National

દિલ્લીથી પરત ફરતા પુરષોત્તમ રૂપાલાએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- મને તેઓનું સમર્થન છે..

ક્ષત્રિય સમાજ (Shatriya Samaaj) વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરી રહેલા પુરષોત્તમ રૂપાલાએ (Purshottam Rupala) દિલ્હી પરત ફરતાં જ મોટું નિવેદન આપ્યું છે. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું કે મને તમામ સમાજનું અને ક્ષત્રિય સમાજના અનેક નેતાઓનું પણ સમર્થન છે. હું કેબિનેટની બેઠક માટે દિલ્લી ગયો હતો. ક્ષત્રિય સમાજની અમારા આગેવાનો સાથે ચર્ચા થઇ છે. ક્ષત્રિય સમાજ વિશે હવે મારે કંઈ કહેવું નથી. 

રાજકોટથી ભાજપના ઉમેદવાર રૂપાલાએ દિલ્લીથી પરત ફરી મીડિયાને જણાવ્યું હતું કે કેબિનેટની બેઠક માટે દિલ્લી ગયો હતો. તેમણે કહ્યું કે તમામ સમાજનું મને સમર્થન છે. આ સાથે તેમણે ઉમેર્યું કે ક્ષત્રિય સમાજ મુદ્દે હવે મારે કંઈ કહેવું નથી, વિવાદમાં આગ હોમવાનો મારો કોઈ આશય નથીઃ આ સાથે તેમણે આ મુદ્દાને વધુ હવા ન આપવા મીડિયાને પણ જણાવ્યું હતું.

જણાવી દઈએ કે આ મોટા વિવાદ વચ્ચે રૂપાલાને પાટીદાર સમાજનું સમર્થન મળી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. 7 એપ્રિલે  સુરતમાં પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહ મિલનમાં પાટીદાર સહિતના સૌરાષ્ટ્રવાસીઓને ઉપસ્થિત આહવાન આપવામાં આવ્યું છે. બીજી તરફ પુરષોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે વડોદરામાં પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં જોવા મળી રહ્યો છે. જેને લઈ હવે વડોદરાના સમા વિસ્તારમાં પાટીદારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજની બેઠક મળશે. બેઠકમાં સૌરાષ્ટ્રની પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજકોટમાં આજે મોડી સાંજે કડવા અને લેઉવા પાટીદારની સંયુક્ત બેઠક યોજાશે.

જણાવી દઈએ કે રૂપાલાએ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતા ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. આ નિવેદનને લઇને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ છે અને સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જો કે આ નિવેદનને લઇને તેઓ માફી પણ માગી ચૂક્યાં છે. બીજી તરફ ચૂંટણી પંચે આ સમગ્ર મામલે પુરષોતમ રૂપાલાને ક્લિન ચીટ આપી છે.        

Most Popular

To Top