Charotar

પેટલાદની પરિણીતાએ 21 લાખ આપ્યાં છતાં સાસરિયાએ વધુ નાણાં માંગ્યાં

કેનેડા સ્થાયી થયેલા પતિએ પત્નીને પિયરમાંથી નાણા લાવવા ત્રાસ આપ્યો

પેટલાદ શહેર પોલીસે વડોદરા રહેતા પાંચ સાસરિયા સામે પોલીસે ગુનો નોંધ્યો

પેટલાદના દાવલપુરા ગામમાં રહેતી યુવતીએ 16 વર્ષ પહેલા વડોદરાના યુવક સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્ન બાદ યુવક કેનેડા જતો રહ્યો હતો. જોકે, તે વારંવાર વડોદરા આવે તે સમયે યુવતીને પિયરમાંથી નાણા લાવવા દબાણ કરતો હતો. જેના પગલે યુવતીએ પિયરમાંથી 21.50 લાખ લાવીને આપ્યાં છતાં ત્રાસ આપતો હતો. આખરે યુવતીએ પિયરમાં આવીને પતિ સહિત પાંચ સાસરિયા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

પેટલાદના દાવલપુરા ગામમાં રહેતા ચિતીક્ષાબહેન પટેલના લગ્ન 2006માં જીગરકુમાર રાજનભાઈ પટેલ (રહે. પ્રકાશનગર સોસાયટી, વડોદરા) સાથે થયાં હતાં. આ લગ્ન બાદ ચિતીક્ષાબહેન ફીટજીયો ફિટનેસ સેન્ટર ચલાવે છે. જ્યારે ચિતીક્ષાબહેનના માતા – પિતા, ભાઇ અમેરિકા સ્થાયી થયાં છે. ચિતીક્ષાબહેનના લગ્ન બાદ થોડો સમય સારી રીતે રાખ્યા બાદ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. વિદેશ રહેતા માતા – પિતા પાસેથી નાણા મંગાવવા દબાણ કરતાં હતાં. આ ઉપરાંત ઝઘડો કરી મારમારવા લાગ્યાં હતાં. સસરા, સાસુ, જેઠ – જેઠાણી પણ મ્હેણાં ટોણાં મારવા લાગ્યાં હતાં. દરમિયાનમાં 2009માં જીગર કેનેડા ખાતે જતો રહ્યો હતો. વડોદરા સાસરિયા સાથે રહેતા ચિતીક્ષાબહેનને ત્રાસ ઓછો થયો નહતો.

આખરે 2011માં તેમના માતા – પિતાએ વીસ તોલા સોનું આપ્યું હતું. આમ છતાં 2013માં પતિ કેનેડાથી પરત વડોદરા આવ્યો ત્યારે માતા – પિતા પાસેથી પૈસાની માગણી કરવા લાગ્યો હતો અને હું ફરી વડોદરા આવું તે પહેલા પૈસા મેળવી લેજે. તેમ કહી કેનેડા જતો રહ્યો હતો. આ અંગે ચિતીક્ષાબહેને પિયર જાણ કરતાં તેઓએ રૂ.21.50 લાખ આપ્યાં હતાં. આમ છતાં ત્રાસ યથાવત રહ્યો હતો. તેમાંય 2009, 2013 અને 2015માં માત્ર ચાર મહિના માટે આવતો હતો. જ્યારે છેલ્લા આઠ વર્ષથી તે કેનેડા જ રહે છે. આથી, ચિતીક્ષાબહેને તેને સાથે રહેવાનું કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને ફોનમાં જ અપશબ્દ બોલવા લાગ્યો હતો. આખરે ચિતીક્ષાબહેન 21મી જૂન,2023ના રોજ અમેરિકા ગયા હતા અને માતા – પિતાને સઘળી બાબતે ફરિયાદ કરી હતી. બાદમાં તેઓ પરત પેટલાદ રહેવા આવી ગયાં હતાં. આ અંગે પેટલાદ શહેર પોલીસ મથકે પતિ જીગર, સસરા રાજન, સાસુ ધર્મિષ્ઠાબહેન, જેઠ સચિનકુમાર, જેઠાણી આરતીબહેન સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top