Vadodara

વડોદરા: જમવામાં ફરી નીકળી ઈયળ, વિદ્યાર્થિનીએ બતાવી તો કોન્ટ્રાક્ટરે કચરામાં ફેંકી દીધી

સમરસ હોસ્ટેલની એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે : વોર્ડન

વડોદરા: સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં સતત બીજા દિવસે વિદ્યાર્થિનીના જમવામાં ઈયળ નીકળી હતી. જેને કોન્ટ્રાક્ટરને બતાવતા તેણે લઈ કચરામાં નાખી દીધી હતી. જોકે આ મામલે એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ સાથે વોર્ડનને રજૂઆત કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી હતી.

પોલિટેકનિક ની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ જમવાની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા હતા તેમજ પાણી પ્રશ્ને પણ વિરોધ દર્શાવ્યો હતો. ગતરોજ હોબાળો મચાવી વિદ્યાર્થિનીઓની મેનેજમેન્ટને રજૂઆત બાદ પણ કોન્ટ્રાકટરની મનમાની સામે આવી છે. બીજા દિવસે સવારે આજે વિદ્યાર્થિનીના જમવામાં ઈયળ નીકળતા તેણીએ કોન્ટ્રાકટરને ઈયળ બતાવતા તેણે તુરંત લઈ કચરામાં ફેંકી દીધી હતી. અને બીજી થાળી લઈ લેવા જણાવ્યું હતું. જોકે કોન્ટ્રાક્ટરની મનમાની સામે વિદ્યાર્થિનીએ વિરોધ કર્યો હતો. ત્યારે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈને સાથે રાખી વિદ્યાર્થિનીઓએ ઉગ્ર સુત્રોચાર પોકારી ફરીથી વોર્ડનને રજૂઆત કરી હતી. તેમજ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી હતી. જ્યારે આ અંગે વોર્ડને જણાવ્યું હતું કે આ બિલકુલ યોગ્ય નથી, કોઈપણ વિદ્યાર્થિનીના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં નહિ આવે, જરૂર પડ્યે એજન્સીને બ્લેકલીસ્ટ કરવાની પુરી કાર્યવાહી કરવામાં આવશે.

એનએસયુઆઈ પ્રમખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે વોર્ડનને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે જે પણ કોન્ટ્રાકટર હોય એ વિદ્યાર્થિનીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો છે. એ ચલાવી લેવામાં નહિ આવે તેને તાત્કાલિક ધોરણે બ્લેકલીસ્ટ કરવા જોઈએ. અને આગળથી તમે જેને પણ કોન્ટ્રાકટ આપો તો તે કઈ રીતનું વિદ્યાર્થિનીઓને જમવાનું આપવાના છે તેનું એક જાહેરનામું બહાર પાડે ત્યાર પછી કોન્ટ્રાકટ આપવો જોઈએ. જેથી કરીને આવી રીતે વિદ્યાર્થીઓ સાથે ન થાય. જે બી કોન્ટ્રાકટર હોય આમાં, પણ પૈસાનો ખેલ થતો હોય એમ લાગે છે. કારણકે જ્યારે બતાવાની વસ્તુ હોય ત્યારે બતાવશે આ , જ્યારે વાપરવાની વસ્તુ હોય ત્યારે એની ગુણવત્તા એની ઘટી જાય છે. એટલે આ વસ્તુ પર જે પણ અહીં વોર્ડન હોય જે પણ કમિટી હોય તેણે ધ્યાન રાખવું જોઈએ. કારણકે જ્યારે કોઈ વોર્ડનની કે કોઈ અધિકારીની જ વિદ્યાર્થિની ભણતી હોઈ અને ત્યારે જમવામાંથી કોઈ વસ્તુ નીકળે ત્યારે ખરેખર આ ખૂબ શરમજનક બાબત કહેવાય. આ સ્વાસ્થ્ય સાથે ચેડાં છે એટલે એન.એસ.યુ.આઈ દ્વારા આવેદનપત્ર આપ્યું છે. અને જે પણ કોન્ટ્રાકટરને કોન્ટ્રાકટ આપે તેની તપાસ કરીને આપે તેવી માંગ છે.

Most Popular

To Top