National

‘તારા ટુકડા ટુકડા…’, કન્નૌજમાં SP નેતાએ અખિલેશ યાદવ સામે BJP સાંસદને ધમકી આપી, FIR

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ને (Lok Sabha Election 2024) ધ્યાનમાં રાખીને સપા પ્રમુખ અખિલેશ યાદવ (Akhilesh Yadav) કન્નૌજ પહોંચ્યા છે. અહીં તેમણે જનસભાને સંબોધી હતી. પરંતુ આ દરમિયાન મંચ પરથી સપાના એક નેતાએ કન્નૌજના બીજેપી (BJP) સાંસદ સુબ્રત પાઠક પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે સ્થાનિક સપા નેતા મનોજ દીક્ષિત ઉર્ફે નંકુ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ ઘટના ગઇકાલે 2 એપ્રિલે બની હતી જ્યારે અખિલેશ યાદવ કન્નૌજ પહોંચ્યા હતા. તેમણે મંચ પરથી સપાના કાર્યકરો અને સમર્થકોને સંબોધિત કરવાના હતા. આ પહેલા સ્થાનિક નેતાઓ ભાષણ આપી રહ્યા હતા. જેમાં સપાના નેતા મનોજ દીક્ષિત ઉર્ફે નંકુ પણ સામેલ હતા. પરંતુ અખિલેશ યાદવની સામે ભાષણ આપતી વખતે તેમની જીભ બેલગામ બની ગઈ અને તેમણે ભાજપના સાંસદ સુબ્રત પાઠક પર વિવાદાસ્પદ નિવેદન કરી દીધુ હતું.

મનોજ દીક્ષિતે કન્નૌજના ભાજપના સાંસદ અને ઉમેદવાર સુબ્રત પાઠક સાથે દુર્વ્યવહાર કર્યો અને તેના ટુકડા કરી નાખવાની ધમકી આપી હતી. મંચ પરથી બોલતા સપાના નેતાએ કહ્યું, “બ્રાહ્મણ સમુદાયનો ડર છે કે જો તેઓ ખુલ્લેઆમ મતદાન કરશે તો તેમની સામે કેસ નોંધવામાં આવી શકે છે.

હું મારા બ્રાહ્મણ સમાજને કહેવા માંગુ છું કે તમે એકલા નથી, આ મનોજ દીક્ષિત તમારી સાથે છે. ઘરની બહાર નીકળો અને દારૂડિયા સાંસદ પાસેથી બદલો લો. તેઓ સાંજે 7 વાગ્યા પછી બધું ભૂલી જાય છે. હું મારી માતાના સોગંદ ખાઉં છું કે જો હું તમારા ટુકડા ટુકડા નહીં કરું તો મનોજ દીક્ષિત મારું નામ નથી. જો વોટોના પણ ટુકડા ન કરાવુ તો મને કહેજો… તમારા જામીન પણ બચશે નહીં.”

સપા નેતા વિરુદ્ધ FIR દાખલ
પોલીસના જણાવ્યા અનુસાર કન્નૌજના સાંસદ સુબ્રત પાઠક વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરીને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ સમાજવાદી પાર્ટીના સ્થાનિક નેતા મનોજ દીક્ષિત વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. તેમજ મનોજ દીક્ષિતે મંગળવારે પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવની હાજરીમાં બીજેપી સાંસદ વિરુદ્ધ કથિત રીતે અભદ્ર અને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

કન્નૌજ પોલીસે જણાવ્યું કે ચૂંટણી પંચની વીડિયો સર્વેલન્સ ટીમની ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે. ટીમે આ મામલે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને ફરિયાદ આપી હતી. જેમણે પોલીસને આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન માટે એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.

Most Popular

To Top