SURAT

રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે ક્ષત્રિય મહિલાઓએ સુરત કલેક્ટર કચેરી ગજવી

સુરત(Surat): આગામી લોકસભાની ચુંટણી (Loksabha Election) પૂર્વે રાજકોટ (Rajkot) બેઠક પર ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિરૂદ્ધ રાજપુત (Rajput) સમાજનો વિરોધ હવે સુરત સુધી પહોંચી ચુક્યો છે.

  • પુરૂષોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિવાદ સુરત પહોંચ્યો
  • રૂપાલાની ટિકીટ રદ્દ નહીં થાય તો ભાજપ વિરૂદ્ધ મતદાનની ચીમકી
  • વિવિધ ક્ષત્રિય સમાજના આગેવાનો – મહિલાઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન

આજે સુરતમાં અલગ – અલગ ક્ષત્રિય સમાજો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં પુરૂષોત્તમ રૂપાલા દ્વારા સમાજની લાગણી દુભાવવામાં આવી હોવાનું જણાવવાની સાથે તેમની ઉમેદવારી રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠક પરથી લોકસભાની ચુંટણીના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને પગલે રાજપુત સમાજમાં ભારેલો અગ્નિ ઠરવાનું નામ લેતો નથી. પુરૂષોત્તમ રૂપાલા દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણી અંગે જાહેરમાં માફી માંગવા છતાં રાજપુત સમાજ તેમને માફી આપવાના મુડમાં હોય તેમ જણાઈ રહ્યું નથી.

રાજ્યભરમાં અલગ – અલગ ગામોમાં પણ રાજપુત સમાજ દ્વારા પુરૂષોત્તમ રૂપાલા વિરૂદ્ધ પોસ્ટર વોર શરૂ થઈ ચુક્યું છે ત્યારે આજે સુરતમાં વસતાં કચ્છ – કાઠિયાવાડ અને સુરેન્દ્રનગર સહિતની રાજપુત સમાજની મહિલાઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને તેમની ઉમેદવાર રદ્દ કરવા અંગેની રજુઆત કરી હતી.

જિલ્લા કલેકટર કચેરીએ પહોંચેલા રાજપુત સમાજના આગેવાનો અને મહિલાઓએ એકસુરમાં પુરૂષોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, રૂપાલાએ કાર્યક્રમ દરમિયાન રાજા-રજવાડા વિશે કોમી ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો હતો. બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી ભાષાનો ઉપયોગ કરી રાજ્યમાં શાંતિ ડહોળવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો તેમના વિરૂદ્ધ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ભારતીય જનતા પાર્ટીને વફાદાર રહેલી ક્ષત્રિય સમાજની બહેન – દિકરીઓ માટે કરવામાં આવેલી ટિપ્પણીથી ક્રોધે ભરાયેલો છે અને જ્યાં સુધી પુરૂષોત્તમ રૂપાલાનું ઉમેદવારી પત્રક રદ્દ નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ યથાવત્ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અને જો રૂપાલાની ઉમેદવારી રદ્દ નહીં કરવામાં આવે તો સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરૂદ્ધ મતદાન કરવામાં આવશે.

Most Popular

To Top