદોનાં ગજવાં ખાલી કરી દીધાં હોવાનો આક્ષેપ થયો છે. શેરડીના ભાવો પાડ્યા બાદ મંગળવારે ગણેશ સુગર ફેક્ટરીમાં કિશાન સંઘ-નારાજ ખેડૂતો આકરાપાણીએ જોવા મળ્યા હતા. અને શેરડીના ભાવમાં સુધારો ન થાય તો કસ્ટોડિયન કમિટી અને ઇનચાર્જ એમ.ડી.ના રાજીનામાની જલદ માંગ કરી છે.

  • વાલિયાની ગણેશ સુગરમાં શેરડીના ભાવો તદ્દન ઓછા પડતાં સભાસદો આકરા પાણીએ
  • શેરડીનો ભાવમાં સુધારો ન કરો તો કસ્ટોડીયન કમિટી અને ઇનચાર્જ એમ.ડી.એ રાજીનામું ધરી દેવા માંગ
  • સભાસદો પોતાની રજૂઆત કરી ગયા, કસ્ટોડિયન કમિટીની ઉપસ્થિતિમાં હિસાબ જોવો હોય તો જોઈ શકે છે: અમરસિંહ રણા

ગણેશ સુગરનો દક્ષિણ ગુજરાતમાં છેલ્લેથી બીજા નંબરે શેરડીનો ભાવ પડતાં સભાસદો રઘવાયા બની ગયા છે. મંગળવારે કિશાન સંઘ લેટર હેડ લઈ વિભાગીય પ્રમુખ નટવરસિંહ સોલંકી, દેવુભા કાઠી, વિજય વસાવા સહિતના સભાસદો સાથે ગણેશ સુગરના કસ્ટોડિયન કમિટીને મળવા માટે પહોંચ્યા હતા. એ વખતે માત્ર કસ્ટોડિયન કમિટીના માત્ર નીલેશભાઈ પટેલ સહિત વહીવટી સ્ટાફને મળી ખેડૂતોની વેદના વ્યક્ત કરી હતી. સાથે જ લેખિતમાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, છેલ્લાં ૩ વર્ષ અગાઉના વહીવટકર્તાના અણઘડ વહીવટને કારણે સભાસદોએ નુકસાન વેઠ્યું એ જગજાહેર છે. ત્યારબાદ કસ્ટોડિયન કમિટી બેસાડતા સારો વહીવટ થાય એ સૌને આશા હતી. જો કે, આ ચાલુ વર્ષે દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગે સુગરોએ ગયા વર્ષની સરખામણીમાં શેરડીના ટન દીઠ લગભગ રૂ.૧૦૦થી લઈને ૨૦૦નો વધારે ચૂકવ્યા છે. જ્યારે કમનસીબે માત્ર ગણેશ સુગરે ગયા વર્ષ કરતાં ટનદીઠ રૂ.૫૦ ઓછા આપીને ખેડૂતો પર નિરાશા જન્માવી દીધી છે.

વધુમાં લેખિતમાં જણાવ્યું હતું કે, કસ્ટોડિયન કમિટી ગામેગામ જઈ પારદર્શક વહીવટનાં બણગાં ફૂંક્યાં હતાં. બળદગાડા, હાર્વેસ્ટર, મજૂરો વધુ હોવાથી આ વખતે માત્ર ૧૩૦૦૦ ટન શેરડીનું પીલાણ કર્યું છે. જેને લઈ સભાસદોના માથે ૪-૫ કરોડ રૂપિયાનો બોજો પડ્યો છે. આ વખતે વર્ષ-૨૦૨૩-૨૦૨૪ની સિઝનમાં શેરડીના ભાવો પર વિચારણા કરી તેમાં વધારો કરવા માટે માંગ કરી છે. જો ભાવમાં કોઈ ફેરફાર ન કરવા માંગતા હોય તો કસ્ટોડિયન કમિટી તેમજ ઇનચાર્જ મેનેજિંગ ડિરેક્ટરે રાજીનામું ધરી દેવા માંગ કરી છે. આ મુદ્દે ગણેશ સુગરના ઇનચાર્જ એમ.ડી.અમરસિંહ રણાએ જણાવ્યું હતું કે, સુગરના સભાસદો પોતાની રજૂઆત કરી ગયા છે. સભાસદો કસ્ટોડિયન કમિટીની ઉપસ્થિતિમાં હિસાબ જોવો હોય તો જોઈ શકે છે.

Most Popular

To Top