Business

ભારતીય અર્થતંત્ર માટે ખુશખબર, આ સેક્ટરનો ગ્રોથ 13 વર્ષની ટોચ પર પહોંચ્યો

નવી દિલ્હી: મેન્યુફેક્ચરિંગ પરચેઝ મેનેજમેન્ટ ઈન્ડેક્સ (PMI)ના મજબૂત ડેટા બાદ માર્ચમાં સર્વિસ સેક્ટરની (Service Sector) વૃદ્ધિએ પણ ભારતીય અર્થતંત્રને (Indian Economy) ખુશ થવાનું કારણ આપ્યું છે. ભારતના સેવા ક્ષેત્રની વૃદ્ધિ માર્ચમાં સાડા 13 વર્ષમાં તેના સર્વોચ્ચ સ્તરે નોંધાઈ છે. ભારતમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ મજબૂત માંગના પગલે માર્ચમાં 13.5 વર્ષમાં તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી હતી. આ માહિતી માસિક સર્વેમાં આપવામાં આવી છે. 

HSBC ઇન્ડિયા ભારત સર્વિસીસ PMI બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ માર્ચમાં 61.2 પર પહોંચ્યો હતો. ફેબ્રુઆરીમાં તે 60.6 પર હતો. પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI)ની ભાષામાં 50થી ઉપરનો સ્કોર એટલે પ્રવૃત્તિઓમાં વિસ્તરણ અને 50થી નીચેનો સ્કોર એટલે સંકોચન દર્શાવે છે.

મજબૂત માંગને કારણે ઝડપી વૃદ્ધિ
એસએન્ડપી ગ્લોબલ દ્વારા સર્વે સેવા ક્ષેત્રની લગભગ 400 કંપનીઓને મોકલવામાં આવેલા પ્રશ્નોના જવાબોના આધારે HSBC ઇન્ડિયા સર્વિસ PMI તૈયાર કરવામાં આવી છે. HSBCના અર્થશાસ્ત્રી ઈનેસ લેમે જણાવ્યું હતું કે, “ભારતની સેવાઓ પીએમઆઈ ફેબ્રુઆરીમાં થોડા ઘટાડા પછી માર્ચમાં વધ્યો હતો. કારણ કે વેચાણ અને વ્યવસાયિક પ્રવૃત્તિમાં તેજી આવી હતી.

સર્વિસ પ્રોવાઈડર્સે ઓગસ્ટ 2023 થી ઉત્પાદન ક્ષમતા વધારવાની યોજના બનાવી છે. ભરતીમાં વધારો થયો છે. જે સૌથી ઝડપી ગતિ દર્શાવે છે. સરવે અનુસાર રોજગારમાં તાજેતરનો વધારો નવેમ્બર 2022 પછીનો સંયુક્ત સૌથી મજબૂત વધારો છે. દરમિયાન ફેબ્રુઆરીના HSBC ઇન્ડિયા કમ્પોઝિટ PMI આઉટપુટ ઇન્ડેક્સ 60.6 થી વધીને 61.8 થયો છે. જે પાછલા 13 વર્ષમાં બીજો સૌથી મજબૂત ઉછાળો દર્શાવે છે.

મેન્યુફેક્ચરિંગ પીએમઆઈએ પણ રેકોર્ડ બનાવ્યો છે
દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરે FY24માં જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે. માર્ચ મહિનામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ 16 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે નોંધાયો છે. PMI 2008 પછી પ્રથમ વખત 59 ની ઉપર પહોંચ્યો છે. ઉત્પાદનમાં મજબૂત વૃદ્ધિ અને નવા કોન્ટ્રાક્ટના કારણે માર્ચમાં ભારતના ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિ 16 વર્ષમાં તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી છે. સીઝનલી એડજસ્ટેડ ‘HSBC ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ’ (PMI) ફેબ્રુઆરીમાં 56.9 થી વધીને માર્ચમાં 59.1 થયો. માર્ચમાં સતત 33મા મહિને મેન્યુફેક્ચરિંગ આઉટપુટ વધ્યું હતું. ઓક્ટોબર 2020 પછી આ સૌથી વધુ વધારો છે.

Most Popular

To Top